મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ: ભજવાયા વિનાનું દરેક નાટક કરૂણ જ કહેવાય. (છેલવાણી)
હમણાં ફેસબૂક પર એક ગુજરાતી મિત્ર પરની કોઇ વાત પર કોમેન્ટ આપતા અમે સહેજ અઘરું અંગ્રેજી (‘સાચું ઈંગલિશ’, એમ વાંચો) લખ્યું તો પેલા ભાઇએ ગુસ્સામાં કહ્યું: ખુદને શું શેક્સપિયર સમજે છે કે અંગ્રેજીમાં શું હાંકે છે?’ અમે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ફેસબૂક પર ગુજરાતીમાં ઝડપથી ટાઇપ કરતા ફાવતું નથી અને હા, અમે ખુદને શેક્સપિયર પણ સમજીએ છીએ કારણકે એ એટલો સફળ છે કે વિશ્ર્વના દરેક લેખકનો એ હીરો છે.
શેક્સપિયરના અઘરાં નાટકો ભલે સદીઓથી ભજવાતાં હોય,પણ એને જુએ તો અમુક રસિકો જ. એનાં નાટકો ક્લાસિક કહેવાય છે કારણકે જેને વખાણે બધાં, પણ વાંચે કે જુએ બહુ ઓછાં. જોકે એના જેવા કેટકેટલા સફળ લેખકો એના સમયે કે એની પહેલાં જર્મની, ફ્રેંચ કે ઇવન સંસ્કૃતમાં પણ હશે જ. પણ શેક્સપિયરને અંગ્રેજ રાજદરબારનો સપોર્ટ હતો, પછી અંગ્રેજોનું જગત પર રાજ વધવા માંડ્યું અને બધે અંગ્રેજી ભાષા ફેલાઈ એટલે શેક્સપિયર પણ સાથે સાથે ફેલાતો ગયો.
ફિલિપ મેરીવેલ નામનો નાટકોનો બહુ મોટો એક્ટર હતો. એકવાર એને હોલીવૂડમાં ફિલ્મમાં રોલ મળ્યો. ફિલ્મના દિગ્દર્શકને થયું કે પહેલીવાર સ્ટુડિયોમાં, કેમેરા સામે ફિલિપ કામ કરી રહ્યો છે એટલે કદાચ નર્વસ હશે. દિગ્દર્શકે ફિલિપને કહ્યું, ‘તમે તો રહ્યા નાટકનાં માણસ, વિશાળ ઓડિયન્સ વિના આમ ખાલી સ્ટુડિયોમાં ૫૦ માણસો સામે અભિનય કરવાનું અઘરું લાગતું હશે નહીં?’
ત્યારે ફિલિપે શાંતિથી કહ્યું,‘ના રે, મેં શેક્સપિયરનાં નાટકો ભજવ્યાં છેને. મને ઓડિયન્સ વિના એક્ટિંગ કરવાની આદત છે.’
ડુ યુ નો, ધ ગ્રેટ શેક્સપિયર સાહેબ પર બેકન નામના કોઇ લેખકનાં નાટકો ઉઠાવેલાં એવું કહેવાય છે. એક વાર બોસ્ટન શહેરમાં ‘શેક્સપિયરના નાટકોની મૌલિક્તા’ વિશેની ચર્ચામાં એક કપલે ભાગ લીધેલો. પતિ માનતો હતો કે શેક્સપિયરે બેકનનાં નાટકો ચોરેલાં. પણ એની પત્ની માનતી હતી કે ગ્રેટ શેક્સપિયરે પોતે જ લખેલાં. પત્નીએ કહ્યું, ‘હું મરીને સ્વર્ગમાં જઈશ ત્યારે શેક્સપીઅરને પૂછીશ કે આ નાટકો તમે જ લખેલાંને? કેટલાક મૂર્ખાઓ ચોરીનો આરોપ મૂકે છે’
પતિએ પૂછ્યું, ‘પણ શેક્સપિયર સ્વર્ગમાં નહીં હોય તો?’
પત્નીએ કહ્યું, ‘તો નર્કમાં તમે પૂછી લેજો, પેલો બેકન પણ ત્યાં હશે જ ને?’
જોકે ભારતમાં અમુક સંશોધકોએ તો ત્યાં સુધી કહેલું કે શેક્સપિયર પર ‘વ્યાસ’ ને ‘વાલ્મીકિ’ની અસર છે. હોઇ શકે. જોકે અમને શેક્સપિયર સાથે બીજો જ પ્રોબ્લેમ છે. એનાં નાટકોની લાંબી લાંબી સ્પીચ અને ઇતિહાસના ભારથી દટાયેલાં પાત્રો. જ્યોર્જ કોફમેને બહુ સરસ કોમેન્ટ કરી હતી, ‘શેક્સપિયરના નાટકમાં તમે જો રાજાનો રોલ કરતા હો તો તમને આખા નાટકમાં બેસવાનો ચાન્સ જ ન મળે.’ અરે સ્ટેજ પર તો ઠીક છે પણ એને વાંચતી વખતે પણ તમને થાક લાગવા માંડે. આ બધું વાંચીને પંડિતો ભડકશે કે શેક્સપિયરની ટીકા કરનારો આ તુચ્છ પ્રાણી કોણ?
આગળ સમજાવું.
ઇંટરવલ:
ક્યારે કલા, કલા નહીં જીવન બની જશે
મારું કવન જગતનું નિવેદન બની જશે (મરીઝ)
શેક્સપિયર ને અમારામાં મૂળભૂત ફરક અને સમાનતા છે. શેક્સપિયર, ઈંગ્લેન્ડમાં સ્ટ્રેટફોર્ડમાં જન્મેલા અને હું ગુજરાતના દ્વારકામાં, જ્યાં હજી સુધી કોઈ અંગ્રેજી લેખક નથી જન્મ્યો. પણ એમ તો સ્ટ્રેટફોર્ડમાંયે કોઈ ગુજરાતી લેખક નથી જન્મ્યોને? શેક્સપિયરનું અંગ્રેજી અદભુત હતું, પણ એમાં શું? શેક્સપિયર, ૨-૩ વર્ષનો હતો ત્યારથી અંગ્રેજી બોલતો હતો અમે તો અંગ્રેજી વીસમે વર્ષે માંડ બોલતાં-લખતાં શીખ્યા ને તોય અમારું અંગ્રેજી સમજાય એવું છે, પેલાનું ભાગ્યે જ કોઈને આજે સમજાય છે.
અમને કોમેડીમાં થોડીઘણી સમજણ પડે છે પણ શેક્સપિયરનાં નાટકોમાં અપવાદને છોડીને બાકીનાં રડારોળનાં, ખૂનામરકીનાં, ઉદાસ ને ટ્રેજેડીથી ભરેલા હોય છે. અમે હંમેશાં જીવતાં પાત્રો પર લખ્યું છે અને શેક્સપિયરે હંમેશાં મરેલા રાજા-રજવાડાં વિશે જ લખ્યું છે. ટેડવિલ્સ નામના બ્રિટિશ સાંસદે, હાઉસ ઓફ લોર્ડઝ, ૧૯૭૨માં કહેલું: ‘જો શેક્સપિયરનાં નાટકોની રોયલ્ટી આજે મળતી હોત તો આખા ઈંગ્લેન્ડનું કરજ એમાંથી ભરી શકાત!’ વેલ, અમને પણ અમારી લખેલ દરેક ફિલ્મનું કે સિરિયલનું કે પુસ્તકોનું મહેનતાણું મળી ગયું હોત તો આખા દેશનુ તો નહીં પણ અમારે કદી દેવું ના લેવું પડે એવું જરૂર થાત! શેક્સપિયરના એક દોઢડાહ્યાએ ચાહકે કહ્યું, ‘શેક્સપિયર આજે હોત તો એને ઓર વધું માન મળત!’
અમે કહ્યું, ’હા, પણ આજે જો એ હોત તો એની ઉંમર ૪૫૮ વરસની વધુ હોત!’
માન્યું કે એણે અનેક નાટકો લખ્યાં પણ ફિલ્મ તો એક પણ નથી લખી જ્યારે કે અમે અનેક ફિલ્મો લખી છે, હવે બોલો? ઈન શોર્ટ, શેક્સપિયરની જેમ ૪૫૮ વર્ષ પછી આપણી પણ કદર થાય તો કહેવાય નહીં! અને આપણને આમ પણ ક્યાં ઉતાવળ છે? તમને લાગશે કે અમારું ખરેખર ચસકી ગયું છે, પણ કહેવાય છે શેક્સપિયરનું પણ એન્ડ એન્ડમાં ચસકી ગયેલું. શું છે કે શેક્સપિયર જેવો ઇંટરનેશનલ સ્ટાર હોય કે અમારા જેવો મામૂલી મુંબૈયા લેખક, લેખક માત્રનું થોડું થોડું ચસકેલું તો હોય જ છેને?
એન્ડ-ટાઇટલ્સ:
આદમ: જીવનમાં મને ચારેબાજુ ઘોર અંધારું દેખાય છે!
ઇવ: પણ તોયે સૂતી વખતે લાઈટ બંધ રાખજે.