ઑટો, બૅન્કિંગ અને એફએમસીજી શૅરોમાં લેવાલીએ ત્રણ સત્રની મંદીને બ્રેક, સેન્સેક્સ ૩૦૦ પૉઈન્ટ વધ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સપ્તાહના આરંભે ખાસ કરીને ઑટો, ફાઈનાન્સ, બૅન્કિંગ અને એફએમસીજી શૅરોમાં લેવાલી નીકળતાં ત્રણ સત્રની મંદીને બ્રેક લાગી હતી અને બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૦૦.૪૪ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૯૧.૪૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૫૮,૮૪૦.૭૯ના બંધ સામે નરમાઈના ટોને ૫૮,૭૪૭.૩૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૮,૪૮૭.૭૬ અને ઉપરમાં ૫૯,૨૭૭.૫૫ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૫૧ ટકા અથવા તો ૩૦૦.૪૪ પૉઈન્ટ વધીને ૫૯,૧૪૧.૨૩ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૧૭,૫૩૦.૮૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૧૭,૫૪૦.૬૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૭,૪૨૯.૭૦ અને ઉપરમાં ૧૭,૬૬૭.૨૦ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૦.૫૨ ટકા અથવા તો ૯૧.૪૦ પૉઈન્ટ વધીને ૧૭,૬૨૨.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકાના તાજેતરના ફુગાવાના ડેટા અંદાજ કરતાં ઊંચી સપાટીએ રહ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કે તેવી ભીતિ હેઠળ વૈશ્ર્વિક બજારોમાં ચંચળતાનું વલણ રહ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે વ્યાજદરમાં વધારો થવાને કારણે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્ય પ્રવાહ રહેશે. જોકે, આ વલણ ટૂંકા સમયગાળાનું હશે કેમ કે વર્ષના અંત સુધીમાં ફુગાવો હળવો થતાં નાણાં નીતિમાં પણ સ્થિરતા આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસના રિટેલ રિસર્ચ વિભાગના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે આગામી બુધવારે જ્યાં સુધી ફેડરલના વ્યાજદરના વધારાના નિર્ણયની જાહેરાત નહીં થાય ત્યાં સુધી બજારમાં ચંચળતાનું વલણ રહેશે. જોકે, હાલના તબક્કે બજાર વર્તુળો વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટના વધારાનો અંદાજ મૂકી રહ્યા છે. તેમ છતાં ફુગાવામાં અપેક્ષા કરતાં ઓછો ઘટાડો, રિટેલ વેચાણમાં વધારો અને રોજગારીના ડેટાઓને ધ્યાનમાં લેતાં વ્યાજદરમાં આક્રમક વધારો થાય તેવી શક્યતા પણ સેવાઈ રહી હોવાનું તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે બૅન્ક ઑફ ઈંગ્લેન્ડ પણ વ્યાજદરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો જાહેર કરે તેવી શક્યતા છે.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી બાવીસ શૅરના ભાવ વધીને અને આઠ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે બીએસઈ ખાતે જે આઠ શૅરના ભાવમાં ઘટાડો આવ્યો છે તેમાં ટાટા સ્ટીલમાં ૨.૫૦ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૧૬ ટકાનો, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ૧.૧૨ ટકાનો, એનટીપીસીમાં ૧.૦૪ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૦.૬૭ ટકાનો, લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૪૦ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૨૯ ટકાનો અને ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૦.૧૨ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૩.૦૫ ટકાનો, બજાજ ફાઈનાન્સમાં ૨.૭૯ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, નેસ્લે અને હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૯૨ ટકાનો અને બજાજ ફિનસર્વમાં ૧.૭૯ ટકા વધી આવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.