કેઝ્યુઅલ રજાની લેવા-ન લેવાની કશમકશ!

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ-ભાવાનુવાદ: સંજય છેલ

બધા મજા કરે છે અને આપણે એક દિવસની કેઝ્યુઅલ પણ નહીં લઈ શકીએ? હદ છે, યાર!
——————
મારૂં એક મન કરે છે કે નોકરીએ જાઉં ને બીજું મન કરે છે કે ન જાઉં! સાલું, કંઈ સમજાતું નથી. વિચારું છું કે ચલો, જઈ જ આવીએ. પછી થાય કે, શું જરૂર છે? રહેવા દઉં. સવારથી આ જ વિચારી રહ્યો છું, પણ તબિયત ગલીપચી કરે છે કે નહીં જ જાઉં, સૂઈ જાઉં. ઘરે જ રહીને બપોરીયું કરીએ અને જો મૂડ થશે તો એકાદ મેટિની શૉમાં બેઠક જમાવીશું. પછી વિચારું છું, બધુ નકામું છે, ઘરે રહેવાનો શું ફાયદો? કાલે તો આમ પણ રજા જ છે. કાલે બપોરે સૂઈ જઈશ કારણ વગર એક દિવસ બગડશે.
પણ સાલો રજાના દિવસે તો જે વિચાર કર્યો હોય, એ જ ન થઈ શકે! દોસ્તો મળવા આવી જાય છે. કોઈ કમીનું કામ ક્યાંકથી આવી ટપકી જ પડે છે. અથવા તો કોઈ સગું વહાલું ટપકી પડે…ને આખો દિવસ મસાણમાં બરબાદ થઇ જાય છે. આજે ન જાઉં, તો એક દિવસનો આરામ થઈ જશે. બે દિવસ સળંગ મળી જશે. પણ પછી થાય છે કે, ‘યાર…’ ફાલતુમાં એક કેઝ્યુઅલ રજા વપરાઇ જશે. પછીથી કદાચ જરૂર પડે, કારણ કે એ છે કે વર્ષ પૂરું થવામાં બે મહિના બાકી છે. કોણ જાણે ક્યારે શું થશે? પણ એમાં શું થઈ ગયું? કેઝ્યુઅલ રજા બચાવીને શું અથાણું બનાવશું? કમબખ્તને લઈ જ લઈએ, જે થશે એ જોયું જશે? ત્રણ કેઝ્યુઅલ બચી છે. એક લઈશું તો પણ બે તો બચી જશે. એને પછી લઈ લઈશું.
પછી એક વિચાર એવો આવે છે કે, ત્યારે પછી ડિસેમ્બરમાં ત્રણ દિવસ એક સાથે લઈ લઈશું ને ક્યાંક બહારગામ ફરી આવીશું.
…પણ ક્યાં જઈશું? આજકાલ તો ક્યાંય પણ આવવા જવાનું નથી થતું! ઘરમાં ને ઘરમાં જ હોઇએ. પાછું ત્રણ દિવસની કેઝ્યુઅલ લેવામાં નક્કર બહાનું શોધવું પડે. કમબખ્ત ઑફિસવાળા પૂછે કે ત્રણ દિવસ અચાનક રજા કેમ લેવી પડી? ચોખવટ કરો! પહેલાથી માહિતી આપી ન શકાય? અને અગાઉથી માહિતી આપીએ તો પાછા રજા નામંજૂર કરી દે. બધી વાતે લોચા! વાત એમ છે ને કે ડિસેમ્બરમાં બધા પોતપોતાની કેઝ્યુઅલ પૂરી કરવાની વિચારે છે. તો કરીએ શું? એક દિવસની રજા અત્યારે લઈ લઇએ તો એમાં શું નુકસાન થવાનું છે? સાલી, બહુ મૂંઝવણભરી પરિસ્થિતિ છે. ઑફિસ જઇ જ આવું! જો કે ઑફિસમાંયે શું કામ છે? બેસી તો રહેવાનું છે. જો તક મળશે તો ત્યાં જ રેકોર્ડરૂમ અથવા સ્ટોરરૂમમાં ઘુસીને કલાક બે કલાક સૂઈ લેશું. શું છે કે, કોઈ કામ તો છે નહીં. સાહેબ તો બે વાગ્યાથી મિટિંગમાં જશે, બધાં સાલા કેન્ટીનના ચક્કર કાપશે. ગપ્પા મારશે, બીજું શું? જેવું ઘર, એવી જ ઑફિસ!
