બે દિવસની પછડાટ પછી સેન્સેક્સે નોંધાવ્યો ૨૫૭ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી ફરી ૧૭,૫૫૦ની ઉપર પહોંચ્યો

શેરબજાર

મુંબઇ: યુરોપની ચિંતા વચ્ચે ગબડેલા એશિયાઇ બજારોની પાછળ નેગેટીવ ઝોનમાં અથડાઇને ભારતીય બેન્ચમાર્કો મંગળવારે પોઝિટીવ ઝોનમાં પાછાં ફર્યા હતા. નિફ્ટી ૧૭,૫૫૦ પોઇન્ટની ઊપર બંધ થયો છે જ્યારે સેન્સેક્સે ૫૯,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી છે. શેરબજારમાં મંગળવારે બાઉન્સ બેક સાથે પોઝિટીવ ઝોનમાં પાછા ફરીને રોકાણકારોને રાહત આપી હતી. સત્ર દરમિયાન અફડાતફડી અને એશિયાઇ બજારો પાછળ નેગેટીવ ટેરીટરીમાં વધુ સમય પસાર કર્યા બાદ બેન્ચમાર્ક અંતે બેન્ક, મેટલ અને ઓટો શેરની લેવાલીના બળે પોઝિટીવ ઝોનમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો.
બજારની ચાલને ટ્રેન્ડ રિવર્સલ ના ગણી શકાય: મંગળવારના સત્રમાં નિફ્ટીએ ૧૭,૬૨૫.૫૫ પોઇન્ટ અને સેન્સેક્સ ૫૯,૧૯૯.૧૧ની સપાટી બતાવી છે. નિફ્ટીએ સત્રને અંતે પણ ૧૭,૫૦૦ની જોખમી સપાટી ફરી હાંસલ કરી લીધી હોવાથી રોકાણકારોે રાહત અનુભવી છે, પરંતુ નિષ્ણાતો જણાવે છે કે આજની બજારની ચાલને ટ્રેન્ડ રિવર્સલ ના ગણી શકાય. સત્રને અંતે સેન્સેક્સ ૨૫૭.૪૩ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા વધીને ૫૯,૦૩૧.૩૦ પોઇન્ટની સપાટી પર સ્તિર થયો હતો અને નિફ્ટી ૮૬.૮૦ પોઈન્ટ અથવા ૦.૫૦ ટકા વધીને ૧૭,૫૭૭.૫૦ પર પહોંચ્યો હતો. બજારનો અંડરટોન મક્કમ હતો, કુલ ટ્રેડેડ શેરોમાંથી ૨૦૭૭ શેર વધ્યા હતા, ૧૨૩૫ શેર ઘટ્યા હતા અને ૧૪૬ શેરમૂળ સપાટીએ પાછાં ફર્યા હતા.
મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં સુધારો: નિફ્ટી ગેઇનર્સમાં મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર, આઇશર મોટર્સ, બજાજ ફિનસર્વ, ટાઇટન કંપની અને ટાટા સ્ટીલનો સમાવેશ હતો. ઇન્ફોસિસ, ટીસીએસ, ડિવિસ લેબ્સ, એચયુએલ અને એચસીએલ ટેક્નોલોજીસ ટોપ લૂઝર્સ રહ્યાં હતાં. નાના શેરોમાં પણ લેવાલી અને સુધારો રહ્યો હોવાથી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ એકાદ ટકા વધ્યા હતા. આ સત્રમાં નાના શેરોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હોવાથી મિડકેપ ઈન્ડેક્સ ૧.૦૩ ટકા વધીને ૨૪,૭૭૦.૪૮ના સ્તર જ્યારે, સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૮ ટકા વધારાની સાથે ૨૮,૦૬૨.૯૩ પર બંધ થયો હતો.
બ્લોક ડીલ પછી દેવયાની ઇન્ટરનેશનલમાં કડાકો:
દેવયાની ઈન્ટરનેશનલના શેરમાં બ્લોક સોદાના અહેવાલોને પગલે મંગળવારે પ્રારંભિક સત્ર દરમિયાન સાતેક ટકા જેટલો જોરદાર કડાકો નોંધાયો હતો. બીએસઇ પર રૂ. ૫૮૧.૧૧ કરોડના ૩.૧૭ કરોડ ઇક્વિટી શેરનું ટ્રેડિંગ થયું હતું. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર રૂ. ૨૦૨.૫૪ કરોડની કિંમતના ૧.૦૮ કરોડથી વધુ શેરમાં હાથબદલો થયો હતો. દેવયાની ઈન્ટરનેશનલનો શેર મંગળવારે ૭ ટકા તૂટીને એક તબક્કે રૂ. ૧૮૨.૫૦ બોલાયો હતો, જે સવારે ૯.૫૫ વાગ્યે થોડા સુધારા સાથે રૂ. ૧૮૭.૩૫ સુધી ઊંચે ગયો હતો. સત્રને અંતે આ સ્ટોક રૂ. ૧૮૬.૨૦ બોલાયો હતો, જે ૫.૦૨ ટકાનો કડાકો દર્શાવે છે.
