(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વ્યાજદરમાં વધારાની ભીતિ હેઠળ વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મુખ્યત્વે મેટલ, આઈટી અને પાવર ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં એક તબક્કે ૫૦૦ પૉઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યા બાદ અંતે ૩૩૪.૯૮ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો અને સેન્સેક્સમાં સતત પાંચ સત્ર સુધી જોવા મળેલા સુધારાને બ્રેક લાગી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૮૯.૪૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૬૦,૮૪૧.૮૮ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૬૦,૮૪૭.૨૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ૬૦,૮૪૭.૨૧ અને નીચામાં ૬૦,૩૪૫.૬૧ સુધી ઘટ્યા બાદ અંતે આગલા બંધથી ૩૩૪.૯૮ પૉઈન્ટ અથવા તો ૦.૫૫ ટકાના ઘટાડા સાથે ૬૦,૫૦૬.૯૦ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૭,૮૫૪.૦૫ના બંધ સામે ૧૭,૮૧૮.૫૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૭,૬૯૮.૩૫થી ૧૭,૮૨૩.૭૦ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૫૦ ટકા અથવા તો ૮૯.૪૫ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૭,૭૬૪.૬૦ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી અર્થતંત્ર તંગ નાણાનીતિના છેલ્લા તબક્કામાં હોવાની શક્યતાને ધ્યાનમાં લેતાં અગાઉ વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ તેના વિપરીત ગત શુક્રવારે અમેરિકાના જોબ ડેટા મજબૂત આવતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારા માટે આક્રમક અભિગમ અપનાવે તેવી શક્યતા સપાટી પર આવતા આજે વૈશ્ર્વિક બજારમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. વધુમાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીની આગામી બુધવારે સમાપન થનારી બેઠકને ધ્યાનમાં લેતાં રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતા ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.
આજે સંસદમાં અદાણી જૂથ સામે થયેલા ગંભીર આક્ષેપોની સર્વૌચ્ચ અદાલતની દેખરેખ હેઠળ તપાસ કરવાની વિરોધ પક્ષો દ્વારા માગણી કરવામાં આવતા અદાણી જૂથના શૅરોમાં એકમાત્ર અદાણી પોર્ટસને બાદ કરતાં તમામ શૅરના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝીસમાં ૦.૭૪ ટકાનો, અદાણી પાવરમાં પાંચ ટકાનો, અદાણી ટ્રાન્સમિશનમાં ૧૦ ટકાનો અને અદાણી ટોટલ ગૅસ તથા અદાણી ગ્રીનમાં પાંચ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, અદાણી જૂથના પ્રમોટરો ગીરો મૂકેલા ૧૧.૪ કરોડ ડૉલરના શૅર જેની મુદત આગામી સપ્ટેમ્બર ૨૦૨૪માં પાકી રહી છે તેની આગેતરી ચુકવણી કરીને શૅર છૂટા કરશે એવું યાદીમાં જણાવતાં અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ લિ.ના શૅરના ભાવમાં ૯.૪૬ ટકા જેટલો સુધારો આવ્યો હતો. આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી નવ શૅરના ભાવ સુધારા સાથે અને ૨૧ શૅરના ભાવ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં સૌથી વધુ ૨.૩૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો. અનુક્રમે બજાજ ફાઈનાન્સમાં ૧.૫૬ ટકાનો, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ૧.૦૫ ટકાનો, આઈટીસીમાં ૦.૭૪ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૦.૪૧ ટકાનો અને એનટીપીસીમાં ૦.૧૮ ટકાનો વધારો થયો હતો. વધુમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બૅન્કો અને વીમા કંપનીઓનું કોઈપણ એક કંપનીમાં ઓવરએક્સપોઝર ન હોવાનું અને ભારતીય બજારોનું સુપેરે નિયમન થઈ રહ્યું હોવા જણાવતાં સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના શૅરના ભાવમાં ૦.૧૭ ટકાનો સુધારો આવ્યો હતો. જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૦૮ ટકાનો ઘટાડો ટાટા સ્ટીલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે કોટક બૅન્કમાં ૧.૮૭ ટકાનો, ઈન્ફોસિસમાં ૧.૭૯ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૧૮ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૦.૯૧ ટકાનો અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૮૪ ટકાનો ઘટાડો આવ્યો હતો. બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં આજે ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં ૩.૪૨ ટકા, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૬૧ ટકા, એફએમસીજી ઈન્ડેક્સ ૦.૫૦ ટકા, કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા, હેલ્થકેર ઈન્ડેક્સ ૦.૩૫ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ઈન્ડેક્સ ૦.૩૨ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સ ૦.૨૯ ટકા, ઑઈલ એન્ડ ગૅસ ઈન્ડેક્સ ૦.૦૮ ટકા અને ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ એન્ડ સર્વિસીસ ઈન્ડેક્સ ૦.૦૫ ટકા વધ્યા હતા.