(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે એશિયાના ઈક્વિટી માર્કેટના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી બજારમાં આજે મુખ્યત્વે ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ ઉપરાંત આઈટી શૅરોમાં રોકાણકારોની લેવાલીને ટેકે સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૨૩૪ પૉઈન્ટની અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૧૧ પૉઈન્ટની આગેકૂચ જળવાઈ રહી હતી.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૬૧,૭૨૯.૬૮ના બંધ સામે નરમાઈના ટોને ૬૧,૫૭૯.૭૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૧,૫૭૯.૭૮ અને ઉપરમાં ૬૨,૦૪૪.૪૬ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે ૦.૩૮ ટકા અથવા ૨૩૪ પૉઈન્ટ વધીને ૬૧,૯૬૩.૬૮ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી આગલા ૧૮,૨૦૩.૪૦ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને ૧૮,૨૦૧.૧૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૮,૧૭૮.૮૫ અને ઉપરમાં ૧૮,૩૩૫.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ૦.૬૧ ટકા અથવા તો ૧૧૧ પૉઈન્ટની તેજી સાથે ૧૮,૩૧૪.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકા ખાતે વાટાઘાટોને પગલે દેવાની ટોચ મર્યાદા અંગેનું કોકડું ઉકેલાઈ જવાના આશાવાદ ઉપરાંત તાજેતરમાં આઈટી કંપનીઓનાં ગત માર્ચ અંતના ચોથા ત્રિમાસિકગાળાના પરિણામો અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવા છતાં આગામી સમયગાળામાં માગને ટેકે સારી કામગીરી જોવા મળે તેવા આશાવાદે આજે નીચા મથાળેથી આઈટી શૅરોમાં બાર્ગેઈન હંટિંગ નીકળતાં બજારના સુધારાને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં રોકાણકારોની નજર આગામી બુધવારે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર સ્થિર થઈ હોવાથી બજારમાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
વધુમાં મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના રિટેલ રિસર્ચ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે આજે સત્રના આરંભે નિફ્ટી સાંકડી વધઘટે ખૂલ્યો હતો, પરંતુ ધીમે ધીમે રોકાણકારોની લેવાલી વધતાં અંતે ૧૧૧ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૯ શૅરના ભાવ વધીને અને ૧૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૪ શૅરના ભાવ વધીને ૧૫ શૅરના ભાવ ઘટીને અને માત્ર એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. આજે બીએસઈ ખાતે મુખ્ય વધનાર શૅરમાં સૌથી વધુ ૩.૦૩ ટકાનો સુધારો ટૅક મહિન્દ્રામાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે વિપ્રોમાં ૨.૫૦ ટકા, ટીસીએસમાં ૨.૩૭ ટકા, એચસીએલ ટૅક્નોલૉજીસમાં ૨.૧૮ ટકા, ઈન્ફોસિસમાં ૧.૯૧ ટકા અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૨૦ ટકા વધી આવ્યા હતા. આ ઉપરાંત આજે ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅરના ભાવ પણ ૦.૪૮ ટકા વધી આવતા સેન્સેક્સને ટેકો મળ્યો હતો. જોકે, આજે બીએસઈ ખાતે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૦૧ ટકાનો ઘટાડો નેસ્લેમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એક્સિસ બૅન્કમાં ૦.૭૬ ટકા, ટાટા મોટર્સમાં ૦.૪૬ ટકા, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૦.૪૩ ટકા, એચડીએફસી બૅન્કમાં ૦.૪૨ ટકા અને ભારતી એરટેલમાં ૦.૪૦ ટકા ઘટી આવ્યા હતા. વધુમાં આજે બીએસઈ ખાતેના મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૭૩ ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ૦.૪૧ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૩૬ ટકાનો અને બૅન્કેક્સમાં ૦.૨૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા, જેમાં આઈટી ઈન્ડેક્સમાં ૨.૧૫ ટકાનો, ટૅક્નોલૉજી ઈન્ડેક્સમાં ૧.૬૯ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૨૭ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૧.૨૦ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૦.૯૭ ટકાનો અને કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૯૩ ટકાનો સુધારો આવ્યો હતો.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૦૩ ટકા વધીને બેરલદીઠ ૭૫.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૭ પૈસા ઘટીને ૮૨.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ અમેરિકાના દેવાની ટોચ મર્યાદા અંગે ઉકેલ ન આવ્યો હોવાથી બજારમાં આગામી ટૂંકા સમયગાળામાં અનિશ્ર્ચિતતાનું વલણ જોવા મળશે, એવું બજારનાં નિષ્ણાતોનું મંતવ્ય છે.