Homeશેરબજારસર્વિસ પીએમઆઇના સારા ડેટાના દમ પર સેન્સેક્સ ૩૬૦ પોઇન્ટ નીચી સપાટીથી પાછો...

સર્વિસ પીએમઆઇના સારા ડેટાના દમ પર સેન્સેક્સ ૩૬૦ પોઇન્ટ નીચી સપાટીથી પાછો ફર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર કોન્સોલિડેશન મોડમાં સપ્તાહના પહેલા દિવસે અથડાઇ ગયું હતું. સર્વિસ પીએમઆઇના ડેટા સારા આવ્યા હોવાથી, પ્રારંભિક સત્ર દરમિયાન ૩૬૦ પોઇન્ટ નીચે પટકાયેલો સેન્સેક્સ મોટાભાગનો ઘટાડો પચાવીને પાછલા સત્ર સામે માત્ર ૩૪ પોઇન્ટ નીચા સ્તચરે સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી તો પોઝિટીવ ઝોનમાં પાછો ફર્યો હતો. સત્ર દરમિયાન ૩૬૦.૬૨ પોઇન્ટ અથવા તો ૦.૫૭ ટકા ગબડીને ૬૨,૫૦૭.૮૮ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ ૩૩.૯ પોઇન્ટ અથવા તો ૦.૦૫ ટકાના ઘટાડા સાથે ૬૨,૮૩૪.૬૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૪.૯૫ પોઇન્ટ અથવા તો ૦.૦૩ ટકાના સુધારા સાથે ૧૮,૭૦૧.૦૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
ભારતનો સર્વિસ સેકટરનો ઇન્ડેક્સ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોચ્યો હોવાથી સત્રના પાછલા ભાગમાં લેવાલીનો ટેકો મળતા બંને બેન્ચમાર્ક નીચી સપાટીથી પાછાં ફર્યા હતા. એસએન્ડપી ગ્લેબલ ઇન્ડિયા સર્વિસિસ પીએમઆઇ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેકસ ઓક્ટોબરમાં ૫૫.૧ના સ્તરે હતો તે નવેમ્બરમાં વધીને ૫૬.૪ની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો. રેડ્ડીઝ લેબ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લૂઝર્સ રહ્યાં હતાં. જ્યારે ટાટા સ્ટીલ, એનટીપીસી, સ્ટેટ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને પાવરગ્રીડ ટોપ ગેઇનર્સની યાદીમાં હતાં.
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ રિઅલ્ટી ફર્મ સિગ્નેચર ગ્લોબલ (ઇન્ડિયા)ને રૂ. ૧૦૦૦ કરોડના પ્રારંભિક જાહેર ભરણા માટે મંજૂરી આપી દીધી છે. કંપની આ ભંડોળનો ઉપયોગ કરજ ચૂકવણી અને જમીનની ખરીદી માટે કરવામાં આવશે. બજાર નિયમાક તરફથી આ અફોર્ડેબલ અને મિડ હાઉસિંગ સેગમેન્ટની કંપનીને ૨૪મી નવેમ્બરે ઓબ્ઝર્વેશન લેટર આપ્યો હતો. કમર્શિયલ વાહનોની સૌથી મોટી ફાઇનાન્સર શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની અને એસએમએસઇ સેગમેન્ટની અગ્રણી ધિરાણકર્તા શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સનું મર્જર કરીને શ્રીરામ ફાઇનાન્સની રચના કરવામાં આવી છે.
આ સપ્તાહે ભારતીય રિઝર્વ બેન્કના વ્યાજદરમાં વધારા અંગેનો નિર્ણય ઉપરાંત વૈશ્ર્વિક બજારોની ચાલ, વિદેશી રોકાણનો પ્રવાહ, રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ સહિતના પરિબળો શેરબજારની ચાલ નિર્ધારિત કરે તેવી શક્યતા છે. સાતમી ડિસેમ્બરે આરબીઆઈ વ્યાજદર વધારાનો નિર્ણય કરશે જ્યારે આઠમી ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો જાહેર થશે. વૈશ્ર્વિક મોરચે યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઈન્ડેક્સમાં તીવ્ર ઘટાડો જોવાયો છે અને બજાર સતત તેની પરિસ્થિતિ પર વોચ રાખે તેવી શક્યતા છે. રિઝર્વ બેંક આ મહિને વ્યાજદરમાં ૩૫ બેસિસ પોઈન્ટનો નાનો વધારો કરીને ૬.૨૫ ટકા જાહેર કરશે એવી ધારણા છે.
