તેજીવાળા માટે મંગલમય દિવસ, સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, નિફ્ટી ૧૭,૭૫૦ની ઉપર

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મંગળવાર રોકાણકારો માટે મંગલમય પુરવાર થયો હતો અને ભારતીય શેરબજારે વિશ્ર્વબજારના મિશ્રિત સંકેત વચ્ચે એકાએક જોરદાર ઉછાલો નોંધાવીને નિરિક્ષકોને પણ આશ્ર્ચર્યચકિત કરી દીધાં હતાં. બેન્કિંગ, આઇટી અને ઓઇલ સેકટરના શેરોમાં વેલ્યુબાઇંગ સાથે જોરદાર લેવાલી નીકળતા સેન્સેક્સ અને નિફ્ટી લગભગ અઢી ટકા ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. પાછલા ત્રણ મહિનાના આ સોથી શ્રેષ્ઠ એકદિવસીય ઉછાળામાં સેન્સેક્સે ૫૯,૫૦૦ની સપાટી પુન: હાંસલ કરી લીધી હતી તો નિફ્ટીએ ૧૭,૭૫૦ની સપાટી વટાવવામાં સફળતા મેળવી હતી.
સત્ર દરમિયાન ૧૬૨૭.૧૬ પોઇન્ટ અથવા તો ૨.૮૦ ટકાની તોતિંગ જમ્પ સાથે ૫૯,૫૯૯.૭૮ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૧૫૬૪.૪૫ પોઇન્ટ અથવા તો ૨.૭૦ ટકાના જોરદાર ઉછાળા સાથે સત્રને અંતે ૫૯,૫૩૭.૦૭ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૪૪૬.૪૦ પોઇન્ટ અથવા તો ૨.૫૮ ટકાના ઘટાડા સાથે ૧૭,૭૫૯.૩૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. સિઓલ અને ટોકિયો ગ્રીન ઝોનમાં, જ્યારે શાંઘાઇ અને હોંગકોંગ રેડ ઝોનમાં સ્થિર થયાં હતાં.
યુરોપના બજારોમાં મધ્યસત્ર સુધી તેજી રહી હતી. એ નોંધવું રહ્યું કે, શેરબજારમાં સપ્તાહનો પહેલા દિવસ શેરધારકોને માટે નુકસાનકારક પુરવાર થયો. સેન્સેકસે પ્રારંભિક સત્રમાં ૧૪૬૬ પોઇન્ટ નીચે પટકાઇને અંતે ૮૬૧ પોઇન્ટ ગુમાવ્યા હોવાથી બીએસઇ પર લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં રૂ. ૨.૩૯ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. સેન્સેક્સના ત્રીસે ત્રીસ શેરમાં સુધારો જોવા મળ્યો હતો. બજાજ ફિનસર્વમાં ૫.૪૭ ટકાનો એ બજાજ ફાઇનાન્સમાં ૪.૮૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક ૪.૩૮ ટકા, ટેક મહિન્દ્રા ૩.૯૬ ટકા અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૭૨ ટકા વધ્યા હતા. બી ગ્રુપની ૫ાંચ કંપનીઓને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની ૧૮ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓને ઉપલી સર્કીટ અને એક કંપનીને નીચલી સર્કીટ લાગી હતી. સરકાર આઇડીબીઆઇનો હિસ્સો વેચવા માટે આવતા મહિને પ્રાથમિક બિડ મગાવશે અને રિઝર્વ બેન્ક સાથે ચર્ચા અંતિમ તબક્કામાં છે એમ સત્તાવાર સાધનોે જણાવ્યું હતું.
જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ ઇન્ડિયાએ કરજબોજ હેઠળ દબાયેલી ફ્યુચર્સ લાઇફસ્ટાઇલ સામે એનસીએલટીમાં નાદારીની કાર્યવાહી શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. અમેરિકા, યુકે, સિંગાપોર અને યુએઇ સુધી ડિલિવરી ક્ષમતા વિસ્તારનાર ડીટુસી બ્રાન્ડ મેલોર્રાએ નવી મુંબઇમાં નેક્સસ સીવુડ ખાતે એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કર્યું છે, જેમાં એકવીસમી સદીની લાઇટવેટ, ફાઇન, ટ્રેન્ડી, મોડ્યુલર ગોલ્ડ જ્વેલરીને સ્થાન અપાશે. ભારતમાં મેલોર્રાનું આ પ્રકારનું ૧૮મું સેન્ટર છે અને આગામી વર્ષોમાં વધુ ૩૫૦ સેન્ટરની યોજના છે. સરકાર શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ખાનગીકરણ માટે માર્ચમાં ફાઇનાન્શિયલ બિડ મગાવે એવી સંભાવના છે.
