(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયન બજારોના નરમાઈતરફી અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બજાર સત્ર દરમિયાન ૩૪૪ પૉઈન્ટની બેતરફી વધઘટે અથડાઈ ગયું હતું અને તેમાં પણ મુખ્યત્વે ઈન્ડેક્સ હેવીવેઈટ ગણાતા આઈસીઆઈસીઆઈ બૅન્ક, આઈટીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શૅરોમાં વેચવાલીનું દબાણ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૭૦.૮૯ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૨૦.૫૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૬૧,૭૯૫.૦૪ના બંધ સામે સાધારણ નરમાઈના ટોને ૬૧,૭૬૫.૮૬ના મથાળે ખૂલ્યા બાદ એક તબક્કે વધીને બાવન સપ્તાહની ઊંચી ૬૧,૭૯૫.૦૪ની સપાટીએ પહોંચ્યા બાદ નીચામાં ૬૧,૫૭૨ સુધી ઘટીને અંતે આગલા બંધથી ૧૭૦.૮૯ પૉઈન્ટ અથવા તો ૦.૨૮ ટકાના ઘટાડા સાથે ૬૧,૬૨૪.૧૫ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૮,૩૪૯.૭૦ના બંધ સામે સુધારાના ટોને ૧૮,૩૭૬.૪૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૮,૩૧૧.૪૦ અને ઉપરમાં ૧૮,૩૯૯.૪૫ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૨૦.૫૫ પૉઈન્ટ અથવા ૦.૧૧ ટકા ઘટીને ૧૮,૩૨૯.૧૫ની સપાટીએ રહ્યો હતો.
ગઈકાલે (રવિવારે) ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ તેની આગામી બેઠકમાં ભવિષ્યમાં વ્યાજદરમાં ધીમો વધારો કરવાની શક્યતા અંગે કદાચ વિચારણા કરે, પરંતુ ફુગાવા ડામવાની લડતમાં વધુ નમતું જોખે તેવી શક્યતા નથી. આમ વૉલરના નિવેદન સાથે આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો અને વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પડે તેવી શક્યતા પાતળી થતાં એશિયન ઈક્વિટી માર્કેટ દબાણ હેઠળ આવ્યા હતા.
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સત્રના આરંભે સુધારો જોવા મળ્યા બાદ તેજી થાક ખાઈ રહી હોય તેમ બજાર સાંકડી વધઘટે અથડાતી રહી હોવાનું રેલિગેર બ્રોકિંગના રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ અજિત મિશ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે ગત ઑક્ટોબર મહિનાનો જથ્થાબંધ ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો ઘટીને ૧૯ મહિનાની નીચી ૮.૩૯ ટકાની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ, વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ અને ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૯૫૮.૨૩ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશને કારણે શૅર આંકમાં મોટો ઘટાડો અટક્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૬ શૅરના ભાવ વધીને અને ૧૪ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય ઘટનાર શૅરોમાં ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝમાં ૩.૯૪ ટકાનો, આઈટીસીમાં ૨.૫૭ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૮૩ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૧.૪૨ ટકાનો, નેસ્લેમાં ૧.૩૩ ટકાનો અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૩૨ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં કોટક મહિન્દ્રા બૅન્કમાં ૧.૨૭ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૧૪ ટકાનો, ટાટા સ્ટીલમાં ૧.૦૭ ટકાનો, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૦૫ ટકાનો, ઈન્ફોસિસમાં ૦.૮૯ ટકાનો અને એચસીએલ ટેક્નોલોજીસમાં ૦.૭૬ ટકાનો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં ખાસ કરીને બીએસઈ ખાતેના બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમક ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, એફએમસી ઈન્ડેક્સમાં ૧.૨૯ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૭૨ ટકાનો અને પાવર ઈન્ડેક્સમાં ૦.૬૯ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મેટલ ઈન્ડેક્સમાં ૧.૪૮ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૦૫ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૭૭ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૦.૫૬ ટકાનો, ટેક્નોલોજી ઈન્ડેક્સમાં ૦.૪૬ ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં ૦.૨૪ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે એશિયન બજારોમાં સિઉલ, ટોકિયો અને શાંઘાઈની બજાર નરમાઈના ટોને અને હૉંગકૉંગની બજાર સુધારાના ટોને બંધ રહી હતી. તેમ જ આજે યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન સુધારો જોવા મળ્યો હતો.