Homeઉત્સવશરદ યાદવ ઓબીસી અનામતના પ્રેરક

શરદ યાદવ ઓબીસી અનામતના પ્રેરક

કવર સ્ટોરી -વિજય વ્યાસ

ભારતના રાજકારણના જૂના જોગી એવા શરદ યાદવે ગુરુવારે અંતિમ વિદાય લીધી. બિહારમાં સત્તાધારી એવી નીતિશ કુમારની જેડીયુના ભૂતપૂર્વ પ્રમુખ શરદ યાદવ ૭૫ વર્ષના હતા ને છેક ૨૦૧૭ લગી રાજ્યસભાના સભ્ય હતા. નીતીશે ૨૦૧૭માં તેજસ્વી-લાલુની આરજેડીને કોરાણે મૂકીને ભાજપ સાથે ફરી હાથ મિલાવ્યા તેની સામે શરદ યાદવે જાહેરમાં બળાપો કાઢેલો. બગડેલા નીતીશે ફરી રાજ્યસભામાં ના મોકલ્યા એ સાથે જ શરદ યાદવનું બોર્ડ પતી ગયેલું.
શરદ યાદવે પછી પોતાનો પક્ષ બનાવ્યો, રાજકારણમાં ટકી રહેવા માટે જેને છેલ્લા બે દાયકાથી ગાળો આપતા હતા એ લાલુપ્રસાદ યાદવની પાર્ટીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી પણ લડ્યા, પરંતુ મેળ ના પડ્યો. રાજ્યસભામાં ફરી જવા માટે લાલુના પગ સુધ્ધાં પકડ્યા પણ લાલુએ ધરાર રાજ્યસભામાં ના જ મોકલ્યા તેથી ૨૦૧૭ પછી શરદ યાદવ રાજકીય રીતે કોઈ પણ પ્રભાવ વિનાના નેતા હતા.
જો કે એક સમયે શરદ યાદવનો ભારતીય રાજકારણમાં દબદબો હતો તેનો ઈનકાર ના થઈ શકે પણ એ દબદબાનો ઉપયોગ તેમણે દેશહિતમાં કરવાના બદલે ભારતમાં અનામત પ્રથા અને જ્ઞાતિવાદને પ્રબળ બનાવવામાં કર્યો. બલકે તેના પ્રણેતા બન્યા અને મંડલ પંચની ધૂળ ખાતી ભલામણોનો પોલિટિકલ બ્લેકમેઈલિંગ દ્વારા અમલ કરાવીને ભારતમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની અનામતનું લઠ્ઠું ઘૂસાડી દીધું. તેના કારણે ભારત અનામત અને જ્ઞાતિવાદના કળણમાં એ હદે ખૂંપી ગયું છે કે, હવે કદી બહાર આવી જ ના શકે એવી સ્થિતિ છે.
ઓબીસી અનામત આવી તેના કારણે દેશમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મેરિટ આધારિત જગ્યાઓ તો ઘટી જ પણ દેશનું રાજકારણ પણ બદલાઈ ગયું. હિંદુઓ માટે કલંકરૂપ જ્ઞાતિપ્રથા નાબૂદ થવાની શક્યતા સાવ જતી રહી ને દેશનું રાજકારણ જ્ઞાતિ આધારિત જ થઈ ગયું.
મંડલ પંચની ભલામણોનો અમલ કરવાનું મહાપાપ વિશ્ર્વનાથ પ્રતાપસિંહે કરેલું પણ વી.પી. સિંહને આ ભલામણોનો અમલ કરવાની ફરજ શરદ યાદવે પાડેલી. વી.પી. સિંહ બોફોર્સ કૌભાંડના મુદ્દાને ચગાવીને હીરો બની ગયેલા ને સત્તા કબજે કરી પણ તેમની આજુબાજુ ખાઈ બદેલા જૂના નેતાઓનો શંભુમેળો હતો. હરિયાણાના જાટ નેતા દેવીલાલ તેમાંથી એક હતા. દેવીલાલે ઉત્તર ભારતમાં વી.પી.ની પાર્ટી જનતા દળને જીતાડવા આકરી મહેનત કરેલી તેથી તેમને નાયબ વડા પ્રધાન બનાવાયેલા.
શરદ યાદવ એ વખતે યુવા નેતા હતા પણ અભ્યાસુ હતા તેથી મંડલ પંચની ભલામણો વિશે જાણતા હતા. ઇંદિરાએ ૧૯૭૫માં દેશના ઈતિહાસના સૌથી કલંકિત પ્રકરણ જેવી કટોકટી લાદી એ પછી ૧૯૭૭માં યોજાયેલી ચૂંટણીમાં ઇંદિરા, સંજય આણિ મંડળીએ કરેલા અત્યાચારોના કારણે કૉંગ્રેસ હારી ગઈ ને જનતા પાર્ટીની સરકાર આવી. મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા. જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં પછાત વર્ગો માટે પંચની રચના કરવાનું વચન આપ્યું હતું તેથી મોરારજી સરકારે ૧ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ બીજા પછાત વર્ગ પંચ એટલે કે મંડલ પંચની જાહેરાત કરી હતી.
