રિટેલ ઇન્ફલેશન નવેમ્બરમાં ૫.૮૮ ટકાની ૧૧ મહિનાની નીચી સપાટીએ, ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ચાર ટકાનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ચીનમાં કોરોનાનો ફેલાવો ઝડપી બનવાની ચિંતા વચ્ચે વિશ્ર્વબજારમાં જોવા મળેલી નરમાઇ સાથે સ્થાનિક બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી ચાલુ રહેલી વેચવાલીને કારણે સેન્સેક્સમાં ૫૧ પોઇન્ટનો ઘટાડો અને નિફ્ટીમાં સાધારણ સુધારો નોંધાયો હતો.
સત્ર દરમિયાન ૫૦૫.૫૨ પોઇન્ટ અથવા તો ૦.૮૧ ટકા ગબડીને ૬૧,૬૭૬.૧૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ અંતે ૫૧.૧૦ પોઇન્ટ અથવા તો ૦.૦૮ ટકાના ઘટાડા સાથે ૬૨,૧૩૦.૫૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૦.૫૫ પોઇન્ટના સુધારા સાથે ૧૮,૪૯૭.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
ચાઇનાએ ઝીરો ટોલરન્સ પોલિસી પાછી ખેંચી લીધી હોવાથી કોરોનાના કેસમાં ઝડપી વધારો થઇ રહ્યો હોવાના સંકેતો વચ્ચે વોલસ્ટ્રીટમાં પીછેહઠ નોંધાવા સાથે અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા તેમ જ ફેડરલ રિઝર્વની આ વર્ષની અંતિમ બેઠક પર નજર સાથે સાવચેતીનું માનસ હોવાથી એશિયાઇ બજારો પણ ગબડ્યાં હતાં. બજારની નજર નવેમ્બરના ઇન્ફ્લેશન ડેટા જાહેર થયા તેના પર હતી. પાછળથી જાહેર થયેલા ડેટા અનુસાર રિટેલ ઇન્ફલેશન નવેમ્બરમાં ૫.૮૮ ટકાની ૧૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે દેશનું ઓદ્યોગિક ઉત્પાદન દર્શાવતો ઇન્ડેકસ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડકશન (આઇઆઇપી) ઓક્ટોબરમાં ચાર ટકા ઘટ્યો છે. દરમિયાન દેશના જી-૨૦ શેરપા અમિતાભ કાંતે મુંબઇ ખાતે પ્રથમ વિકાસ કાર્ય બેઠક યોજાવા અગાઉ ભારતીની જી-૨૦ અગ્રિમતા જાહેર કરી હતી. સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ, ટાઇટન, કોટક મહિન્દ્રા બેન્ક, પાવરગ્રીડ, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક અને બજાજ ફિનસર્વ ટોપ લૂઝર રહ્યાં હતાં. ટાટા સ્ટીલ, નેસ્લે, ડો. રેડ્ડીઝ લેબ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને એચડીએફસી બેન્કનો સમાવેશ ટોપ ગેઇનર શેરોમાં હતો.
વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટની નજર આજે મંગળવારે જાહેર થનારા અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા પર પણ છે. અર્થશાસ્ત્રીઓ એવી અપેક્ષા સેવી રહ્યાં છે કે આ ઇન્ફ્લેશન ઓક્ટોબરના ૭.૭ ટકાથી ઘટીને ૭.૩ ટકા જાહેર થવું જોઇએ. દરમિયાન જર્મનીનો ડેક્સ ૦.૫ ટકાના ઘટાડા સાથે ૧૪,૨૯૫.૯૧ પોઇન્ટ અને પેરિસનો સીએસી-૪૦ ઇન્ડેક્સ ૦.૪ ટકાના ઘટાડા સાથે ૬૬૫૩.૨૯ની સપાટીએ પહોંચ્યો હતો.
બ્રિેટનનો ફૂટસી-૧૦૦ ઇન્ડેક્સ ૦.૩ ટકાના ઘટાડા સાથે ૭૪૫૩.૨૬ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો જ્યારે એસએન્ડપી ૫૦૦ ફ્યુચર્સ અને ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજમાં ૦.૧ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. હોંગકોંગનો હેંગસેગ ઇન્ડેક્સ ૨.૧ ટકા તૂટ્યો હતો અને ૧૯,૪૭૫.૧૬ની સપાટીએ પહોંચ્યો હતો. શાંઘાઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ ૦.૯ ટકાના ઘટાડા સાથે ૨,૧૭૯.૦૪ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
સ્થાનિક સ્તરે ચાર્ટિસ્ટોએ એવી આગાહી કરી છે કે, આ સપ્તાહે નિફ્ટી ફરી તેની તાજેતરની ઊંચી સપાટી અંકે કરવાનો પ્રયાસ કરશે. આમ સટોડિયા તેજીની આશા રાખી શકે! ટોચના ટેક્નિકલ એનાલિસ્ટ્સે જોકે એવી આગાહી કરી છે કે, આગળ જતાં અમે નિફ્ટીને ૧૮૪૦૦-૧૮૫૦૦ના વર્તમાન સ્તરો અને સ્ટેજ રિકવરી નજીક સપોર્ટ મળવાની અપેક્ષા રાખીએ છીએ. જોકે એક વિશ્ર્લેષકે કહ્યું હતું કે ડેટા ફ્રન્ટથી કોલ સ્ટ્રાઇક્સમાં ભારે ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ-અપ જોવા મળી રહ્યું છે જે મર્યાદિત અપસાઇડ્સની અપેક્ષાઓ સૂચવે છે. માસિક સેટલમેન્ટ સુધીમાં ૧૮,૫૦૦ની ઉપર બેન્ચમાર્ક માટે ૧૮૮૦૦ના લક્ષ્યાંકની આશા રાખી શકાય.
નવમી ડિસેમ્બરે સમાપ્ત થયા સપ્તાહમાં સેનસેક્સ ૬૮૬.૮૩ પોઇન્ટ એટલે કે ૧.૦૯ ટકાના ઘટાડા સાથે ૬૨,૧૮૧.૬૭ પોઇન્ટના સ્તર પર બંધ થોય હતો. જ્યારે નિફ્ટી ૧૧૨.૭૫ પોઇન્ટ એટલે કે ૧.૦૬ ટકા તૂટીને ૧૮૪૯૬.૬ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. ગયા સપ્તાહે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ છ ટકા તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ ૩.૪ ટકા તૂટીને બંધ થયો હતો. જ્યારે નિફ્ટી એનર્જી, ફાર્મા અને મીડિયા ઈન્ડેક્સ બે ટકા તૂટ્યા છે. જ્યારે બીજી તરફ નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સ ૪.૭ ટકા અને નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ ૨.૨ ટકા વધીને બંધ થયો છે.
આઈટી, ટેકનો, ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ અને ટેલીકોમ શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે ઓઈલ અને ગેસ, એનર્જી, મેટલ તથા રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૩ ટકા અને૦.૩૭ ટકા વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ પેકમાં આજે ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૧.૧૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં નેસ્લે ઈન્ડિયા, ડો.રેડીઝ લેબ, વિપ્રો, એચડીએફસી બેન્ક, એચડીએફસી, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક અને મારુતિનો સમાવેશ થાય છે. એશિયન પેઈન્ટસના શેરોમાં સૌથી વધુ ૧.૯૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, ટાઈટન, કોટક બેન્ક, ભારતી એરટેલ, પાવરગ્રીડ અને એસબીઆઈનો સમાવેશ થાય છે. નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ બીપીસીએલના શેરમાં ૩.૧૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં ડિવિસ લેબ, કોલ ઈન્ડયા, યુપીએલ અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ એશિયન પેઈન્ટ્સના શેરમાં ૧,૮૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, કોટક બેન્ક, ટાઈટન અને આઈશર મોટર્સનો સમાવેશ થાય છે.