પ્રારંભિક નબળાઇ ખંખેરીને સેન્સેક્સે સતત પાંચમા દિવસે આગેકૂચ જારી રાખતા ૨૮૪ પોઇન્ટનો સુધારો નોંધાવ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયાઇ બજારોની પીછેહઠ અને વિપ્રોના નબળા પરિણામને કારણે ડહોળાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે પ્રારંભિક સત્રમાં નીચી સપાટીએ ગબડેલા સેન્સેક્સને ક્રૂડ ઓઇલના ઘટેલા ભાવ અને વિેદેશી સંસ્થાકીય રોકાણકારો નેટ બાયર્સ બન્યાં હોવાના અહેવાલને કારણે નવેસરની લેવાલીનો ટેકો મળતા સતત પાંચમા દિવસે આગેકૂચ ચાલુ રહી હતી અને ૨૮૪ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો.
સત્ર દરમિયાન ૩૪૦.૯૬ પોઇન્ટ અથવા તો ૦.૬૧ ટકાના ઉછાળા સાથે ૫૫,૭૩૮.૪૯ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે સેન્સેક્સ ૨૮૪.૪૨ પોઇન્ટ અથવા તો ૦.૫૧ ટકા વધીને ૫૫,૬૮૧.૯૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. આમ પાંચ સત્રમાં સેન્સેક્સ લગભગ ૨,૩૦૦ પોઇન્ટ જેવો ઉછળ્યો છે. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૮૪.૪૦ પોઇન્ટ અથવા તો ૦.૫૧ ટકાના સુધારા સાથે ૧૬,૬૦૫.૨૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, બજાજ ફીનસર્વ, એશિયન પેઇન્ટ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક અને પાવરગ્રીડ ટોપ ગેઇનર્સ રહ્યાં હતાં. જ્યારે ડો. રેડ્ડીઝ લેબ, કોટક મહિન્દ્રા બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને એનટીપીસી ટોચના ઘટનારા શેરોની યાદીમાં હતા. જૂન ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં ૬૦.૫ ટકાનો ઉછાળો નોંધાવનાર ઇન્ડસઇન્ડ બેન્કનો શેર ૭.૮૮ ટકા ઊછળ્યો હતો.
અમેરિકાના બજારમાં સુધારો આવ્યો હોવા છતાં ઇન્ફ્લેશન અને વ્યાજદર વધવાના ભય તેમ જ ચીનના વાયરસ અને ઇકોનોમીની ચિંતા વચ્ચે એશિયાઇ બજારોમાં નરમાઇના માહોલ વચ્ચે મિશ્ર વલમ જોવા મળ્યું હતું. આમ છતાં કૂડ ઓઇલના ભાવના ઘટાડા તેમ જ એફઆઇઆઇએ ફરી શરૂ કરેલા નેટ બાઇંગના અહેવાલોને કારણે બેન્ચમાર્કને લેવાલીનો ટેકો મળ્યો હતો.
એશિયામાં સિએલ અને ટોકિયો પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યાં હતા, જ્યારે શાંઘાઇ અને હોંગકોંગ નીચી સપાટીએ ગબડ્યા હતા. યુરોપના મહત્ત્વના ઇક્વિટી બજારમાં બપોરના સત્ર સુધી મિશ્ર વલણ રહ્યું હોવના અહેવાલ હતા. અમેરિકાના બજારોમાં બુધવારે તેજી રહી હતી.આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૩.૯૦ ટકા તૂટીને બેરલદીઠ ૧૦૨.૮ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત પ્રારંભિક માહિતી અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાછલા સત્રમાં રૂ. ૧૭૮૦.૯૪ કરોડના શેર ખરીદ્યા હતા. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૧.૨૪ ટકા વધીને ૨૩,૭૦૧.૩૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦ ટકા વધારાની સાથે ૨૬,૭૧૬.૫૬ પર બંધ થયા છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૪૨-૧.૬૩ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૬૪ ટકાના વધારાની સાથે ૩૬,૨૦૧ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.અગ્રણી શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ટાટા કંઝ્યુમર, યુપીએલ, એલએન્ડટી, બજાજ ફિનસર્વ અને એશિયન પેંટ્સ ૨.૩૩-૮.૧૦ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે ડો.રેડ્ડીઝ, એસબીઆઈ લાઈફ, કોટક મહિન્દ્રા, સિપ્લા, રિલાયન્સ અને જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૨૩-૧.૯૦ ટકા સુધી ઘટીને બંધ થયો છે. મિડકેપ શેરોમાં એબીબી ઈન્ડિયા, બીએચઈએલ, ક્યુમિન્સ, ભારત ઈલેક્ટ્રોનિક અને એબી કેપિટલ ૫.૩૭-૬.૪૨ ટકા સુધી વધીને બંધ થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.