(વાણિજ્ય પ્રતિનિધિત તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારમાંથી સકારાત્મક સંકેત વચ્ચે સ્થાનિક સ્તરે મેટલ, બેન્ક અને ફાઇનાન્શિયલ શેરોમાં લેવાલીનો જોરદાર ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી અફડાતફડીમાંથી બહાર આવીને સતત બીજા દિવસે પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં સફળ્ રહ્યાં હતાં. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની મજબૂતી અને ક્રૂડ ઓઇલના ભાવના ઘટાડાને કારણે પણ બજારના માનસમાં સુધારો થયો હતો. રિયલ્ટી, મેટલ, બેન્ક, આઈટી, ટેકનો અને પાવર શેરોમાં ભારે લેવાલીને પગલે શુક્રવારે ભારતીય શેરબજાર સતત બીજા સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૩૫૫ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭૧૦૦ની ઉપર બંધ રહ્યો હતો. એચસીએલ ટેકનોના શેર ૩.૫૮ ટકા વધ્યા હતા જ્યારે આઈશર મોટર્સના શેરમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૮,૧૭૮.૯૪ અને નીચામાં ૫૭,૫૦૩.૯૦ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૫૫.૦૬ પોઈન્ટ્સ અથવા ૦.૬૨ ટકા વધીને ૫૭,૯૮૯.૯૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૧૪૫.૮૦ અને નીચામાં ૧૬,૯૫૮.૧૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૧૪.૪૫ પોઈન્ટ્સ અથવા ૦.૬૭ ટકાના સુધારા સાથે ૧૭૧૦૦.૦૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકા અને યૂરોપમા બેન્ક સંકટની ભારત પર ખાસ અસર નહીં થાય તેવા આશાવાદ સાથે શેરબજારમાં સવારથી જ ભારે લેવાલી જોવા મળી હતી.બીજી તરફ અમેરિકાની ચોથી બેન્ક ફર્સ્ટ રિપબ્લિક બેન્કને અમેરિકાની ૩૦ બેન્કનું કોન્સોશિયમ ફંડિંગ પૂરૂ પાડશે એવા અહેવાલોથી સેન્ટિમેન્ટ બદલાયું હતું અને અમેરિકાના શેરબજારના ઉછાળા સાથે વૈશ્ર્વિક બજારને ટેકો મળ્યો હતો. આ સત્રમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ફાર્મા, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૨-૩.૦૭ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૧.૪૧ ટકા વધીને ૩૯,૬૮૪.૨૫ પોઇન્ટના સ્તર પર બંધ થયા છે.
ચાલુ ટ્રેડિંગ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં આજે રિયલ્ટી, મેટલ, આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ અને પાવર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે ઓટો, એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૨૯ ટકા અને ૦.૬૯ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સમાં સૌથી વધુ એચસીએલ ટેકનોના શેરોમાં સૌથી વધુ ૩.૫૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અલ્ટ્રાકેમ્કો, નેસ્લે ઈન્ડિયા, કોટક બેન્ક, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, એચડીએફસી બેન્ક, ભારતી એરટેલ, ઈન્ફોસિસ અને એસબીઆઈનો સમાવેશ થાય છે.
સેન્સેક્સના શેરોમાં એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૧.૭૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મારુતિ, પાવરગ્રીડ, આઈટીસી, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ અને ટીસીએસનો સમાવેશ થાય છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનની સોમવારની બોર્ડ મીટીંગમાં ખાનગી પ્લેસમેન્ટના આધારે રૂ. ૫૭,૦૦૦ કરોડના એનસીડીની વિચારણા કરવામાં આવશે. ટીસીએસના સીઈઓ રાજેશ ગોપીનાથને રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. બોર્ડે કે. ક્રિતિવાસનને ૧૬ માર્ચ ૨૦૨૩થી પ્રભાવી સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતની જી-૨૦ની અધ્યક્ષતા હેઠળ સિક્કિમની રાજધીની ગેંગટોકમાં બી-૨૦ મીટીંગ શરૂ થઇ છે, જેમાં વિદેશી ડેલિગેટ્સને સિક્કિમની ઓર્ગેનિક ખેતીની જાણકારી આપવામાં આવી હતી.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ એચસીએલ ટેકનોના શેરમાં ૩.૬૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં હિન્દાલ્કો, અલ્ટ્રાકેમ્કો, યૂપીએલ અને જેએસડૂલ્યૂ સ્ટીલનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ આઈશર મોટર્સના શેરમાં ૧.૮૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, મારુતિ, આઈટીસી અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે.