(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકન બૅંકના ધબડકા પાછળ સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ ૧,૪૦૦ પોઈન્ટ નીચે પટકાયો હતો અને અંતે ૮૯૭ પોઇન્ટના ઘટાડા સાથે ૫૮,૨૩૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. શેરબજાર અદાણી કટોકટીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે યુએસમાં સિલિકોન વેલી બેન્કના ધબડકાને કારણે બીજો આંચકો મળ્યો છે. સેન્સેક્સ સત્ર દરમિયાન ૫૯,૫૧૦.૯૨ પોઇન્ટની ઊંચી સપાટી સામે ૧૪૧૬ પોઇન્ટના કડાકા સાથે સત્ર દરમિયાન ૫૮૦૯૪.૫૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો.
સેન્સેક્સ ઉપરમાં ૫૯,૫૧૦.૯૨ અને નીચામાં ૫૮,૦૯૪.૫૫ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૮૯૭.૨૮ પોઈન્ટ્સ અથવા ૧.૫૨ ટકા ઘટીને ૫૮,૨૩૭.૮૫ પોઈન્ટ્સની અને નિફ્ટી ઉપરમાં ૧૭,૫૨૯.૯૦ અને નીચામાં ૧૭,૧૧૩.૪૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૨૫૮.૬૦ પોઈન્ટ્સ અથવા ૧.૪૯ ટકાના ઘટાડા સાથે ૧૭૧૫૪.૩૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. યુએસ રેગ્યુલેટર્સે એક્શનમાં ઝંપલાવ્યું હોવા છતાં, એસવીબી અને સિગ્નેચર બેન્કની નિષ્ફળતાએ વૈશ્ર્વિક ઇક્વિટી બજારના સેન્ટિમેન્ટને બગાડ્યું હતું. સ્થાનિક બજારમાં પાછલા ત્રણ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ લગભગ ૨,૦૦૦ પોઈન્ટ તૂટી ગયો છે અને સેશનમાં રોકાણકારોએ રૂ. ૬.૬ લાખ કરોડથી ગુમાવ્યાં છે. અનેક નિષ્ણાતોએ એવી આગાહી કરી હતી કે ભારતીય બજાર પર અસર ઓછી થશે અને કડક નિયમનકારી માળખામાં ભારતીય બેન્કો સુસ્થિત છે, આમ છતાં બેંક શેરોમાં સૌથી વધુ અસર થઈ હતી.
યુએસ રેગ્યુલેટર્સે એક્શનમાં ઝંપલાવ્યું હોવા છતાં, એસવીબી અને સિગ્નેચર બેન્કની નિષ્ફળતાએ બજારના સેન્ટિમેન્ટને બગાડ્યું હતું. બજારના સાધનોએ જણાવ્યું હતું. કે, વિશ્ર્વના કોઈપણ જાણીતા ખૂણામાં સકારાત્મક અથવા નકારાત્મક નાણાકીય ઘટનાની સાર્વત્રિક અસર થાય છે.
હવે ‘ડીકપલ્ડ’ જેવું કંઈ નથી, અને ભારત પણ તેમાં અપવાદ નથી. કોઈપણ મોટી ઘટનાની ચેપી અસર આપણા બજારોમાં પણ જોવા મળશે. સેન્સેક્સમાં એક માત્ર ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૦.૭૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, બાકીના તમામ શેર રેડ ઝોનમા બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં સૌથી વધુ ૭.૩૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એસબીઆઈ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, ઈન્ફોસિસ, રિલાયન્સ અને એચસીએલ ટેકનોનો સમાવેશ હતો. નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ટેક મહિન્દ્રાના શેરમાં ૬.૮૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં અપોલો હોસ્પિટલ, બ્રિટાનિયા અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. બીજી તરફ સૌથી વધુ ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં ૭.૩૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એસબીઆઈ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અદાણી પોર્ટ્સનો સમાવેશ હતો.