મંડલ પંચે ૩૧ ડિસેમ્બર ૧૯૮૦ના રોજ અહેવાલ આપ્યો ત્યારે મોરારજી દેસાઈની સરકાર ગબડી ગઈ હતી ને ચૂંટણી પણ થઈ ગઈ હતી. ઇંદિરા ગાંધી ફરી સત્તામાં આવી ગયાં હતાં. મંડલ પંચે ઘણી બધી ભલામણો કરી હતી પણ મુખ્ય ભલામણ ‘અધર બેકવર્ડ ક્લાસ’(ઓબીસી)ના ઉમેદવારોને તમામ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૨૭ ટકા અનામત આપવાની હતી. ઇંદિરા ગાંધી વિઝનરી હતાં તેથી તેમણે આ અહેવાલનો અમલ નહીં કરવાનું નક્કી કર્યું. ઇંદિરા ગાંધીને લાગતું હતું કે, ઓબીસી અનામતના કારણે વર્ગવિગ્રહ થશે અને સામાજિક સમસરતા માટે આ ભલામણનો અમલ યોગ્ય નથી તેથી તેમણે આ અહેવાલને અભરાઈ પર ચડાવી દીધો.
શરદ યાદવને મંડલ પંચની ભલામણો વિશે ખબર હતી તેથી વી.પી. ૨ ડિસેમ્બરે વડા પ્રધાન બન્યા કે તરત તેમણે મંડલ પંચની ધૂળ ખાતી ભલામણો અભરાઈ પરથી ઉતરાવી અને વી.પી.ને તેનો અમલ કરવા કહ્યું. વિશ્ર્વનાથ પ્રતાપ સિંહ તેના માટે તૈયાર નહોતા તેથી શરદ યાદવે ઓબીસી સાંસદો સાથે ખસી જવાની ધમકી આપી. વી.પી.એ તેની સામે ઝૂકવું પડ્યું અને ૨૫ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ એક્શન પ્લાનની જાહેરાત કરીને દેવીલાલના પ્રમુખપદે એક સમિતિ બનાવી.
આ સમિતિ કામ કરતી હતી ત્યાં દેવીલાલને વી.પી. સાથે વાકું પડતાં વી.પી.એ નાયબ વડા પ્રધાનપદેથી દૂર કર્યા. દેવીલાલે શક્તિપ્રદર્શન કરવા માટે નવી દિલ્હીમાં જંગી રેલીનું એલાન કરી નાંખ્યું. દેવીલાલ વી.પી.ની સરકારને ગબડાવવા માટે તોડફોડની તૈયારી પણ કરી રહ્યા હતા. મોકો જોઈને શરદ યાદવે વી.પી.નું નાક દબાવ્યું. મંડલ પંચની ભલામણોનો તાત્કાલિક અમલ કરાય અને ઓબીસી માટે ૨૭ ટકા અનામત રખાય એવી માંગ યાદવે મૂકી. સાથે સાથે ધમકી પણ આપી કે, આ જાહેરાત નહીં કરાય તો પોતે દેવીલાલ સાથે જતા રહેશે ને સરકાર ગબડી જશે.
યાદવની ધમકીથી ડરી ગયેલા વી.પી.એ શરદ યાદવને સાચવવા માટે ૭ ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ ઓબીસી માટે ૨૭ ટકા અનામતની જાહેરાત કરી નાંખી. સવર્ણોમાં આ ભલામણો સામે આક્રોશ ભડકી ઊઠેલો. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવેલા ને આખા દેશમાં આંદોલન છેડાઈ ગયું. દિલ્હી યુનિવર્સિટીના રાજીવ ગોસ્વામી નામના વિદ્યાર્થીએ મંડલ પંચની ભલામણોના અમલ સામે આત્મવિલોપનનો રસ્તો અપનાવીને જીવ આપી દીધેલો..
રાજીવ ગોસ્વામીના પગલાએ ખળભળાટ મચાવી દીધો હતો. એ પછી તો આત્મવિલોપન કરીને જીવ આપવાની હોડ જ શરૂ થઈ ગઈ હતી. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ જાહેરમાં સળગી મર્યા ને આ આંદોલન એટલું ઉગ્ર બન્યું કે વી.પી. સરકારે ઓબીસી અનામતની જાહેરાત મોકૂફ રાખવી પડી. વી.પી.ના મંડલ કાર્ડ સામે કમંડલ કાર્ડ ખેલીને લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા શરૂ કરેલી.