ડ્રીમફોકસ સિર્વિસિસનો રૂ. ૫૬૨ કરોડનો આઇપીઓ: એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર પ્લેટફોર્મ ડ્રીમફોક્સ સર્વિસીસની રૂ. ૫૬૨ કરોડની પ્રારંભિક જાહેર ઓફર ૨૪ ઓગસ્ટે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ ઓફર માટે શેર દીઠ રૂ. ૩૦૮થી ૩૨૬ની પ્રાઇસ બેન્ડ નક્કી થઇ છે. મિનિમમ બિડ લોટ ૪૬ શેરનો છે અને ત્યારબાદ ૪૬ શેરના ગુણાંકમાં બિડ કરી શકાય છે. આઇપીઓ ૨૬ તારીખે બંધ થશે. અન્ય આર્થિક હલતલમાં રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ કહ્યું હતું કે સરકાર ચાર રોડ પ્રોજેક્ટ માટે નાણાં ભંડોળ એકત્ર કરવા આવતા મહિને કેપિટલ માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. નાણાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (ઇન્વીટ)નો ઉપયોગ થઇ શકે, જેમાં રિટેલ ઇન્વેસ્ટર્સ માટે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ રૂ. ૧૦ લાખની છે. પેસમેકર ટેકનોલોજીમાં આધુનિકતા સાથે બજારમાં નવું લેડલેસ ડિવાઇસ આવ્યું છે. એપોલો હોસ્પિટલના સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિઓલોજિસ્ટ ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે પાંરપારિક પેસમેકર ટીબેગના કદનું હોય છે અને તેમાં બે વાયર, જેને લેડ કહેવાય છે તે હોય છે, તેને સ્થાને આ પેસમેકર વિટામીન કેપ્સ્યુલ જેટલું છે અને તેમાં વાયર હોતા નથી. જર્મન કારમેકર આવતા મહિને તેની કારના ભાવમાં બેથી ચાર ટકાનો વધારો કરશે.એનએચપીએ ભારત ઇલેક્ટ્રોનિક્સ સાથે સોલાર ઇક્વિપમેન્ટ ઉત્પાદન સવલત સ્થાપવા માટે કરાર કર્યા છે.
એમએન્ડએમ, આઈશર મોટર્સ, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, આરબીએલ બેન્ક: અગ્રણી શેરોમાં એમએન્ડએમ, આઈશર મોટર્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન, ટાટા સ્ટીલ, હિંદાલ્કો, એસબીઆઈ અને કોલ ઈન્ડિયા ૨.૧૫-૪.૧૦ ટકા સુધી વધીને બંધ થયા છે. જ્યારે ઈન્ફોસિસ, ટીસીએસ, ડિવિઝ લેબ, એચયુએલ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ અને વિપ્રો ૦.૩૬-૧.૭૪ ટકા સુધી ઘટીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, આરબીએલ બેન્ક, જેએસડબ્લ્યુ એનર્જી, આદિત્ય બિરલા ફેશન અને ભારત ઈલેક્ટ્રિક ૩.૫૬-૬.૧૯ ટકા સુધી વધીને બંધ થયા છે. જોકે અદાણી પાવર, એમ્ફસિસ, સન ટીવી નેટવર્ક, પીએન્ડજી અને જિલેટ ઈન્ડિયા ૧.૬૮-૪.૯૯ ટકા સુધી ઘટીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં શાંતિ ગીઅર્સ, અનંત રાજ, એપટ્સ વેલ્યુ, અપાર ઈન્ડસ્ટ્રીઝ અને ભણશાલી એન્જિયર ૧૧-૧૮.૧૩ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જોકે દેવયાની ઈન્ટરનેશનલ, ડીબી કોર્પ, ફોનિક્સ મિલ્સ, રાણે બ્રેક અને સ્ટાયલમ ઈન્ડસ્ટ્રીઝ ૩.૬૨-૫.૦૨ ટકા નબળાઈની સાથે બંધ થયા છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૧૧-૨.૩૪ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૧.૦૪ ટકાના વધારાની સાથે ૩૮,૬૯૭.૬૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટીના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.