રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહાત્મા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે પર સસ્તી ટિપ્પણી કરી છે. તેમને શરમ આવવી જોઇએ. આવા રાજ્યપાલને પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. તેમને તાત્કાલિક અહીંથી દૂર કરો. હું આ માંગ લોકતાંત્રિક રીતે કરી રહ્યો છું. લોકો શાંત છે. રાજ્યપાલને હટાવવામાં નહીં આવે તો મહારાષ્ટ્ર ભડકે બળશે, એવા શબ્દોમાં શરદ પવારે મુંબઈમાં મહાવિકાસ અઘાડી દ્વારા આયોજિત મહામોરચાને સંબોધિત કરતા કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી.
શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રના કેટલાક આદર્શો છે, જેમ કે ફૂલે, શાહુ, આંબેડકર, કર્મવીર ભાખરાવ પાટીલ. હું દેશના ખૂણે ખૂણે જાઉં છું. શાહુ મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ, ડો.આંબેડકર પ્રત્યે સૌને આદર છે, પરંતુ વર્તમાન રાજ્યપાલ બેફામ નિવેદનો કરે છે. શંકર દયાળ શર્માથી લઈને અત્યાર સુધી મેં ઘણા રાજ્યપાલ જોયા છે, પરંતુ રાજ્યપાલ કોશિયારી મહારાષ્ટ્રની વિચારધારાને જ સંકટમાં મુકવાનું કામ કરી રહ્યા છે. ‘આંબેડકરને શાળા ચલાવવા માટે ભીખ માંગવી પડી’ એવી ભાષા ભાજપના એક નેતા દ્વારા વાપરવામાં આવી રહી છે. આવા લોકોને પાઠ ભણાવ્યા વિના અમે ચૂપ બેસીશું નહીં.
સંજય રાઉતે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રની વર્તમાન સરકાર ફેબ્રુઆરી સુધીમાં ઘરભેગી થઇ જશે. મહામોરચા દ્વારા એની રણનીતિ નક્કી કરવામાં આવી છે. મહારાષ્ટ્રનું અપમાન કરનાર કોઇ સત્તા પર રહી શકે નહીં. મહારાષ્ટ્રના તમામ પક્ષોના નેતાઓ આ મંચ પર છે અને મહાપુરુષોનું અપમાન કરનારાઓ મંત્રાલયમાં બેઠા છે. આ મોરચો આ સરકાર અને રાજ્યપાલ વિરુદ્ધ દરેક ગામમાં જશે. આ સરકાર લાંબો સમય ટકી શકશે નહીં.
મહામોરચામાં લોકોને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ કોશ્યરી અને શિંદે-ફડણવીસ સરકારમાં મંત્રી અને ભાજપના નેતા મગલ પ્રભાત લોઢા અને શિંદે જૂથના નેતા સંજય ગાયકવાડનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને કેવી રીતે ગરીબ બનાવવું, તેને કેવી રીતે ખતમ કરવું, એના હાલની સરકારના પ્રયાસો ચાલુ છે. તેમણે લોકોને એવા નારા લગાવવા કહ્યું હતું કે દિલ્હીના કાનના પડદા ફૂટી જાય અને એની ગુંજ દિલ્હી સુધી સંભળાય.
‘રાજ્યપાલને તાત્કાલિક હટાવો, નહીં તો મહારાષ્ટ્ર ભડકે બળશેઃ શરદ પવારની કેન્દ્રને ચેતવણી
RELATED ARTICLES