મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ સાથે યુરોપની અન્ય મધ્યસ્થ બેન્કો પણ કડક નાણાનીતિ અપનાવવાની તૈયારીમાં હોવા સાથે વૈશ્ર્વિક અર્થતંત્રો પર મંદીના વાદળ ઘેરાવાની ભીતિ ઓછી હોય તેમ ચીનમાં કોરોનાને કારણે ફરી એકવાર મૃત્યાંક દહેશત ફેલાવી શકે એવા સ્તરે પહોંચ્યો હોવાના અહેવાલને કારણે કથળેલા સેન્ટિમેન્ટ વચ્ચે ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં નોંધાયેલી જોરદાર પીછેહઠને પરિણામે એક તબક્કે ૭૦૦ પોઇન્ટ નીચે ખાબક્યા બાદ સેન્સેક્સ માત્ર ૧૦૦ પોઇન્ટ નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
સત્ર દરમિયાન ૭૦૩.૫૧ પોઇન્ટ અથવા તો ૧.૧૩ ટકા ગબડીને ૬૧,૧૦૨.૬૮ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૧૦૩.૯૦ પોઇન્ટ અથવા તો ૦.૧૭ ટકાના ઘટાડા સાથે ૬૧,૭૦૨.૨૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૩૫.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૧૯ ટકાના ઉછાળા સાથે ૧૮,૩૮૫.૩૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
બેન્ક ઓફ જાપાને ૧૦ વર્ષની યિલ્ડ માટેની અપર બેન્ડની મર્યાદા વધારીને ૫૦ બેસિસ પોઇન્ટ જાહેર કરીને ગ્લોબલ માર્કેટને અનપેક્ષિત આંચકો આપ્યો હતો. જાપાન પણ કડક નાણાં નીતિ અપનાવશે એવા સંકેતે વિશ્ર્વબજારમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. અમેરિકાના શેરબજારો પાછલા સોમવારે નેગેટીવ ઝોનમાં બંધ રહ્યાં બાદ એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગ શેરબજાર સતત બીજા દિવસે નીચી સપાટીએ બંધ રહ્યાં હતા. યુરોપના બજારોમાં મધ્યસત્ર સુધી ઘટાડો રહ્યો હોવાના અહેવાલ હતા.
સેન્સેક્સના શેરોમાં ટાટા મોટર્સ, હિંદુસ્તાન યુનિલીવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટૂબ્રો, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, એનટીપીસી, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ અને ટાટા સ્ટીલ ટોપ લૂઝર્સ રહ્યાં હતાં. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ ગેઇનર્સ હતા. ઈમામી લિમિટેડે અલ્ટ્રા સ્ટ્રોંગ પેઈન રિલીફ જેલ ઝંડુ ફાસ્ટ રિલીફ લોન્ચ કર્યું છે. જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફિઝિયો, પ્રોફેસર ડો. અલી ઈરાનીને ઝંડુ ફાસ્ટ રિલીફના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. આ પ્રોડક્ટ ટર્બો એક્શન ફોર્મ્યુલા દ્વારા સંચાલિત છે.
રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડ પ્રારંભિક જાહેર ઓફર સાથે ૨૩ ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇક્વિટી શેર દીઠ રૂ. ૯૪ થી ૯૯ પર પ્રાઇસ બેન્ડ નક્કી થઇ છે. બિડ અને ઓફરની અંતિમ તારીખ ૨૭ ડિસેમ્બર છે. લધુત્તમ બિડ લોટ ૧૫૦ ઇક્વિટી શેર્સ છે અને અપર બેન્ડને આધારે ભરણાનું કદ રૂ. ૩૮૮ કરોડનું છે. ધ લાઈફ સ્કીલ્સ કોલાબોરેટિવ (એલએસઇ)એ તેની એલએસઇ ઈન્ડિયા ગ્લોસરી ઓફ લાઈફ સ્કીલ્સ અંગ્રેજી સહિત ચાર ભાષામાં લોન્ચ કરી છે. જીવન કૌશલ્યોની ઍક્સેસ માત્ર અંગ્રેજી સુધી મર્યાદિત નથી પરંતુ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે શબ્દાવલિની પ્રાદેશિક ભાષાની આવૃત્તિઓ સાંસ્કૃતિક રીતે સંબંધિત સંદર્ભમાં વિકસાવવામાં આવી છે.
આરબીએમ ઈન્ફ્રાકોન ૨૩મી ડિસેમ્બરે તેનો રૂ. ૮૩૭ લાખનો આઈપીઓ લાવી રહી છે અને તેના શેર એનએસઈ ઇમર્જ પર સૂચિબદ્ધ થશે. કંપની એન્જિનિયરિંગ, એક્ઝિક્યુશન, ટેસ્ટિંગ, કમિશનિંગ ઑપરેશન અને મેઇન્ટેનન્સ, ખાસ કરીને મિકેનિકલ અને રોટરી ઇક્વિપમેન્ટના ક્ષેત્ર કાર્યરત છે. શેર દીઠ ફેસ વેલ્યુ રૂ. ૧૦ છે અને શેર દીઠ ઈશ્યૂ કિંમત રૂ. ૩૬ છે. લોટ સાઈઝ ૩૦૦૦ શેરની છે. ઇશ્યૂ ૨૩મી ડિસેમ્બરે ખુલશે અને ૨૭મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બંધ થશે. ઇશ્યૂના લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને ઇશ્યૂના રજીસ્ટ્રાર સ્કાયલાઈન ફાઈનાન્શિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે. એકત્રિત ભંડોળમાંથી કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે રૂ. ૭૦૦ લાખ, સામાન્ય કોર્પોરેટ હેતુ માટે રૂ. ૧૦૦ લાખ અને પબ્લિક ઇશ્યૂના ખર્ચ માટે રૂ. ૩૭ લાખનો ઉપયોગ થશે.
———
વર્ષ ૨૦૨૩માં નિફ્ટી ૨૦,૯૧૯ સુધી પહોંચી શકે
મુંબઇ: જ્યારે વૈશ્ર્વિક બજારો અને શેરઆંક ગબડ્યા, ત્યારે ભારત સ્થિતિસ્થાપક રહ્યું હતું અને તે પહેલાથી જ વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, જે છેલ્લા એક દાયકામાં સરેરાશ ૫.૫ ટકા કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્ધિ ધરાવે છે. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે એશાવાદ વ્યક્ત કરવા સાથે શેરબજારની ભાવિ ચાલ અંગે વાત કરતા કોટક સિક્યોરિટીઝના એમડી અને સીઈઓ જયદીપ હંસરાજે જણાવ્યું હતું કે, ભારતની આર્થિક અને કમાણી પુન:પ્રાપ્તિ સાથે મૂડી ખર્ચ ચક્ર, (પીએલઆઇ સ્કીમ સહિત) લાંબા ગાળા માટે ભારતીય બજારોને આકર્ષક રાખવાની અપેક્ષા છે. તેમણે રજી કરેલા અભ્યાસના રિપોર્ટ અનુસાર બેઝ કેસની સ્થિતિમાં કોટક સિક્યોરિટીઝે ૨૦૨૩ માટે નિફ્ટીનું લક્ષ્ય ૧૮,૭૧૭ નક્કી કર્યું છે, જ્યારે તેજીના કિસ્સામાં બેન્ચમાર્ક નિફ્ટી ૨૦,૯૧૯ સુધી પહોંચી શકે છે. જોકે, મંદીના કિસ્સામાં નિફ્ટીનો લક્ષ્યાંક ૧૬,૫૧૫ છે.