મુંબઈ: આગામી પહેલી ફેબ્રુઆરીએ અંદાજપત્રની જાહેરાત અને પહેલી ફેબ્રુઆરીએ સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે સ્થાનિક ઈક્વિટી માર્કેટ આજે બેતરફી વધઘટે અથડાઈ ગઈ હતી. જોકે, આજે મુખ્યત્વે આઈટી, ફાઈનાન્સ અને તેલ કંપનીઓના શૅરના ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૧૬૯.૫૧ પૉઈન્ટના અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ૪૪.૬૦ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ સામે કરેલા ગેરરીતિના આક્ષેપો સામે અદાણી જૂથે ૪૧૩ પાનાંનો પ્રતિસાદ આપ્યાના નિર્દેશો સાથે અદાણી જૂથનાં શૅરોના ભાવ પણ મિશ્ર વલણ સાથે બંધ રહ્યા હતા, જેમાં અદાણી એન્ટરપ્રાઈઝના શૅરના ભાવ ૪.૨૧ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. આ સિવાય અદાણી ટ્રાન્સમિશનમાં ૧૪.૯૧ ટકાનો, અદાણી ગ્રીનમાં ૨૦ ટકાનો, અદાણી ટોટલ ગૅસમાં ૨૦ ટકાનો, અદાણી પાવરમાં પાંચ ટકાનો અને અદાણી વિલ્મરમાં પાંચ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૫૯,૩૩૦.૯૦ના બંધ સામે નરમાઈના ટોને ૫૯,૧૦૧.૬૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૮,૬૯૯.૨૦ અને ઉપરમાં ૫૯,૬૪૪.૨૪ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૨૯ ટકા અથવા તો ૧૬૯.૫૧ પૉઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૭,૬૦૪.૩૫ના બંધ સામે નરમાઈના ટોને ૧૭,૫૪૧.૯૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૭,૪૦૫.૫૫ અને ઉપરમાં ૧૭,૭૦૯.૧૫ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૨૫ ટકા અથવા તો ૪૪.૬૦ પૉઈન્ટ ઘટીને ૧૭,૬૪૮.૯૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
અદાણી જૂથે આપેલા આક્ષેપોના પ્રતિસાદની બજાર પર મિશ્ર અસર જોવા મળી હતી. રોકાણકારોમાં હજુ મધ્યમગાળાના જોખમની ભીતિ સેવાઈ રહી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં રોકાણકારોની નજર અંદાજપત્ર અને ફેડરલની બેઠક પર સ્થિર થઈ છે. વધુમાં કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ વિભાગના હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે સેન્સેક્સમાં ૧૦૦૦ પૉઈન્ટના ધોવાણ બાદ આજે પાછોતરા સત્રમાં વૅલ્યુ બાઈંગ નીકળતાં સુધારો આવ્યો હતો. તેમ છતાં આગામી ફેડરલની બેઠક અને અંદાજપત્રને કારણે સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૭ શૅરના ભાવ વધીને અને ૧૩ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૪.૬૧ ટકાનો સુધારો બજાજ ફાઈનાન્સમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૨.૫૧ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૨.૨૨ ટકાનો, એચસીએલ ટેક્નોલોજીસમાં ૧.૭૩ ટકાનો, એનટીપીસીમાં ૧.૫૩ ટકાનો અને એશિયન પેઈન્ટ્સમાં ૧.૪૫ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૩.૩૮ ટકાનો ઘટાડો પાવરગ્રીડ કોર્પોરેશનમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૨.૫૬ ટકાનો, લાર્સન ટૂબ્રોમાં ૨.૧૧ ટકાનો, ટાટા સ્ટીલમાં ૧.૬૨ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૫૫ ટકાનો અને ભારતી એરટેલમાં ૦.૫૩ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા અને એચડીએફસીમાં પણ ઘટાડાતરફી વલણ રહ્યું હતું. વધુમાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર પાંચ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા હતા, જેમાં આઈટી ઈન્ડેક્સમાં એક ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૯૧ ટકાનો, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૬૯ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૦.૫૦ ટકાનો અને બૅન્કેક્સમાં ૦.૦૯ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાયના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા, જેમાં યુટીલિટી ઈન્ડેક્સમાં ૫.૭૪ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૫.૩૦ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૪.૦૬ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૩.૧૨ ટકાનો, બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો અને ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. દરમિયાન આજે એશિયામાં ખાસ કરીને સિઉલ અને હૉંગકૉંગની બજાર ઘટાડા સાથે અને ટોકિયો તથા શાંઘાઈની બજાર સુધારાના ટોને બંધ રહી હતી. તેમ જ મધ્યસત્ર દરમિયાન યુરોપની બજારમાં પણ નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.
બેતરફી વધઘટમાં આઈટી ફાઈનાન્સ અને તેલ કંપનીના શૅરોમાં લેવાલીએ સેન્સેક્સમાં ૧૬૯ પૉઈન્ટનો સુધારો
RELATED ARTICLES