(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સેન્ટા રેલીનો ઇતિહાસ સાચો પડી રહ્યો હોય એમ પાછલા સત્રના કારમા કડાકા બાદ સપ્તાહના પહેલા દિવસે શેહરબજારમાં તેજીનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીએ ૨૦૭ પોઇન્ટના ઉછાળા સાથે ૧૮,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી લીધી છે, જ્યારે સેન્સેક્સે ૯૮૮ પોઇન્ટના જોરદાર ઉછાળા સાથે ૬૦,૮૦૦ની સપાટી વટાવી અંતે ૬૦,૫૫૦ની ઉપર બંધ આપ્યો છે. આ સત્રમાં માર્કેટ કેપમાં રૂ.૫.૭૩ લાખ કરોડનો વધારો નોંધાયો છે.
આપણે મુંબઇ સામાચારના સોમવારના લેખમાં વાંચ્યું જ છે કે, પાછલા બે દાયકામાં ક્રિસમસ બાદના સપ્તાહમાં નિફ્ટીમાં તેજી આવવાના ચાન્સ ૮૦ ટકા હોય છે. સપ્તાહના પહેલા સત્ર માટે તો આ વાત સાચી પડી છે. હવે આ સેન્ટારેલી આગળ વધે છે કે નહીં અને આ સપ્તાહ કેવું રહે છે તે શુક્રવારે જ ખબર પડશે. બજારના સાધનો બોટમ ફિશિંગને પણ આ સત્રની તેજીનું મહત્ત્વનું કારણ માની રહ્યાં છે. આ સત્રમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ઇન્ડેક્સના શેરો કરતા વધુ ઉછાળા જોવા મળ્યા હતા.
સ્ટેટ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, આઇટીસી, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી અને ટાટા મોટર્સના શેર ટોપ ગેઇનર્સ બન્યાં હતાં. જ્યારે નેસ્લે, કોટક મહિન્દ્રા બેન્ક, ભારતી એરટેલ, એચસીએલ ટેકનોલોજી અને હિંદુસ્તાન યુનિલીવરના શેરનો ટોપ લૂઝર્સની યાદીમાં સમાવેશ હતો. મૂડીબજારમાં આઇપીઓ આવી રહ્યાં છે. સાહ પોલિમર્સ લિમિટેડ મૂડીબજારમાં ૩૦મી ડિસેમ્બરે પ્રવેશ કરશે. ઇક્વિટી શેર દીઠ રૂ. ૬૧થી રૂ. ૬૫ની પ્રાઇસ બેોન્ડ નક્કી થઇ છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ ૨૯, ડિસેમ્બરે ખૂલશે. બિડ અને ઓફરની અંતિમ તારીખ ચોથી જાન્યુઆરી, ૨૦૨૩ છે. લઘુત્તમ બિડ લોટ ૨૩૦ ઇક્વિટી શેરનો છે. કંપની યુએસએ અને યુકે સહિત ૧૪ દેશમાં નિકાસ કરે છે. ફ્લોર પ્રાઈસ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં ૬.૧ ગણી અને કેપ પ્રાઈસ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં ૬.૫ ગણી છે.
પાછલા શુક્રવારે અમેરિકના બજારો પોઝિટીવ ઝેનમાં બંધ રહ્યાં બાદ એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો અને શાંધાઇ પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યાં હતા. બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૩.૬૩ ટકાના વધારા સાથે બેરલદીઠ ૮૩.૯૨ ડોલર બોલાયો હતો. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ પાછલા સત્રમાં રૂ. ૭૦૬.૮૪ કરોડની વેચવાલી નોંધાવી હતી. સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૯૯ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૩.૯૭ ટકા, ટાટા સ્ટીલ ૨.૭૪ ટકા, બજાજ ફિનસર્વ ૨.૫૩ ટકા અને આઈટીસી ૨.૫૧ ટકા ઘટ્યા હતા, જ્યારે નેસ્ટલે ઈન્ડિયા ૧.૨૪ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૦.૪૫ ટકા, સન ફાર્મા ૦.૩૮ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૧૩ ટકા અને ટાઈટન ૦.૦૫ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૭ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓને ઉપલી સર્કીટ અને ૨ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. નિફ્ટીએ ત્રણ દિવસની પીછેહઠને બ્રેક મારીને પોઝિટીવ ઝોનમાં છલાંગ લગાવી હતી. એચડીએફસી સિક્યુરિટીઝના દીપક જસાણીએ કહ્યું હતું કે મોટા ભાગના વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં રજાને કારણે ટ્રેડર્સને નીચા વોલ્યુમ વચ્ચે ભારતમાં સ્ટોકના મૂલ્યમાં વધારો કરવાની તક મળી હતી. બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ નિફ્ટી કરતાં વધુ સુધારો જોવા મળ્યોે હતો, જ્યારે એડવાન્સ-ડિક્લાઈન રેશિયો ૫.૪૩:૧ નોંધાયો હતો. ડિફેન્સિવ શેરોએ ઓછું પ્રદર્શન કર્યું હતું જ્યારે સાયકલિકલ્સ સ્માર્ટ રીતે ઉછળ્યા હતા.
બેંક ઓફ જાપાનના ગવર્નર હારૂહિકો કુરોડાએ સોમવારના ભાષણમાં સંકેત આપ્યો હતો કે જાપાનની સેન્ટ્રલ બેન્ક વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પર ફુગાવાના દબાણનો સામનો કરવા માટે નાણાકીય સરળતાની તેની લાંબા સમયથી ચાલતી નીતિમાં ફેરફાર કરવાનો ઇરાદો ધરાવતી નથી. આનાથી બજારના સેન્ટિમેન્ટ્સને ટેકો મળ્યો હતો. નિફ્ટી હવે ૧૮૧૨૭ પર પ્રતિકારનો સામનો કરી શકે છે અને નજીકના ગાળામાં ૧૭૮૯૯ પર સપોર્ટ લઈ શકે છે. ઘણા સહભાગીઓ વર્ષના અંતની રજા પર હોવાથી વોલ્યુમ્સ નીચલી બાજુએ ચાલુ રહી શકે છે.