એક્સચેન્જની રેગ્યુલેટરી૫ ફાઇલિંગ અનુસાર કોર્પોરેટ હલચલમાં અદાણી જૂથની કંપનીઓમાં એલઆઇસીનું ડેટ એક્સપોઝર પાંચમી માર્ચે સહેજ ઘટીને રૂ. ૬૧૮૩ કરોડ થયું હતું, જે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ રૂ. ૬૩૪૭ કરોડના સ્તરે હતું. ફોકસ લાઇટિંગ અને ફિક્સ્ચર્સને સુરત કેસલ ખાતે થ્રીડી મેપિંગ લાઇટ અને સાઉન્ડ શો ડિઝાઇન અને ઇન્સ્ટોલ કરવા માટે રૂ. ૧૩.૫૦ કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટમાં અત્યાધુનિક થ્રીડી મેપિંગ આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શોની ડિઝાઇન, સપ્લાય, ઇરેકટીંગ, ટેસ્ટિંગ અને કમિશનિંગનો સમાવેશ થાય છે, જેને પૂર્ણ થતાં ત્રણ મહિનાનો સમય લાગશે. મહિન્દ્ર એન્ડ મહિન્દ્રએ એક્સચેન્જને રેગ્યુલેટરને જાણ કરી છે કે તેણે મહિન્દ્રા સીઆઇઇ ઓટોમોટીવમાંથી છ ટકા જેટલો હિસ્સો વેચી દીધો છે. આ સોદો શેરબજારમાં શેરદીઠ રૂ. ૩૫૭.૩૯ની ગ્રોસ પ્રાઇસને આધારે પાર પાડવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી જૂથની કંપનીઓ સામેના આરોપોની તપાસ શરૂ કરી છે.
આ સત્રમાં બેન્ક, ફાઈનાન્શિયલ, ઓટો, ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ, આઈટી, ટેકનો, એફએમસીજી, રિયલ્ટી, ટેલીકોમ અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલીથી શેરબજારમાં તોતિંગ ગાબડું પડ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૮૨ ટકા અને ૨.૦૮ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
અમેરિકામાં સિલિકોન વેલી બેન્ક બાદ સિગ્નેચર બેન્કે પણ દેવાળું ફૂંકતા તેનો રેલો ભારતીય બેન્કો સુધી પહોંચવાની ભીતિએ સ્થાનિક શેરબજારમાં પણ પીએસયૂ સહિતના બેન્ક શેરોમાં ધૂમ વેચવાલી શરૂ થઈ હતી અને આમ સતત ત્રીજા સેશનમાં ભારતીય બજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. ૨૦૦૮ બાદના અમેરિકાના આ સૌથી મોટા બેન્કિંગ સંકટની અસર વિશ્ર્વભરમાં થવાના ભણકારા વચ્ચેે સેન્ટિમેન્ટ ખરડાઇ ગયું હતું.
હાલમાં અમેરિકી બેન્ક સંકટની અસર ભારતીય બેન્કો પર નહીં પડે તેવી એક્સપર્ટ્સ ધરપત આપી રહ્યા છે પણ અદાણી અને હિંડનબર્ગ વિવાદની અસરમાંથી બહાર આવવા મથી રહેલા રોકાણકારોના વિશ્ર્વાસ પર ફરી આ ઘટનાની નેગેટિવ અસર રહી હતી. ટેક્નિકલ નિષ્ણાતે પાછલા શુક્રવારે જ જણાવ્યું હતું કે, નિફ્ટીએ બેરીશ કેન્ડલ બનાવ્યો છે. આ ડેલી ચાર્ટ પર હેમર પેટર્ન ફોર્મેશન જેવું દેખાઈ છે. ડાઉનટ્રેન્ડમાં હેમર ફોર્મેશન સામાન્ય રીતે બુલિશ રિવર્સલના સંકેત આપે છે. હવે પછી બેન્ચમાર્કને ૧૬૯૫૦ કે ૧૬૭૫૦ના સ્તરે સપોર્ટ મળી શકે છે. એ જ રીતે, જો બેન્ક નિફ્ટી ૩૯,૭૫૦ પોઇન્ટ સુધી નીચે પટકાઇ શકે છે.