તો ઓફિસ જતો જ રહું. પેલી ફાઈલ પણ આજે સાહેબને સહી કરવા માટે આપવાની છે. કદાચ માંગી લે તો? સાહેબ બોલાવશે ને એમને ખબર પડશે કે હું રજા પર છું, તો નકામા ભડકશે! પછી થાય છે કે જરૂરી થોડું છે કે એ આજે જ સહી કરશે?કદાચ ફાઈલ આજે નાયે માગે. એમનું મગજ તો મિટિંગમાં બિઝી હેશે. અગિયાર વાગ્યે એ ઓફિસ આવશે, બે વાગ્યે મિટીંગ છે. એવું પણ બની શકે કે, જો ફાઈલ લઈને જાવ તો પણ સહી ન કરે.૫’આઈ એમ વેરી બીઝી૨’ એમ પણ કહી શકે! પરમ દિવસે સહી થઈ જશે. ફાઇલ આટલા દિવસ સડી રહી છે તો બીજા બે દિવસ વધારે!
એ તો ચાલે હવે !…ને ફાઈલ માગશે તો પણ વર્મા સહી કરાવી લેશે. સામે ટેબલ પર જ તો પડી છે, જ્યારે વર્મા રજા લે છે ત્યારે અમે પણ એનું કામ કરીએ જ છીએને? એમાં શું? સહી જ તો કરાવવાની છે! ડ્રાફ્ટ સાહેબે જોઈ લીધો છે. બે મિનિટનું જ કામ છે, પરંતુ વર્મા બડબડ કરશે. બની શકે કે, એવું કહી પણ દે, ‘સર, ફાઈલ મળતી નથી!’ હરામી સાલો! કારણ વગર વાત વધશે! સહી થઈ તો જશે પણ ફોગટનો એનો ઉપકાર ચઢશે. ઑફિસ જતો જ રહું. એક બાજુ મન થાય છે કે કેઝ્યુઅલ તો કેઝ્યુઅલ છે. માણસનો હક છે! જ્યારે જરૂર પડે,ત્યારે લે. ‘આઈ એમ સીક!’ શું કરશો, થાય તે કરી લો! ‘અનેબલ ટુ અટેંડ ઓફિસ!’ બસ, મારી તબિયત, મારી મરજી, જાવ નહીં આવું.એક દિવસ નહીં જાઉં તો કયું કામ અટકી જશે?
એ ઊભો થયો ને અંદર ગયો. કિચનના દરવાજાની જાળી અડીને ઊભો ઊભો થોડીવાર કામ કરતી પત્નીને જોતો રહ્યો. પછી કહ્યું, ‘આજે ઓફિસ જવાનું મન નથી થતું.’
‘કેમ?’
‘આમ જ. વિચારું છું કે રજા લઈ લઉં. ત્રણ દિવસની કેઝ્યુઅલ બાકી છે. નકામી જશે!’
‘હા, લઈ લો.’ પત્નીએ કહ્યું ને ફરી કામ કરવા લાગી.
થોડી વાર મૂંગા ઊભા રહ્યા પછી એ પાછો બોલ્યો, ‘શું લાગે છે, લઈ લઉં રજા? પણ ઘરે પણ શું કરીશું?’
‘હા, કંઈ કામ તો છે નહીં’ પત્નીએ કહ્યું.
‘એ જ વિચારું છું. ફાલતુમાં એક દિવસની કેઝ્યુઅલ જશે. શું ફાયદો? આગળ કદાચ લેવાની જરૂર પડે. ઓફિસ જતો જ રહું.’
‘તો જતા રહો.’ એણે કહ્યું.