અગ્રણી ચાર્ટીસ્ટે કહ્યું હતું કે, સતત આઠ સત્રની આગેકૂચ બાદ પ્રોફિટ બુકિંગને કારણે નિફ્ટીએ શુક્રવારે બેરીશ કેન્જલની રચના કરી હતી. જોકે, સતત સાતમા સપ્તાહે નિફ્ટીએ હાયર હાઇ ફોર્મેશન પણ બતાવ્યું છે જે એવો સંકેત આપે છે કે આ બેન્ચમાર્કમાં હજુ જોમ છે અને આવનારા સપ્તાહો માટે તેનો ૧૯,૦૦૦નો લક્ષ્યાંક પણ અકબંધ છે. પાછલા શુક્રવારે વોલસ્ટ્રીટમાં પીછેહઠ નોંધાયા બાદ એશિયાઇ બજારોમાં ટોકિયો, શાંઘાઇ અન્ે હોંગકોંગ ઊંચી સપાટીએ બંધ રહ્યાં હતાં, જ્યારે સિઓલ શેરબજાર નીચી સપાટીએ ગબડ્યું હતું. જ્યારે યુરોપના શેરબજારોમાં મધ્યસત્ર સુધી નરમાઇ રહી હોવાના અહેવાલ હતા.
આ સપ્તાહે શેરબજારની ચાલ પર અસર કરે તેવા અન્ય પરિબળોમાં બ્રેન્ટ ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ અને ડોલર સામે રૂપિયાની ચાલનો સમાવેશ થાય છે. શેરબજારમાં હાલના હાઈ વેલ્યૂએશન, ફેડ પોલિસી બેઠક અને ચીનમાં કોવિડ સામેના કડક નિયંત્રણો જેવા પગલાંને ધ્યાનમાં લેતા આ સપ્તાહે બજાર ખુબજ સેન્સિટિવ રહે તેવી ધારણા છે. એકંદરે સાતમી ડિસેમ્બરની આરબીઆઈની બેઠક પરથી બજારની ભાવિ ચાલ તેમજ વ્યાજદર વધારાની તીવ્રતા અંગેનો અણસાર મળે તેવી શક્યતા છે.
સેન્સેક્સની ૧૪ કંપનીઓ વધી હતી, ૧૫ કંપનીઓ ઘટી હતી અને એક કંપની સ્થિર રહી હતી. માર્કેટ કેપ રૂ. ૨૯૦.૪૩ લાખ કરોડ રહ્યું હતું. જે શુક્રવારે રૂ. ૨૮૯.૫૭ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૦૨ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૧ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૧૦ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૨૫ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૦૦ ટકા (૦.૩૮ પોઈન્ટ), બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૦૨ ટકા અને બીએસઈ ઓલ કેપ ૦.૦૪ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ લાર્જ કેપ ૦.૦૦ ટકા (૦.૩૬ પોઈન્ટ) ઘટ્યા હતા.
આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૧ ટકા ઘટ્યો હતો અને એસએમઈ આઈપીઓ ૦.૪૯ ટકા વધ્યો હતો. સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોડિટીઝ ૦.૮૫ ટકા, કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી ૦.૦૪ ટકા, એફએમસીજી ૦.૦૫ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૩૫ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૧૨ ટકા, યૂટિલિટીઝ ૦.૦૩ ટકા, બેન્કેક્સ ૦.૪૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૦૬ ટકા, મેટલ ૨.૩૭ ટકા, પાવર ૦.૦૬ ટકા, રિયલ્ટી ૦.૭૪ ટકા અને સર્વિસીસ ૦.૨૬ ટકા વધ્યા હતા, જ્યારે એનર્જી ૦.૧૭ ટકા, હેલ્થકેર ૦.૪૭ ટકા, આઈટી ૦.૩૬ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૨૭ ટકા, ઓટો ૦.૩૧ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૦૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૧૨ ટકા અને ટેક ૦.૨૯ ટકા ઘટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular