શાંકરવાણી – ડૉ. અનિલ દ્વિવેદી
यः श्लोकपश्चिचकमिदं पठते मनुष्यःसश्चिन्तयत्यनुदिनं स्थिरतामुपेत्य ।
तस्याशु संसृतिदवानलतीव्रधोर-तापः प्रशान्तिमुपयाति चिति प्रसादात् ॥
—
જે મનુષ્ય ઉપર મુજબના પાંચ શ્ર્લોકનું પઠન કરે છે અને રોજ સ્થિરતા રાખીને તેનું સારી રીતે ચિંતન કરે છે, તેનો સંસારરૂપ દાવાનળનો તીવ્ર ને ભયંકર તાપ ચૈતન્યના અનુગ્રહથી તરત અત્યંત શાંતિ પામે છે.
સાધન પચંકમાં ‘પંચક’ શબ્દ પાંચ સંખ્યા દર્શાવે છે. આમ આ સ્તોત્ર પાંચ શ્ર્લોકનું છે, પણ આ છેલ્લા અને છઠ્ઠા શ્ર્લોકમાં પાંચ શ્ર્લોકોના પાઠનનું ફળ દર્શાવવામાં આવ્યું છે. આમ આ છઠ્ઠો શ્ર્લોક ફળશ્રુતિ છે.
ફળશ્રુતિ આપણી પરંપરા છે, સત્યનારાયણની કથા હોય કે ભાગવતની, વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર હોય કે વિષ્ણુશતનામ સ્તોત્ર હોય, લગભગ આ બધા જ સ્તોત્રને અંતે તેનું ફળ આપેલું હોય છે. એ શું કામ, એના ઘણા જવાબ છે. પહેલીવાત એ કે સ્તોત્રના ફળથી પ્રેરાઇને ઘણા સ્તોત્ર વાંચે છે. જેથી એનું કલ્યાણ થાય. ઘણીવાર ફળ દર્શાવ્યું હોય છે, પણ એવું બનતું હોય છે તો નથી પણ બનતું હોતું. બને છે, એની પાછળ પરા-મનોવિજ્ઞાન કામ કરે છે, પરામનોવિજ્ઞાન માને છે કે આપણું અર્ધચેતન મન જે માની લે છે તે થાય જ છે, તે કેમ માને, તેના પણ તેમાં ઉપાયો બતાવવામાં આવ્યા છે, પણ અહીં એ એ અસ્થાને હોવાથી આપણે તેની ચર્ચા કરતા નથી. અર્ધ ચેતન મન માની લે, એને આપણે શ્રદ્ધા કહીએ છીએ. શ્રદ્ધા રાખીએ અને સ્વીકારી લઇએ તો તે ફળ મળે જ છે. તે પ્રમાણે થાયછે. પણ શ્રદ્ધા રાખવી કે એવી દૃઢ શ્રદ્ધા થવી, એ ઘણું કઠીન કામ છે. શ્રદ્ધા ડગી જાય તો ન પણ થાય, પરંતુ ક્યારેક પૂરેપૂરી શ્રદ્ધા રાખવા છતાં ફળ મળતું નથી, એ કેમ, એનો કોઇ જવાબ નથી.
પૂજય મોરારિબાપુ કહે છે તેમ આપણી પ્રાર્થના ફળે તો હરિકૃપા, નહિતર હરિઇચ્છા. આ થઇ ફળશ્રુતિની વાત.
આ સ્તોત્રની ફળશ્રુતિ એટલે કે પઠનનું ફળ એવું છે કે પાઠકનો તાપ શાંત થઇ જાય છે. પણ આની પાછળ કેટલીક શરતો છે, જેમ કે-
૧. અનુદિન- એટલે કે પ્રતિદિન- રોજ આ સ્તોત્રનો પાઠ કરવાનો.
૨. સચિંતન- માત્ર પાઠ જ
નથી કરવાનો, તેનું સારી રીતે ચિંતન પણ કરવાનું છે.
મનન – ધ્યાન કરવાનું છે.
૩. ચિંતન સ્થિરતાપૂર્વક કરવાનું છે.
૪. છતાં તાપનો નાશ તો પરમ ચૈતન્ય-પરબ્રહ્મની કૃપાથી જ શાંત થાય છે. જોકે પરમાત્મા ધારે તો કોઇ પણ જાતના સાધના વગર ભકતને તાપમુક્ત કરી શકે છે. એક અદ્ભુત સુભાષિત છે.
चिकीर्षिते कर्मणि चक्रपाणौ नायेक्ष्यते तत्र सहायसपत्।
पश्चिालजायाः परसन्निधाने मध्येसभं यन्न तुरी न वेया।
જયારે ભગવાન શ્રી કૃષ્ણ કાર્ય કરવા ઇચ્છે ત્યારે તેઓને કોઇની સહાય કે સંપતિ-સામગ્રીની જરૂર પડતી નથી. જ્યારે દુ:શાસન દ્રૌપદીની સાડી ખેંચે છે અને દ્રૌપદી આર્દ્રભાવે શ્રીકૃષ્ણને પ્રાર્થે છે ત્યારે ભરી સભામાં ન શાળની જરૂર પડી ન કાંઠલવાની, દ્રૌપદીનાં ચીર પૂરાવા મંડયાં! સૂરદાસ પણ લખે છે કે –
द्रुपदसुता निर्बल भइ ता दिनं गहलाये निज नाम।
दुःशासन की भुजा थकित भइ बसनरुप भए स्याम ॥
પરમાત્માની કૃપા થાય તો આવાં કામ પણ થઇ જાય છે.
આ સ્તોત્રના પાઠથી પાઠકનો તાપ શાંત થઇ જાય છે. પણ કયો તાપ? તો જણાવે છે કે સંસારરૂપી દાવાનળનો તાપ. સંસારને દાવાનળ સાથે સરખાવે છે. જંગલમાં આગ લાગે તે દાવાનળ ભાગવતમાં સંસારને ભવાટવી કહ્યો છે, એટલે કે સંસારરૂપી વન, આમ આ સંસાર વન છે. એમાં આગ લાગે ત્યારે બધા જ જીવો સંતપ્ત બની જાય છે, પણ સાધન પંચક પ્રમાણે જીવન જીવે તો આ તાપ તેન લાગતો નથી. બાકી સંસારમાં તાપ વધુ છે, દુ:ખ વધુ છે, શાંતિ ઓછી છે, સુખ ઓછું છે. તેથી જ શ્રીકૃષ્ણે સંસારને ‘દુ:ખાલયમશાશ્ર્વત’કહ્યો છે. એટલે કે સંસાર દુ:ખનું ઘર છે. પણ શાશ્ર્વત નથી. તેમાંથી મુક્ત થઇ શકાય છે.
સંસારનો તાપ તીવ્ર અને ભયંકર છે. ભર્તુહરિ નીતિ શક્તમાં લખે છે કે સૂર્યનો તાપ છત્રીથી દૂર કરી શકાય, આમ અનેક દુ:ખોનો ઉપાયો છે, પણ મૂર્ખનો ઉપાય નથી. એમ સંસારના દુ:ખનો ઉપાય છે પણ અઘરો છે. ઉપાયો તો આચાર્યોએ અને સંતોએ અનેક બતાવ્યા છે પણ તેમાં શ્રદ્ધા થવી અને તે પ્રમાણે આચરણ કરવું અઘરું છે. જો થઇ જાય તો વાંધો નથી. આમ સાધન પંચક પ્રમાણે આચરણ કરીએ તો આપણો સંસાર તાપ દૂર થાય છે. આપણા બધાનો તાપ દૂર થાઓ એ જ કામના.