Homeએકસ્ટ્રા અફેરચૂંટણી જીતવા શ્રદ્ધાની હત્યાનો ઉપયોગ શરમજનક

ચૂંટણી જીતવા શ્રદ્ધાની હત્યાનો ઉપયોગ શરમજનક

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં મોટા ભાગના રાજકારણીઓ રાજકીય ફાયદા માટે કોઈ પણ હદે જતાં ખચકાતા નથી. બીજું બધું તો છોડો પણ તેમને પોતાના ફાયદા માટે કોઈની લાશ પર પણ રાજકીય રોટલો શેકતાં શરમ નથી આવતી. દિલ્હીમાં ૨૬ વર્ષની શ્રદ્ધા વાલકરની ઘાતકી હત્યાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતા રાજકીય ફાયદા માટે શ્રદ્ધા વાલકરની હત્યા પર જે રીતે રાજકારણ રમી રહ્યા છે એ જોઈને ઘૃણા થાય છે.
એક ૨૬ વર્ષની પ્રેમ ઝંખતી છોકરીને તેના કહેવાતા પ્રેમીએ એકદમ ક્રૂરતાથી મારી નાંખી ત્યારે તેના પરિવાર તરફ સહાનુભૂતિ બતાવવાના બદલે પોતાના ફાયદા માટે આ છોકરીના મોતના મુદ્દાનો ઉપયોગ કરતાં જરાય ખચકાટ પણ ના થાય એ હદની અસંવેદનશીલતા અને નફ્ફટાઈ ક્યાંથી આવતી હશે એ સવાલ પણ થાય. આ હદની અસંવેદનશીલતા અને નફ્ફટાઈ બતાવનારા લોકોને માણસ કહેતાં પણ શરમ આવે એ રીતે આપણા રાજકારણીઓ વર્તી રહ્યા છે.
શ્રદ્ધા વાલકરની ઘાતકી હત્યા તેની સાથે લિવ-ઈનમા રહેતા આફતાબ પૂનાવાલાએ કરી છે. આ વાતને પકડી લઈને આમ આદમી પાર્ટીના નેતા નરેશ બલયાને આ મુદ્દાને વેરની વસૂલાતનો મુદ્દો બનાવીને સવાલ કરેલો કે, આફતાબ પૂનાવાલાને શહેઝાદ પૂનાવાલા સાથે કોઈ સંબંધ છે કે નહીં ? શહેઝાદને આફતાબ સાથે કોઈ સંબંધ ના હોય તો શહેઝાદ પૂનાવાલા કેમ ભાગી રહ્યા છે ? શહેઝાદ પૂનાવાલા ભાજપના પ્રવક્તા છે તેથી ગોયલે તેમને નિશાન બનાવી દીધા.
શહેઝાદે પણ તેની સામે રાજકીય આક્ષેપો કર્યા તેના કારણે મામલો ગરમ છે ત્યાં હવે આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્ર્વા સરમાએ ગુજરાતની ચૂંટણીમાં આ મુદ્દો ઉઠાવીને રાજકીય રોટલો શેકવાનો ગંદો ખેલ શરૂ કરી દીધો છે. શ્રદ્ધાની હત્યાને લવ-જેહાદનો કેસ ગણાવીને હિમંત બિશ્ર્વા સરમાએ કચ્છમાં એક રેલીમાં કહ્યું કે, દેશમાં નરેન્દ્ર મોદી જેવા મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં તેથી દેશમાં નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર છે.
હિમંત બિશ્ર્વા સરમાએ શ્રદ્ધા હત્યા કેસને “લવ જેહાદ ગણાવીને દાવો કર્યો કે, આફતાબ શ્રદ્ધાબહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને પછી લવ જેહાદના નામે તેના ૩૫ ટુકડા કરી નાખ્યા. આ ટુકડા પાછા ફ્રિજમાં રાખ્યા. શ્રદ્ધાની લાશના ટુકડા ફ્રિજમાં પડ્યા હતા છતાં એ બીજી યુવતીને ઘરે લાવ્યો અને વાસનાનો ખેલ શરૂ કર્યો. સરમાના કહેવા પ્રમાણે દેશને તેની માતા માનતા કોઈ શક્તિશાળી નેતા દેશ પાસે નહીં હોય તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીએ. સરમાએ આખી વાતનું સમાપન એમ કહીને કર્યું કે, દરેક શહેરમાં આફતાબો પેદા ના થાય એટલે ૨૦૨૪માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવામાં આવે.