આ સત્રમાં જોવા મળેલા બાઉન્સ બેક પાછળના કારણોમાં બેંકિંગ શેરોમાં જોવા મળેલી જોરદાર લાવલાવ અને સુધારાને પ્રથમ ક્રમ આપી શકાય. ફાઇનાન્શિયલ સેકટરના શેરોના સુધારાએ સેન્સેક્સના ઉછાળામાં સારું યોગદાન આપ્યું છે.
બીજું મહત્ત્વનું કારણ એસએન્ડપી-૫૦૦ ફ્યુચર્સમાં આવેલો સુધારો છે. પાછલા બે સત્રમાં અમેરિકાના શેરબજારોમાં ભારે ઘટાડા પછી, એસએન્ડપી-૫૦૦ ફ્યુચર્સમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. બજારના સાધનો માને છે કે આ સુધારામાં, દિવસના અંતે યુએસ શેરો માટે સકારાત્મક શરૂઆતના સંકેત જણાયા હોવાથી બજારને સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો. આ ઉપરાંત મહત્ત્વના પરિબળમાં ક્રૂડ ઓઇલના ભાવનો ઘટાડો કાઉન્ટ કરી શકાય.
મંગળવારના રોજ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો. વિકસ્તિ દેશોની કેન્દ્રિય બેંકો તરફથી વધુ આક્રમક વ્યાજ દરોમાં વધારો વૈશ્ર્વિક અર્થતંને મંદી તરફ દોરી શકે છે અને ઇંધણની માગમાં નરમાઈ લાવી શકે છે, એવી આશંકા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
અગ્રણી ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટી-૫૦માં તાત્કાલિક પ્રતિકારક ક્ષેત્ર તરીકે ૧૭,૩૫૦-૧૭,૪૦૦ની રેન્જ હતી, જે તેણે મંગળવારના સત્ર દરમિયાન સરળતાથી તોડી નાખી હતી. આગામી સમયની વાત કરીએ તો જ્યાં સુધી નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૭,૫૫૦ પોઇન્ટની ઉપર બંધ ન થાય, ત્યાં સુધી તમામ પુલબેક પ્રયાસો વેચાણ માટે સંવેદનશીલ રહેશે.
બીજા શબ્દોમાં ટેક્નિકલ એનાલિસ્ટ કહે છે કે જ્યાં સુધી નિફ્ટી ૧૭૫૫૦ની ઉપર મક્ક્મ આગેકૂચ ના કરે ત્યાં સુધી બજારમાં ઉછાળે વેચવાલી જેવી ચાલ જ જોવા મળે એ સંભાવના છે. બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા હતા અને માર્કેટ કેપમાં રૂ. ૫.૬૮ લાખ કરોડનો વધારો નોંધાયો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૨.૫૮ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૨.૫૬ ટકા, મિડકેપ ૧.૯૭ ટકા, સ્મોલ કેપ ૧.૪૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૨.૫૦ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૨.૩૭ ટકા, ઓલ કેપ ૨.૩૩ ટકા અને લાર્જ કેપ ૨.૫૯ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૧.૧૯ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૯૯ ટકા વધ્યા હતા.
બધા સેક્ટરલ ઈન્ડાયસીસ વધ્યા, જેમાં બેઝિક મટિરિયલ્સ ૧.૭૮ ટકા, સીડીજીએસ ૨.૧૮ ટકા, એનર્જી ૨.૩૫ ટકા, એફએમસીજી ૨.૦૩ ટકા, ફાઈનાન્સ ૩.૧૮ ટકા, હેલ્થકેર ૧.૨૫ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૮૨ ટકા, આઈટી ૨.૧૭ ટકા, ટેલિકોમ ૨.૧૭ ટકા, યુટિલિટીઝ ૨.૮૨ ટકા, ઓટો ૨.૫૮ ટકા, બેન્કેક્સ ૩.૩૩ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૫૫ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૪૪ ટકા, મેટલ ૨.૧૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૬૫ ટકા, પાવર ૨.૮૨ ટકા, રિયલ્ટી ૩.૫૧ ટકા અને ટેક ૨.૧૯ ટકા વધ્યા હતા.

