(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: ગુરુવારના સત્રની સારી શરૂઆત બાદ મોટેભાગે સતત આગેકૂચ નોંધાવનાર સેન્સેક્સ અને નિફ્ટીમાં સત્રના અંતિમ તબક્કામાં એકાએક ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો.

તેજીના ટોન સાથે એકધારી આગેકૂચમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૭ ટકા જેવો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્રણ વાગે શરૂ થયેલી વેચવાલીમાં સંપૂર્ણ સુધારો ગુમાવીને સેન્સેક્સ ૦.૧ ટકા અને નિફ્ટી ૦.૦૫ ટકા નીચી સપાટીએ ગબડ્યા હતા.

એક તબક્કે સેન્સેક્સ ૫૯,૪૮૪.૩૫ પોઇન્ટ સુધી અને નિફ્ટી ૧૭,૭૨૬.૫૦ની ઊંચી સપાટી સુધી પહોંચ્યો હતો. જે સત્રને અંતે અનુક્રમે ૫૮,૭૭૪.૭૨ પોઇન્ટની અને ૧૭,૫૨૨.૪૫ પોઇન્ટની નીચી સપાટીએ સ્થિર થયા છે.

બજારના નિષ્ણાતો અનુસાર અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા થનારી વ્યાજ વૃદ્ધિની જાહેરાતની આગોતરી અસર બજારમાં જોવા મળી હતી. આ ઉપરાંત માસિક એફએન્ડઓની એક્સપાઇરીને કારણે પણ અફડાતફડી વધું રહી છે.

Google search engine