સરમાએ બીજી પણ ઘણી વાતો કરી છે ને એ બધી માંડવાનો અર્થ નથી કેમ કે શ્રદ્ધાના મોતના નામે તેમણે જે વાતો કરી છે એ સાંભળીને જ ચિતરી ચડે છે. કોઈ માણસ કઈ રીતે એક ૨૬ વર્ષની છોકરીની નિર્દયી રીતે કરાયેલી હત્યાને રાજકીય મુદ્દો બનાવીને તેનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી શકે એ જ સમજાતું નથી. સરમાની વાતો સાંભળ્યા પછી આ માણસમાં જરાય માણસાઈ છે કે નહીં એવો સવાલ થાય છે.
સરમાની વાતો સાંભળ્યા પછી હિંદુઓએ એક વાત વિચારવાની જરૂર છે. શ્રદ્ધાની હત્યાના બહાને સરમા ગુજરાતના અને દેશના હિંદુઓમાં એક ડર પણ પેદા કરી રહ્યા છે. સાથે સાથે સરમા આડકતરી રીતે એવું જ કહી રહ્યા છે કે, હિંદુઓ ડરપોક અને કાયર છે. તેમનામાં પોતાની બહેન-દીકરીઓની રક્ષા કરવાની તાકાત જ નથી. મોદી હશે તો જ હિંદુઓની બહેન-દીકરીઓની રક્ષા થશે, બાકી આફતાબ જેવા મુસ્લિમો તેમના ટુકડા કરી નાંખશે.
આ વાત વાહિયાત છે કેમ કે મોદી તો આઠ વરસથી દેશમાં સત્તામાં આવ્યા. એ પહેલાં આ દેશના હિંદુઓ પોતાની બહેન-દીકરીઓની રક્ષા કરવા સક્ષમ નહોતા? મોદી સત્તામાં નહોતા એ પહેલાં આ દેશમાં શ્રદ્ધાના ટુકડા કરી દેવાયા એ રીતે હિંદુઓની બહેન-દીકરીઓના ટુકડા કરીને હત્યા કરી દેવાતી હતી?
અને સૌથી મોટી વાત એ કે, શ્રદ્ધાની હત્યા જ્યાં થઈ એ દિલ્હી કોના તાબા હેઠળ છે ? દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે પણ કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર સરકારના હસ્તક છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નરેન્દ્ર મોદી સાહેબની સરકારના ગૃહ મંત્રાલયની છે. આ ગૃહ મંત્રાલય ભાજપના બીજા દિગ્ગજ નેતા અમિત શાહ સાહેબના તાબા હેઠળ છે એ છતાં દિલ્હીમાં આફતાબ ઊભો થઈ ગયો ને? કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય, દિલ્હીની પોલીસ તેને કેમ ના રોકી શકી?
મુંબઈમાં શ્રદ્ધા અને આફતાબ વચ્ચે પ્રેમ પાંગર્યો પછી બંને દિલ્હી આવીને રહેવા લાગ્યાં હતાં. દિલ્હી પોલીસ પાસે તેમન કોઈ માહિતી નહોતી. ૧૮ મે ૨૦૨૨ના રોજ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરીને શ્રદ્ધાના શરીરના ૩૫ ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા હતા. શ્રદ્ધાના મૃતદેહના એક પછી એક ટુકડા જંગલમાં દાટીને આવતો હતો છતાં દિલ્હી પોલીસને કેમ ખબર ના પડી?
બીજું એ કે, ભાજપશાસિત રાજ્યોમાં પણ હિંદુ બહેન-દીકરીઓ પર બળાત્કાર ગુજારીને તેમની હત્યા કરાય જ છે. ઉન્નાવ, પિલિભિત, હાથરસ વગેરે કેટકેટલી ઘટનાઓ છે. મજબૂત નેતા એ બધું કેમ ના રોકી શક્યા?
ભાજપે ગુજરાતની ચૂંટણી જીતવા આ મુદ્દો ઉઠાવવો પડે એ તેના માટે પણ શરમજનક છે. ગુજરાતમાં ભાજપનું ૨૭ વર્ષથી શાસન છે. ભાજપ ૨૭ વર્ષમાં ગુજરાતને નંદનવન બનાવી દીધાનો દાવો કરે છે. ભાજપનો દાવો છે કે, અમે ગુજરાતમાં એવો જોરદાર વિકાસ કર્યો છે કે બીજાં રાજ્યોને તો ઠીક પણ વિદેશને પણ તેની ઈર્ષા આવે છે. ભાજપવાળા ગુજરાતના વિકાસ મૉડલના નામે વરસોથી કૂદાકૂદ કરે છે ને એ પછી પણ ચૂંટણી જીતવા માટે તેમણે એક ૨૬ વર્ષની નિર્દોષ છોકરીની ક્રૂર હત્યાનો સહારો લેવો પડતો હોય તો ભાજપના નેતાઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular