શરદ પવારને સામનાના લેખનો થયો કડવો અનુભવ! લેખમાં તેમની સામે ટીકાસ્ત્રો છોડાયા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં ભાજપે ઉદ્ધવ ઠાકરેને સત્તા પરથી હટાવી દીધા છે. શિવસેનાના બે ભાગલા પડી ગયા છએ. શિંદે જૂથ અને ઠાકરે જૂથ. સત્તા ગુમાવ્યા બાદ શિવસેનાનું ઉદ્ધવ ઠાકરે જૂથ ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યુ છે. હવે શિવસેનાના મુખપત્ર સામનાએ રવિવારે તેની સાપ્તાહિક કોલમ ‘રોકથોક’માં મોટો દાવો કર્યો છે. તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સાથે એનસીપીના વડા શરદ પવારની સામે પણ નિશાન તાકવામાં આવ્યું છે. સામનામાં લખવામાં આવ્યું છે કે, “એનસીપીના અધ્યક્ષ શરદ પવારે અમિત શાહને 2002ના ગોધરા કેસમાં જામીન મેળવવામાં મદદ કરી હતી”.

શરદ પવારની એનસીપી મહા વિકાસ અઘાડી સરકારમાં સામેલ હતી. એનસીપી સામનાની આ સાપ્તાહિક કોલમથી સ્તબ્ધ થઈ ગઈ છે. એનસીપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલે સામનાની આ કોલમને સંપૂર્ણપણે ખોટી અને બકવાસ ગણાવીને ફગાવી દીધી છે.. પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે શિવસેનાના મુખપત્ર સામનાની આ સાપ્તાહિક કોલમમાં કોઈ સત્ય નથી. એનસીપીના વડા વિશે આ કોલમમાં લખવામાં આવેલી દરેક વાત પાયાવિહોણી છે.
નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તાજેતરમાં જ્યારે મહારાષ્ટ્ર પહોંચ્યા હતા ત્યારે તેમણે ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોની સામે ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે રાજકારણમાં છેતરપિંડી કરનારાઓને પાઠ ભણાવવાની જરૂર છે. અમિત શાહના આ નિવેદન પર શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા પ્રતિક્રિયા આપી છે.

સામનાની સાપ્તાહિક કોલમ ‘રોકથોક’માં લખવામાં આવ્યું છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્ર વિરુદ્ધ ખરાબ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. ખબર નથી કેમ તેઓ મહારાષ્ટ્રને આટલી બધી નફરત કરે છે? જોકે, તેમણે મહારાષ્ટ્ર અને મરાઠી માનુસનો આભાર માનવો જોઈએ. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન રહેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ પરેશાન રહેતા હતા, પરંતુ એનસીપીના વડા શરદ પવાર અને નરેન્દ્ર મોદી નજીક હતા. તેનો ફાયદો અમિત શાહને મળ્યો. શરદ પવારની મદદને કારણે જ તેઓ ગોધરાના કેસમાં જામીન પર મુક્ત થયા હતા.

ઉલ્લેખનીય છે કે પહેલા સંજય રાઉત શિવસેનાના મુખપત્ર સામનાની સાપ્તાહિક કોલમ ‘રોકથોક’ લખતા હતા, પરંતુ હાલમાં સંજય રાઉત પતરા ચાલ કૌભાંડમાં જેલમાં બંધ છે. અત્યાર સુધી તેમને જામીન મળ્યા નથી. સંજય રાઉતની ગેરહાજરીમાં સાપ્તાહિક કોલમ ‘રોકથોક’ હવે ‘કડકનાથ મુંબઈકર’ નામે લખવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.