(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે એશિયા અને યુરોપની ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ ખાસ કરીને મેટલ, એનર્જી અને રિઅલ્ટી ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૯૮.૧૮ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૧૩૧.૮૫ પૉઈન્ટના ઘટાડા સાથે ૧૭,૦૦૦ની સપાટીની અંદર સરકી ગયો હતો. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૨૦ પૈસાનું ધોવાણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૯૯૫.૦૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવતાં શૅર આંક વધુ દબાણ હેઠળ આવ્યા હતા.
આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૭,૯૨૫.૨૮ના બંધ સામે નરમાઈના ટોને ૫૭,૮૯૦.૬૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૭,૪૨૨.૯૮ અને ઉપરમાં ૫૮,૦૬૬.૪૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૬૯ ટકા અથવા તો ૩૯૮.૧૮ પૉઈન્ટ ઘટીને ૫૭,૫૨૭.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે આજે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૧૭,૦૭૬.૯૦ના બંધ સામે ૧૭,૦૭૬.૨૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૬,૯૧૭.૩૫થી ૧૭,૧૦૯.૪૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૭૭ ટકા અથવા તો ૧૩૧.૮૫ પૉઈન્ટ ઘટીને ૧૬,૯૪૫.૦૫ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે વૈશ્ર્વિક સકારાત્મક અહેવાલોની ગેરહાજરી વચ્ચે કામકાજો પાંખાં રહેતા ખાસ કરીને ઈન્ડેક્સ હેવીવેઈટ શૅરોમાં વેચવાલીના દબાણે નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ મુખ્યત્વે મેટલ, રિઅલ્ટી અને એનર્જી ક્ષેત્રના શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં નિફ્ટીએ ૧૭,૦૦૦ની સપાટી ગુમાવી હોવાનું રેલિગેર બ્રોકિંગનાં ટૅક્નિકલ રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ અજીત મિશ્રાએ જણાવ્યું હતું.
વધુમાં આજે સરકારે લોકસભામાં ઑપ્શન અને ફ્યુચર્સનાં વેચાણ એસટીટીમાં વધારા અંગેના સુધારા સાથે ફાઈનાન્સ બિલ, ૨૦૨૩ પસાર કર્યું હોવાથી પણ બજાર દબાણ હેઠળ રહી હતી. જોકે, એસટીટીમાં વધારાની સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે. આ ઉપરાંત સુધારામાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ માટેના ઈન્ડેક્સેશનના લાભ દૂર કરવાના પ્રસ્તાવનો પણ સમાવેશ થતો હતો. જોકે, આગામી સપ્તાહે ફ્યુચર અને ઓપ્શનનું આ મહિનાનું વલણ પૂરું થઈ રહ્યું છે અને એફઆઈઆઈનાં વેચાણના મોટા ઓળિયા ઊભા હોવાથી આગામી સપ્તાહે પણ બજારમાં ભારે ચંચળતા જોવા મળે તેવી શક્યતા મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૪ શૅરના ભાવ ઘટીને અને પાંચ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા, જ્યારે એક માત્ર વિપ્રોના શૅરના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતુ. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં બજાજ ફિનસર્વમાં ૩.૮૧ ટકાનો, બજાજ ફાઈનાન્સમાં ૩.૧૯ ટકાનો, ટાટા સ્ટીલમાં ૨.૫૮ ટકાનો, રિલાયન્સમાં ૧.૯૬ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૯૫ ટકાનો અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૩૮ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય જે પાંચ શૅરના ભાવ વધી આવ્યા હતા. તેમાં કોટક મહિન્દ્રા બૅન્કમાં ૦.૭૪ ટકાનો, ઈન્ફોસિસમાં ૦.૪૩ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૧૮ ટકાનો, ટૅક મહિન્દ્રામાં ૦.૧૬ ટકાનો અને એશિયન પેઈન્ટ્સમાં ૦.૦૫ ટકાનો સુધારો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૩૭ ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૨૫ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યા હતા, જેમાં મુખ્ય ઘટનાર ઈન્ડેક્સમાં બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં ૨.૨૮ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૨.૨૩ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો અને એનર્જી ઈન્ડેક્સમાં ૧.૫૧ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન ગઈકાલે અમેરિકી બજારમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં આજે એશિયામાં સિઉલ, જાપાન, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર નરમાઈના ટોને બંધ રહી હતી. તેમ જ મધ્યસત્ર દરમિયાન યુરોપનાં બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૨૦ પૈસા ઘટીને ૮૨.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૭૩ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૭૪.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.