સેન્સેક્સની ૧.૩ની સામે બીએસઇ પીએસયુ ઇન્ડેક્સની સરેરાશ ડિવિડંડ યિલ્ડ ૨.૬ના સ્તરે
મુંબઇ: જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ અને પીએસયુ ક્ષેત્રના શેરો પર લક્ષ્ય કેન્દ્રીત રાખીને આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે પીએસયુ ઇક્વિટી ફંડ લોન્ચ કર્યો છે, જેમાં લાંબાગાળાના રોકાણને ધ્યાનમાં રાખીને પીએસયુ કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવામાં આવશે.
આ ફંડ ખાસ કરીને એસએન્ડપી બીએસઇ પીએસયુ ઇન્ડેક્સના સેકટર અને શેરોમાં રોકાણ કરશે. આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ રોકાણ તકોને આધારે સ્મોલ કેપ, મિડિયમ કેપ અને લાર્જ કેપ શેરોમાં રોકાણ કરશે અને તેનો એનએફઓ છઠી સપ્ટેમ્બરે બંધ થશે. પ્રોડક્ટ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી હેડે કહ્યું હતું કે સરકારી કંપનીઓ કેપિટલ માર્કેટનું મહત્ત્વનું અંગ હોય છે અને તેની વિવિધ ક્ષેત્રોમાં હાજરી રોકાણની સારી તક પૂરી પાડે છે. આ ઉપરાંત પીએસયુ કંપનીઓના શેરના વેલ્યુએઅશન્સ પણ સારા હોય છે તેમ જ સલામતીની દૃષ્ટિેએ પણ સારી હોય છે. પીએસયુ સેગમેન્ટ આકર્ષક હોવાના કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ એ હોય છે કે તેની માલિકી સરકારની હોય છે. આવી કંપનીઓમાં સરકારનો હિસ્સો અન્ય એફઆઇઆઇ, ડીઆઇઆઇ કે રિટેલ ઇન્વેસ્ટર્સ કરતા હંમેશા વધુ હોય છે. આ રીતે નોન પ્રમોટર્સ પાસે હિસ્સો ઓછો હોવાથી આવી કંપનીઓમાં સુરક્ષાનું માર્જિન પંમેશા ઊંચું હોય છે. આ ઉપરંત સરકારી કંપનીઓના વેલ્યુએશન્સ સારા હોવાથી તેમાં પણ સલામતીના ધોરણે સારું માર્જિન રહે છે. બ્રોડર માર્કેટ કરતા સરકારી કંપનીઓમાં ડિવિડંડ યિલ્ડ હંમેશા ઊંચું હોય છે. પાછલા ૧૭ વર્ષમાં બીએસઇ પીએસયુ ઇન્ડેક્સની સરેરાશ ડિવિડંડ યિલ્ડ ૨.૬ ટકા રહી છે, જેની સામે સેન્સેક્સની ૧.૩ના સ્તરે રહી છે.
વિવિધ ક્ષેત્રો જોઇએ તો જાહેર ક્ષેત્રની બેન્કોના વળતરમાં સુધારો થવાની આશા સેવાઇ રહી છે. એ જ રીતે, સરકારે વિદેશી અવલંબન ઘટાડવા ડિપેન્સ ક્ષેત્ર માટે સ્વદેશીકરણ માટે રૂ. ૭૬૪ અબજ ફાળવવાની ઘોષણા કરી છે. ડિફેન્સ ક્ષેત્રના વિવિધ સિસ્ટમ્સ અને ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદનમાં સરકારી કંપનીઓનો ફાલો મોટો છે. એ જ રીતે, પાવર સેકટરમાં પણ સરકારી ક્ષેત્રનું વર્ચસ્વ છે અને વીજળીની માગ સતત વધતી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.