‘હા… એ જ વિચારું છું. શું કરું?’ થોડી મિનિટ રોકાઈને, પાછો કહેવા લાગ્યો, ‘રજા લઈ લેતે તો એક દિવસનો આરામ થઈ જતે. કાલે રજા જ છે. પછી પરમ દિવસે ઠાઠથી ઓફિસ જતે! ઈચ્છા નથી થતી ઓફિસ જવાની, પણ હવે ઘરે રહીને પણ શું કરીશું, કેમ?’
એ પાછળ બાલ્કનીમાં જતો રહ્યો અને તડકામાં ઊભો રહી ગયો. નળમાંથી પાણીની પાતળી ધાર વહેતી હતી. એણે વિચાર્યું, જો ઓફિસ જવાનું જ છે તો હવે એણે નાહી લેવું જોઈએ. નહિં તો પછી મોડું થઈ જશે. નહીં પણ જવું હોય, તો પણ નાહી લેવામાં શું નુકસાન છે? પાણી ગરમ કરાવી લીધું હોય તો સારું થાત. ઉતાવળ શું છે? ઓફિસ નહીં ગયા તો પછીથી ગરમ કરાવીને તબિયતથી નાહીશું. એણે બંને હાથ માથા પર મૂક્યા અને પગ પછાડતો પાછો અંદર આવી ગયો. થોડી વાર રૂમની વચ્ચે ઊભા રહ્યા પછી એ પાછો પલંગ પર બેસી ગયો.
શું કરીએ? એક બાજુ મન કરે છે કે આજે કંઈ મન નથી થઈ રહ્યું. આળસ ચઢે છે. જોકે, જવામાં પણ કોઈ નુકસાન તો નથી. ત્યાંયે કોઈ કામ છે નહીં. સાહેબ બોલાવે કદાચ ફાઈલને માટે. નહીં મળશે તો ગુસ્સે થશે. ખાલી ખોટી ઈમ્પ્રેશન બગડશે. તેલ લગાવા જાય, બગડવા દે! મેં કંઈ ઇમાનદારીનો ઠેકો લઈ રાખ્યો છે? બધા મજા કરે છે અને આપણે એક દિવસની કેઝ્યુઅલ પણ નહીં લઈ શકીએ? હદ છે, યાર! નોકરી કરીએ છે તો શું ગુલામ બનીને વેંચાઇ ગયા છીએં? ‘આઈ એમ સીક’-નો શું અર્થ થાય છે? ત્રણ દિવસની કેઝ્યુઅલ બાકી છે. બચાવીને કરવું શું છે? આપણે જ મૂરખ બનીશું. કોઈ પીઠ નહીં થાબડે. શું છે કે ગમે તેટલી ભલમનસાઈ દેખાડો કોઇ મતલબ નથી. ઘરે રહીશું તો આરામ કરીશું. જેને ઓફિસ જવું હોય એ જાય! માણસે ક્યારેક ક્યારેક થોડો આરામ કરવો જોઈએને?
પરંતુ આરામ ક્યાં મળે છે? ઘરે પણ આરામ ક્યાં મળે છે? બીજું શું, બેકારમાં આળસ ચઢશે! જ્યાં સુધી આરામનો સવાલ છે, ઓફિસમાં પણ થઈ શકે છે. બે વાગ્યાથી મિટિંગ છે. સાહેબ હશે નહીં. બધા મજા કરશે. જવું કે નહીં જવું- સરખું જ છે.
સાડીથી હાથ લૂછતા લૂછતા પત્ની બોલી, ૩૬પછી શું તમે ઓફિસ જવાના છો કે નહીં?૩૩
‘એ જ વિચારું છું, જાઉં કે ન જાઉં! એક બાજુ મન કરે છે કે જતો રહું ને એક બાજુ મન કરે છે કે રહેવા દઉં.’
‘વિચારી લ્યો!’ પત્નીએ કહ્યું.
‘હમ્મ્મ…’એણે કહ્યું ને પાછો વિચારવા લાગ્યો !

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.