ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિરના મુખ્ય મંડપમા પ્રતિષ્ઠાન કરવામાં આવનારી ભગવાન શ્રીરામની પ્રતિમા માટે નેપાલથી શાલીગ્રામ પથ્થરોનો પ્રથમ જથ્થો અયોધ્યા પહોંચી ગયો છે. તેને ટ્રકમાં અયોધ્યા લાવવામાં આવશે. આ શાલીગ્રામ પથ્થર જનકપુરના રસ્તે થઈને લાવવામાં આવી રહ્યા છે. આ પથ્થરનો ઉપયોગ કરીને ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન શ્રીરામની શ્યામ પ્રતિમા બનાવવામાં આવશે. કહેવાય છે કે, આ પથ્થર અંગે રામ મંદિર ટ્રસ્ટ અંતિમ નિર્ણય લેશે.
રામ મંદિર ટ્રસ્ટના કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે, નેપાળના પોખરામાં આવેલ નારાયણી નદીથી શાલીગ્રામ પથ્થર કાઢવામાં આવ્યા છે. જિઓલોજિકલ તથા આર્કિઓલોજિકલ વૈજ્ઞાનિકોની દેખરેખમાં તેને બે ટ્રકમાં લાદવામાં આવ્યા છે. એક ટ્રક પર 26 ટન તથા બીજા ટ્રકમાં 14 ટન પથ્થર લાદવામાં આવ્યા છે. બંને પથ્થરને 26 જાન્યુઆરીએ ટ્રક પર લોડ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, રસ્તામાં દરેક જગ્યાએ ટ્રકને રોકીને શ્રદ્દધાળુઓને દર્શન કરવાનો પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો. આ વિશાળ યાત્રામાં લગભગ 100 લોકો સાથે ચાલી રહ્યા છે. જેમાં માટે રાત્રિ વિશ્રામની દરેક જગ્યાએ વ્યવસ્થા કરાઈ છે. શિલાઓ અયોધ્યા પહોંચ્યા બાદ ટ્રસ્ટ પોતાનું કામ કરશે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, આ શીલાઓ કરોડો વર્ષ જૂની છે.
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ જિવેશ્વર મિશ્રા, અયોધ્યાથી રાજેન્દ્ર સિંહ પંકજ, નેપાળના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી કમલેન્દ્ર નિધિ અને જનકપુરના મહંત આદિ અયોધ્યા સુધી ચાલી રહ્યા છે. આ યાત્રા જનકપુરથી સહારઘાટ, બેનીપટ્ટી, દરભંગા, મુઝફ્ફરપુર તથા 31 જાન્યુઆરીએ ગોપાલગંજમાં પ્રવેશ કરશે.
નેપાળની શાલીગ્રામ નદી ભારતમાં પ્રવેશ કરતા તેનું નામ બદલાઈ જાય છે. ભારતમાં આ નદીને નારાયણી નદીના નામથી ઓળખવામાં આવે છે. નોંધનીય છે કે શાલીગ્રામ પથ્થર ફક્ત શાલીગ્રામ અથવા નારાયણી નદીમાં જ મળે છે. ચૌપાલે કહ્યું હતું કે, શીલાગ્રામ નદીમાંથી શિલાઓ કાઢ્યા બાદ ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. પૌરાણિક માન્યતા અનુસાર, શાલીગ્રામ નદીમાંથી પથ્થરો કાઢ્યા બાદ ક્ષમા યાચના પણ કરવી જોઈએ. સાથે ચાલી રહેલા પુરાતત્વવિદ તથા અયોધ્યા પર કેટલીય પુસ્તક લખી ચુકેલા દેશરાજ ઉપાધ્યાએ જણાવ્યું હતું કે, શાલીગ્રામ પથ્થર ખૂબ જ મજબૂત હોય છે. તેના પર શિલ્પકાર ઝીણવટપૂર્વક આકૃતિ બનાવે છે. આ પથ્થરમાંથી અયોધ્યામાં ભગવાન રામની શ્યામવર્ણી પ્રતિમા બનશે.