કડાકો આગળ વધ્યો, નિફટી ૧૭,૫૦૦ની નીચે ધસી ગયો, સેન્સેક્સમાં ૮૭૨ પોઇન્ટનું ધોવાણ

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત વચ્ચે શેરબજારમાં કડાકાનો દોર સતત બીજા દિવસે આગળ વધ્યો હતો અને સપ્તાહની શરૂઆત ધારણાં અનુસાર જ નિરસ ટોન સાથે થઇ હતી. નિફટી ૧૭,૫૦૦ની નીચે ધસી ગયો હતો, જ્યારે સેન્સેક્સમાં ૮૭૨ પોઇન્ટનું ધોવાણ નોંધાયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને એકાદ ટકા નીચા મથાળે ખૂલ્યા હતા અને અનુક્રમે ૬૪૦ અને ૨૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યાં હતાં. સત્ર આગળ વધવા સાથે વેચવાલીની ગતિ એટલી તીવ્ર બની ગઇ કે એક તબક્કે સેન્સેક્સ ૯૪૧ પોઇન્ટના કડાકા સાથે ૫૮,૭૦૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. સત્ર દરમિયાન ૯૪૧.૦૪ પોઇન્ટ અથવા તો ૧.૫૭ ટકાના કડાકા સાથે ૫૮,૭૦૫.૧૧ની સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૮૭૨.૨૮ પોઇન્ટ અથવા તો ૧.૪૬ ટકાના કડાકા સાથે ૫૮,૭૭૩.૮૭ પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી ૨૬૭.૭૫ પોઇન્ટ અથવા તો ૧.૫૧ ટકાના ધબડકા સાથે ૧૭,૪૯૦.૭૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સના શેરોમાં ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટસ, લાર્સન એન્ડ ટૂબ્રો, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેન્ક અને એક્સિસ બેન્ક ટોપ લૂઝર શેર રહ્યાં હતાં. જ્યારે આઇટીસી અને નેસ્લે ઇન્ડિયાના શેરમાં સુધારો હતો.
આ સત્રમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી સ્મોલઅને મિડકેપ શેરો પણ ધોવાયા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૧.૮૦ ટકા ગબડ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેકસ ૧.૧૭ ટકા ગબડ્યો હતો. બીએએસઇના તમામ સેકટોરલ ઇન્ડેકસ નેગેટીવ ઝોનમાં ગબડ્યાં હતાં. મેટલ ઇન્ડેક્સમાં ૨.૪૭ ટકાનો, બેસિક મટિરિયલ ઇન્ડેક્સમાં ૨.૪૪ ટકાનો કડાકો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક કારણ વૈશ્ર્વિક બજારોના નકારાત્મક સંકેતને ગણી શકાય, પરંતુ શેરબજારના આ કડાકા પાછળ બીજા ઘણાં કારણ મોજૂદ છે. સૌથી મહત્ત્વનું કારણ અમેરિકાની ફેડરલ રિઝર્વની મિનિટ્સની જાહેરાત પછી તેના કેટલાક અધિકારીઓ કરેલા આક્રમક નિવેદનો છે, જેમાં આગામી સમયમાં વ્યાજદરની વૃદ્ધિ તીવ્ર બનવાના સંકેત મળી રહ્યાં છે.
આ ઉપરાંત બજા મહત્ત્વના કારણોમાં ડોલર ઇન્ડેક્સની વૃદ્ધિ અને અમેરિકન ટ્રેઝરી યિલ્ડમાં નોંધાયેલો વધારો છે. ડોલર ઇન્ડેક્સ ફરી ૧૦૮ નજીક પહોંચ્યો છે જ્યારે યુએસ ટેન યર યિલ્ડ ૨.૯૯ ટકા સુધી પહોંચી છે. આ બંનેની દિશા ના પલટાય ત્યાં સુધી ઇક્વિટી માર્કેટમાં સુધારાને અવકાશ નથી. આ ઉપરાંત પણ બીજા ઘણાં નકારાત્મક કારણો ભેગા થયા છે.
વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે અમેરિકાની ફેડરલ રિઝર્વની જુલાઈની મીટિંગની મિનિટસની જાહેરાત પછી તેના કેટલાક અધિકારીઓ થયેલી તાજેતરની ટિપ્પણીઓ વ્યાજ દરમાં સતત આક્રમક વધારો થવાની સંભાવના દર્શાવે છે. આ તરફ એક વર્ગ એવું માને છે કે એફઆઇઆની લેવાલી ચાલુ રહેશે, કારણ કે વેલ્યુએશન્સ તુલનાત્મક રીતે વાજબી છે, જ્યારે ભારતનો વિકાસ અન્ય ઉભરતા રાષ્ટ્રોની તુલનામાં ઊંચો છે. જોકે રૂપિયાના અવમૂલ્યનની ચિંતા, ક્રૂડના ભાવમાં અફડાતફડીનો માહોલ, વધતી જતી વેપાર ખાધ સહિત કેટલાક નકારાત્મક કારણો છે. જ્યારે પોઝિટીવ કારણોમાં અર્થતંત્રમાં સુધારો, મજબૂત આર્થિક રિકવરી, કોમોડિટીના ભાવમાં ઘટાડો, લક્ષ્યાંકિત રેન્જમાં ફુગાવો જેવા પરિબળો બજારને ટેકો આપી શકે છે. હાલ તો સૌથી નકારાત્મક કારણ યુએસ ટ્રેઝરીની યિલ્ડ અને ડોલર ઇન્ડેક્સ છે. ડોલર ઇન્ડેક્સ ૧૦૮ના સ્તરની ઉપર પાછો ફર્યો છે, જ્યારે વૈશ્ર્વિક મંદીની ચિંતા વચ્ચે યુએસ ફેડરલ રિઝર્વના કડક વલણના અણસારે યુએસ ૧૦-વર્ષની યિલ્ડ ૨.૯૯ ટકા પર પહોંચી છે. ફેડ બેન્ક ઓફ રિચમન્ડના પ્રમુખ થોમસ બાર્કીને શુક્રવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેન્કે ફુગાવાને તેના બે ટકાના લક્ષ્યાંક પર પરત કરવાનો નિર્ણય લીધો છે, પછી ભલે તેને કારણે યુએસ મંદીનું જોખમ સર્જાુત હોય. તમામની નજર ફેડરલના ચેરમેન જેરોમ પોવેલના આર્થિક દૃષ્ટિકોણ પરના ભાષણ પર છે અને જેમાં તેઓ તેમના ભાષણનો ઉપયોગ તાજેતરની ફેડ કોમેન્ટ્રીને સ્પષ્ટ કરવા અને ભાવ વધારાની ભાવિ ગતિ માટેની અપેક્ષાઓ ફરીથી સેટ કરવા માટે કરી શકે છે.
સ્થાનિક ધોરણે વાત કરીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની પોલિસી મીટિંગની મિનિટ્સે આગામી મહિનાઓમાં વ્યાજદરમાં વધુ વધારાનો સંકેત આપ્યો હતો કારણ કે રિટેલ ફુગાવો વધતો રહ્યો હતો, તેમ છતાં પેનલના સભ્યોએ નોંધ્યું હતું કે તે ટોચ પર પહોંચી શકે છે. બ્રોકરેજ ફર્મ બાર્કલેઝ વર્તમાન ચક્રમાં ટર્મિનલ રેટ ૫.૯૦ ટકા રહેવાની અને ડિસેમ્બરની પોલિસી સમીક્ષા દ્વારા હાંસલ થવાની અપેક્ષા રાખે છે. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ) અગાઉના ૧૭ મહિનાથી એસેટ ક્લાસના ચોખ્ખા ખરીદદારો રહ્યા પછી ઓગસ્ટમાં અત્યાર સુધી ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા દર્શાવે છે કે માર્ચ ૨૦૨૧ અને જુલાઈ ૨૦૨૨ વચ્ચે રૂ. ૩.૬૭ ટ્રિલિયનથી વધુની ચોખ્ખી ખરીદી કર્યા પછી ઓગસ્ટની શરૂઆતથી, ડીઆઇઆઇએ ભારતીય શેરોમાં આશરે રૂ. ૪,૨૮૩ કરોડનું વેચાણ કર્યું છે.
સાતથી ૭.૨૦ ટકા રહ્યા બાદ સપ્ટેમ્બરમાં તે ઘટી સાત ટકા રહેશે અને ત્યારબાદ તેમાં તબક્કાવાર ઘટાડો થશે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. કોમોડિટીના નીચા ભાવ તથા પેટ્રોલિયમ પ્રોડકટસ પરના ટેકસમાં આંશિક પીછેહઠ વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરશે. તાજેતરની ઊંચી વેપાર ખાધને જોઈને વિશ્ર્લેષકોએ દેશની ચાલુ ખાતાની ખાધ તથા ચૂકવણી સમતુલાના અંદાજોમાં વધારો કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.