છેલ્લા કેટલાક સમયથી વિમાનમાં સહપ્રવાસીઓ સાથે ગેરવર્તણુકની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યું છે અને આ બધામાં એર ઈન્ડિયાના પેશાબ કાંડ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ચર્ચાનું કારણ બન્યું હતું. હવે આવો જ એક કિસ્સો ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં બન્યો છે. આ ઘટનામાં એક પ્રવાસીએ નજીકમાં બેઠેલા વ્યક્તિ પર લઘુશંકા કરી હતી. નશામાં ધૂત આ પેસેન્જરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ બાબતે દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવી રહેલી માહિતી અનુસાર તેમને આ સંબંધમાં ફરિયાદ મળી હતી અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફ્લાઈટ અમેરિકાથી દિલ્હી આવી રહી હતી. ન્યૂયોર્કથી નવી દિલ્હી જઈ રહેલી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ AA292માં સહ-યાત્રી પર પેશાબ કરનાર નશામાં ધૂત પેસેન્જરની ઓળખ 26 વર્ષીય આર્ય વોહરા તરીકે કરવામાં આવી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ તરત જ આરોપી આર્ય વોહરાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, જ્યારે આ ઘટના બની ત્યારે હું સૂતો હતો અને એટલે મને કંઈ જ યાદ નથી. અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટે શુક્રવારે રાત્રે 9:16 વાગ્યે ન્યૂયોર્કથી ટેકઓફ કર્યું હતું અને 14 કલાક 26 મિનિટ પછી શનિવારે રાત્રે 10:12 વાગ્યે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આરોપી આર્ય વોહરા કથિત રીતે અમેરિકાની એક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને તેણે નશાની હાલતમાં નિદ્રવસ્થામાં સહ પ્રવાસી સાથે આવી હરકત કરી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આર્ય વોહરા યુએસએમાં અભ્યાસ કરે છે અને તે દિલ્હીના ડિફેન્સ કોલોનીમાં રહે છે. દિલ્હી પોલીસનું એવું પણ કહેવું છે કે, આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ બાબતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ આરોપી આર્યએ પોતાના બચાવમાં કહ્યું હતું કે તેણે જાણી જોઈને એવું નથી કર્યું, પરંતુ તેનાથી આ હરકત ઊંઘમાં થઈ ગઈ હતી. આ પછી પીડિતાએ ફ્લાઈટ સ્ટાફને ફરિયાદ કરી. એરલાઈને તેને ગંભીરતાથી લીધી અને આઈજીઆઈ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. ATCએ CISFના જવાનોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને બાદમાં આરોપીને દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
ન્યુયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં ઊંઘમાં પ્રવાસીએ કરી સહપ્રવાસી સાથે આવી હરકત
RELATED ARTICLES