બિહારમાં યાત્રા પહોંચી ત્યારે લાલુએ અડવાણીની ધરપકડ કરતાં વિશ્ર્વનાથ પ્રતાપ સિંહ સરકાર ઘરભેગી થઈ ગઈ પણ એ પહેલાં અન્ય પછાત વર્ગ માટે અનામતની જોગવાઈ
કરીને સત્તાભૂખ્યા રાજકારણીઓને એક રસ્તો દેખાડી દીધો હતો. ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ, બિહારમાં લાલુપ્રસાદ યાદવ વગેરે ઓબીસી નેતાઓને જ્ઞાતિવાદનું ગંદુ રાજકારણ રમવાનો રસ્તો વી.પી. બતાવતા ગયેલા ને તેના મૂળમાં શરદ યાદવ હતા. ઓબીસી મતબૅંક પર કબજો કરીને કાયમ માટે સત્તા કબજે કરવાનાં સપનાં જોતા વી.પી. એવા ફેંકાયા કે પછી ફરી ઊભા જ ના થઈ શક્યા પણ દેશના રાજકારણમાં ઓબીસી અનામતનો વિચાર ઘૂસી ગયો.
વી.પી.એ ઓબીસી અનામતની જાહેરાત વખતે ભારે હોહા કરીને પોતાને ઓબીસીના મસિહા તરીકે સ્થાપિત કરવા પ્રયત્ન કરેલા. તેની સામે પી.વી. નરસિંહરાવની સરકારે કોઈ હોહા વિના ૧૯૯૩માં ઓબીસી અનામતનો અમલ શરૂ કરી દીધો. ઓબીસી અનામત આવી પછી ઓબીસીના નામે રાજકારણ પૂરજોશમાં શરૂ થયું. ઓબીસીની અલગ અલગ જ્ઞાતિઓને રીઝવીને સત્તા કબજે કરવાની હોડ જ જામી ગઈ. તેનું પરિણામ એ આવ્યું છે કે, દેશ હવે બહુ ખરાબ રીતે જ્ઞાતિવાદના કળણમાં ફસાઈ ગયો છે ને તેમાંથી બહાર નિકળી શકે તેમ નથી. મેરિટોક્રસી નામની ચીજ રહી નથી ને જ્ઞાતિવાદની જ બોલબાલા છે. દેશમાં અત્યારે પછાતપણાની હોડ જામી છે ને બધાંને અનામત લઈને લાભ લેવા છે.
સમાજના નબળા વર્ગને અનામત મળે તેમાં કશું ખોટું નથી. દલિતો અને આદિવાસીઓને અનામત અપાય છે એ બિલકુલ યોગ્ય છે પણ ઓબીસી અનામતમાં ઘણી બધી જ્ઞાતિઓ એવી છે કે જે સવર્ણોની સમકક્ષ છે. બલકે ઓબીસી અનામત નહોતી ત્યારે સવર્ણ જ ગણાતી હતી. આ જ્ઞાતિના લોકોને અનામતનો લાભ આપીને કયા પછાતોનું ભલું કરાય છે એ રામ જાણે. આ સવર્ણોની સમકક્ષ ઓબીસી પૈસેટકે સુખી છે તેથી સંતાનોને સારો ઉછેર, સારું ભણતર આપી શકે છે. પરિણામે ઓબીસી અનામતનો મહત્તમ લાભ લઈ જાય છે. જેમને જરૂર છે એ બિચારા આજેય પછાત છે.
શરદ યાદવે પોલિટિકલ બ્લેકમેઈલિંગ ના કર્યું હોત તો આ દેશમાં ઓબીસી અનામત ના આવી હોત એવું કહી ના શકાય. આ દેશમાં રાજકારણીઓ સત્તા માટે ગમે તે કરવા તૈયાર હોય છે એ જોતાં બીજા કોઈએ મંડલ પંચનો ધૂળ ખાતો અહેવાલ કઢાવ્યો જ હોત તેમાં શંકા નથી પણ એ જો અને તો ની વાત છે. અત્યારે તો ઈતિહાસ એ જ કહે છે કે, શરદ યાદવ તેના માટે કારણભૂત હતા.
મજાની વાત એ છે કે, ઓબીસી અનામતના પ્રણેતા હોવા છતાં શરદ યાદવને પોતાને તેનો કોઈ મોટો રાજકીય ફાયદો ના મળ્યો. પછીથી એ અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી બનેલા પણ વાજપેયીની સાથી પક્ષોને સાથે રાખવાની મજબૂરી હતી તેનો લાભ તેમને મળેલો, ઓબીસી કાર્ડ તેના માટે જવાબદાર નહોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular