ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બાળકો સાથે વાત કરી શાળામાં આવકાર્યા

આપણું ગુજરાત

ગુજરાતભરમાં આજથી ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઇ ગઈ છે. રાજ્યના ૧૮,૦૦૦ ગામની ૩૨,૦૧૩ સરકારી શાળાઓમાં બાળકોને શિક્ષિત બનવા પ્રોત્સાહિત કરવા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામની શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.2 વર્ષ મોકૂફ રહ્ય બાદ આજે રાજ્યમાં 17મો શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે.


નિખાલસ સ્વભાવને કારણે લોકપ્રિય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બાળકોને ચોકલેટ આપીને તેમની સાથે બેસીને વાતો કરી હતી. પ્રવેશોત્સવમાં બાળકોને કિટ આપીને શાળામાં આવકાર્યા હતા. શાળા પ્રવેશોત્સવની અત્યાર સુધીની સફળતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપઆઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ વર્ષ 2002માં 37.22% હતો, જે વર્ષ 2022માં ઘટીને માત્ર 3.07% પર આવી ગયો છે. રાજ્યના દરેક બાળકને શિક્ષણ મળે એ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે આ અનોખા કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે દર વર્ષે આવા અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે .’


નોંધનીય છે કે ગુજરાતની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરુઆત થઇ ગઈ છે. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં 23, 24 અને 25 જૂનના રોજ વિધાર્થીઓને આવકારવા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના વડગામ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાથી કરાવી છે. બીજા દિવસે મુખ્યમંત્રી તાપી જિલ્લાના નિઝર તાલુકાની રુમકિતલાવ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે અને કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેમનગર પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવશે.

આ ઉપરાંત પ્રધાન મંડળમંડળના તમામ પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો, રાજ્યના તમામ IAS-IPS-વરિષ્ઠ અધિકારીઓ વગેરે ત્રણ દિવસ વિવિધ શાળાઓની મુલાકાત લેશે અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આ ત્રણ દિવસો દરમિયાન તેઓ દરરોજ ત્રણ શાળાઓની મુલાકાત લેશે અને વાલીઓ, સમુદાયો અને શાળાઓને બાળકોની નોંધણી માટે પ્રેરિત કરશે.

“>

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.