ફર્સ્ટ સિટીઝન્સ બેન્ક એન્ડ ટ્રસ્ટે સિલિકોન વેલી બેન્કની ડિપોઝિટ અને લોન ખરીદવા સહમતી દર્શાવી
—
(વાણિજ્ય પ્રતિનિધિત તરફથી)
મુંબઇ: ચાલુ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી અમેરિકામાં ફડચામાં ગયેલી બેન્કોની અસરનો રેલો વૈશ્ર્વિક બેન્કિંગ સિસ્ટમ સુધી આવે તેવા ભય વચ્ચે પણ સિલિકોન વેલી બેન્કના હસ્તાંતરણની વાટાઘાટો પૂર્ણતાની આરે હોવાના સમાચારથી બજારમાં રાહત જોવા મળી હતી. સમાચાર અનુસાર ફર્સ્ટ સિટીઝન્સ બેન્ક એન્ડ ટ્રસ્ટે સિલિકોન વેલી બેન્કની ડિપોઝિટ અને લોન ખરીદવા સહમતી દર્શાવી છે. વૈશ્ર્વિક રાહે ભારતીય શેરબજાર પણ ગ્રીન ઝોનમાં પહોંચવામં સફળ રહ્યું હતું. જોકે નિફ્ટી ૧૭,૦૦૦ની સપાટી પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
સેન્સેક્સ ૧૨૭ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો, જોકે નિફ્ટી ૧૭૦૦૦ની નીચે બંધ રહ્યો હતો. સત્ર દરમિયાન ખાસ કરીને ફાર્મા શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું. આ સેક્ટરના મોટા ભાગના શેરોમાં લેવાલી જોવા મળી હતી.
ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સે ૫૮,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી પરંતુ, માર્ચ સીરીઝની એક્સપાયરી નજીક હોવાને કારણે વોલેટાઈલ માર્કેટમાં તે પાછો ૫૮,૦૦૦ની સપાટીની નીચે આવી ગયો હતો. જોકે, ટ્રેડિંગ અવરની છેલ્લી ૩૦ મિનિટોમાં ભારે વેચવાલીથી શેરબજારમાં શરૂઆતનો સુધારો થોડો ધોવાઈ ગયો હતો. આજે સ્મોલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા
મળ્યું હતું.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૮,૦૧૯.૫૫ અને નીચામાં ૫૭,૪૧૫.૦૨ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૧૨૬.૭૬ પોઈન્ટ્સ અથવા ૦.૨૨ ટકા વધીને ૫૭,૬૫૩.૮૬ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૦૯૧.૦૦ અને નીચામાં ૧૬,૯૧૮.૫૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૪૦.૬૫ પોઈન્ટ્સ અથવા ૦.૨૪ ટકાના સુધારા સાથે ૧૬,૯૮૫.૭૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં સૌથી વધુ રિલાયન્સના શેરોમાં સૌથી વધુ ૧.૫૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મારૂતિ, એસબીઆઈ, સન ફાર્મા, અલ્ટ્રાકેન્કો, ઈન્ફોસિસ, કોટક બેન્ક, હિન્દુસ્તાન યૂનિલિવર, આઈટીસી, ટાટા સ્ટીલ અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થાય છે. પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૧.૧૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ થાય છે.
આ સપ્તાહે એસએમઇ સેગમેન્ટમાં ત્રણ આઇપીઓ આવી રહ્યાં છે. જેમાં એમઓએસ, મેઇડન પોર્જિંગ અને સોટેકનો સમાવેશ છે. સોટેક ફાર્માસ્યુટિકલ્સ રૂ. ડ૨૯.૯૨ કરોડના ભરણાં સાથે બુધવારે મૂડીબજારમાં આવી આવી રહી છે અને ભરણું ત્રીજી એપ્રિલે બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦૫-૧૧૧ નક્કી થઇ છે. લઘુત્તમ લોટ ૧,૨૦૦ શેરનો છે. ઈસ્યુ પછી પ્રમોટરોનું હોલ્ડિંગ ૭૨.૮૫ ટકા રહેશે. લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ અને રજિસ્ટ્રાર કેફિન ટેક્નોલોજીસ છે. એનએસઇ એસએમઇ પ્લેટપોર્મ પર લિસ્ટિંગ થશે.
કંપની લોન લાયસન્સ અથવા કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ આધારે વિવિધ માર્કેટર્સ માટે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ઉત્પાદનના વ્યવસાયમાં છે. કંપની ઉક્ત ધોરણે ૧૬૨ કોર્પોરેટ ક્લાયન્ટ્સ ધરાવે છે. તેમની ઉત્પાદન સુવિધા ૩૬૦ કરોડ ટેબ્લેટ પ્રતિ વર્ષ, ૩૨.૪૦ કરોડ કેપ્સ્યુલ પ્રતિ વર્ષ, ૨૧૬૦ કિલો લિટર સીરપ પ્રતિ વર્ષની ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં જ કંપનીએ અમેરિકાની બજારમાં પ્રવેશ કર્યો છે. કંપનીનું સોટેક હેલ્થકેરમાં ૭૧ ટકા અને સોટેક રિસર્ચમાં ૧૦૦ ટકા હોલ્ડિંગ છે. સોટેક હેલ્થકેર બીટા-લેક્ટમ દવાઓનું ઉત્પાદન કરે છે. સોટેક રિસર્ચ ફાર્મા મોલેક્યુલના સંશોધન અને વિકાસ કાર્યમાં વ્યસ્ત છે. દરમિયાન ચેન્નઇ ખાતે ભારતની જી-૨૦ની અધ્યક્ષતા અન્વયે જી૨૦ વર્કીંગ ગ્રુપની બીજી બેઠક યોજાઇ હતી, જેમાં નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્ર્વરન અને યુકે ટ્રેઝરીના ચીફ ઇકોનોમિક એડવાઇઝર સુશ્રી કલેર લોકમબારડેલીની સંયુક્ત અધ્યશ્રતા હેઠળ જી૨૦ દેશના ૮૦ ડેલિગેટ્સે હાજરી આપી હતી.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ગ્રાસીમના શેરોમાં સૌથી વધુ ૧.૮૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં રિલાયન્સ, સિપ્લા, ડિવિસ લેબ અને મારુતિનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ અદાણી પોર્ટ્સના શેરમાં ૧.૭૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એસબીઆઈ, પાવરગ્રિડ, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થાય છે.
આ સત્રમાં ફાર્મા, મેટલ, ટેકનો અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે પાવર, રિયલ્ટી, ટેલિકોમ, ઓઈલ-ગેસ અને ઓટો શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૭ ટકા અને ૧.૫૦ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
એકંદરે બેન્કિંગ કટોકટીની અસરો સંકેલી લેવા અમેરિકાએ ઝડપી કવાયત તો હાથ ધરી છે. જોકે, નિષ્ણાતો કહે છે કે કટોકટીનો હજુ સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. નિષ્ણાતો રોકાણકારોને હાલના તબક્કે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની સલાહ આપી રહ્યાં છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ટૂંકા ગાળામાં બજારમાં અસ્થિરતા ચાલુ રહેવાની ધારણા છે કારણ કે વૈશ્ર્વિક બેન્કિંગ સિસ્ટમ, ખાસ કરીને યુરોપમાં હજુ સુધી કટોકટીમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી નથી.