(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશ છતાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થયેલી મિનિટ્સમાં ફુગાવો હજુ લક્ષ્યાંકિત સપાટીએ આવ્યો ન હોવાથી વ્યાજદરમાં વધારો અટકાવવા અંગે અત્યારથી નિર્દેશ આપવો વહેલાસરનું ગણાશે, એવું જણાવવામાં આવ્યું હોવાથી તેમ જ ચીન ખાતે કોવિડ-૧૯થી અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થવાથી આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં પીછેહઠ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૨૪૧.૦૨ પૉઈન્ટના ઘટાડા સાથે ૬૧,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૭૧.૭૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો.
એકંદરે આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા વધતા ફુગાવાને નાથવા માટે વ્યાજદર વધારાનો આક્રમક અભિગમ જાળવી રાખે તેવો અણસાર આપતાં ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં ચીન, જાપાન, કોરિયા અને બ્રાઝિલમાં કોવિડ-૧૯ના કેસની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતા ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સાવચેતીનો અભિગમ અપનાવવાનો નિર્ણય લેવામાં આવતાં ગબડતી બજારને ઢાળ મળ્યો હોવાનું એક ફંડ મેનેજરે જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૧,૦૬૭.૨૪ના બંધ સામે સુધારાના ટોને ૬૧,૨૫૭.૧૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૦,૬૩૭.૨૪ અને ઉપરમાં ૬૧,૪૬૪.૩૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૩૯ ટકા અથવા તો ૨૪૧.૦૨ પૉઈન્ટ ઘટીને ૬૦,૮૨૬.૨૨ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૧૯૯.૧૦ના બંધ સામે ૧૮,૨૮૮.૮૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૮,૦૬૮.૬૦થી ૧૮,૩૧૮.૭૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૭૧.૭૫ પૉઈન્ટ અથવા તો ૦.૩૯ ટકા ઘટીને ૧૮,૧૩૭.૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી માત્ર છ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા અને ૨૪ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તેમ જ નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી માત્ર નવ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા અને શેષ ૪૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના જે છ શૅરના ભાવમાં સુધારો જોવા મળ્યો છે તેમાં અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૮૪ ટકા, ઈન્ફોસિસમાં ૦.૭૫ ટકા, એશિયન પેઈન્ટ્સમાં ૦.૬૫ ટકા, કોટક મહિન્દ્રા બૅન્કમાં ૦.૫૨ ટકા, સન ફાર્મામાં ૦.૫૨ ટકા અને ભારતી એરટેલમાં ૦.૩૯ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે તેની સામે ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૬૧ ટકાનો ઘટાડો મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે બજાજ ફિનસર્વમાં ૨.૫૫ ટકાનો, ટાટા મોટર્સમાં ૨.૧૨ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૮૧ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૭૦ ટકાનો અને ટાટા સ્ટીલમાં ૧.૬૫ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર એક જ ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં આવેલા ૦.૦૭ ટકાના સુધારાને બાદ કરતાં તમામ ઈન્ડાઈસીસમાં ૦.૧૧થી ૩.૦૫ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં બીએસઈ બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસમાં ૨.૪૦ ટકાનો, બીએસઈ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૧.૭૮ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૬૦ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૧.૫૭ ટકાનો અને ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેના સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૧.૮૩ ટકા અને ૦.૭૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
દરમિયાન આજે એશિયન ઈક્વિટી માર્કેટમાં સિઉલ, ટોકિયો અને હૉંગકૉંગની બજાર સુધારાના ટોને બંધ રહી હતી, જ્યારે શાંઘાઈની બજાર ઘટાડા સાથે બંધ રહી હતી. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન યુરોપની બજારોમાં પણ સુધારો દર્શાવાઈ રહ્યો હતો.
વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૯૯ ટકા વધીને બેરલદીઠ ૮૩.૦૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ૮૨.૭૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૧૧૯.૧૧ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ હતા. ઉ