શકવર્તી કાર્ય: અસલ વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિનો ગુજરાતીમાં અનુવાદ

ઇન્ટરવલ

નવી સવાર-રમેશ તન્ના

ઈ. સ. પૂર્વે ૮૦૦માં મહર્ષિ વાલ્મીકિ દ્વારા લખાયેલી અને વિશ્ર્વના વિદ્વાનો દ્વારા અધિકૃત સાબિત થયેલી વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિનો અમદાવાદમાં રહેતા અને સમગ્ર ભારતમાં સંસ્કૃત વિષયના વિદ્વાન અને અભ્યાસી તરીકે નામના ધરાવતા વિજય પંડ્યાએ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
૨૦૦૪માં તેમણે આ કાર્યનો પ્રારંભ કર્યો હતો. ડિસેમ્બર, ૨૦૨૦માં તેની પૂર્ણાહુતિ થઈ. એક તપસ્વી તપ કરે એ રીતે તેમણે આ અનુવાદનું કાર્ય કર્યું. તેના માટે તેમણે દિવસ-રાત આપી દીધાં. આ ૧૬ વર્ષ દરમિયાન તેમના શ્ર્વાસોશ્ર્વાસમાં માત્ર વાલ્મીકિ રામાયણ જ હતું. અનુવાદ કરતાં કરતાં અનેક વખત ભાવવિભોર બન્યા. અનુવાદની ગુણવત્તાને ઊની આંચ ન આવે તે માટે તેમણે અનેક શબ્દકોશો-અર્થકોશો, સંસ્કૃત ટીકાઓ અને પુસ્તકોનો આધાર લીધો. અનેક સંદર્ભ ગ્રંથો ક્રોસ ચેકિંગ માટે તપાસ્યા અને નિષ્ણાતો સાથે સઘન ચર્ચા પણ કરી.
આ એક સીમાચિહ્નરૂપ કામ થયું છે. કોરોનાના કપરા કાળમાં પણ તેઓ સહેજે ડગ્યા નહીં કે અટક્યા નહીં. જૈફ વય હતી. તેઓ કહે છે કે ‘આ તો શ્રીરામનું કાર્ય છે. તેણે પૂરું કરાવવું હોય તો મને જીવતો રાખશે.’ અનુવાદનું કાર્ય તેમણે ૬૨ વર્ષની વયે શરૂ કર્યું હતું અને પૂરું કર્યું ત્યારે તેમની વય હતી ૭૮ વર્ષ!
આવી છે વિજયભાઈની રામભક્તિ! કર્તવ્યપરાયણતા! આ અનુવાદની વિશેષતાઓ અનેક છે. અત્યારે ગુજરાતી સિવાય એક પણ ભારતીય ભાષામાં મૂળ વાલ્મીકિ રામાયણ સમીક્ષિત આવૃત્તિનો અનુવાદ ઉપલબ્ધ નથી.
વિજયભાઈ સંસ્કૃત વિષયમાં એમ.એ.પી.એચડી. થયેલા છે. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમને માનદ ડી.લિટ.ની ઉપાધિ આપી છે. તેઓ અમદાવાદસ્થિત કેલોરેક્સ ટીચર્સ યુનિવર્સિટીના એમેરિટ્સ પ્રોફેસર છે. વર્ષો સુધી તેમણે સંસ્કૃત વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવી છે. સંસ્કૃત વિષયમાં તેમનું માતબર અને નોંધપાત્ર, વિવિધલક્ષી પ્રદાન રહ્યું છે. તેઓ ભારતના રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કૃત થયા છે તો ગુજરાત અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોએ તેમને પોંખ્યા છે. તેમને સોમનાથ ટ્રસ્ટ સુવર્ણચંદ્રક, બ્રહ્મર્ષિ એવોર્ડ, હેમચંદ્રાચાર્ય એવોર્ડ ઈત્યાદિ મળેલા છે.
ટૂંકમાં એટલું જ કહેવાનું કે તેઓ સંસ્કૃત વિષયના તજ્જ્ઞ છે. આખું જીવન તેમણે સંસ્કૃત વિષયને સમર્પિત કર્યું છે.
સમગ્ર વિશ્ર્વમાં જુદી જુદી ભાષાઓમાં હજારો રામાયણ છે, પણ મૂળ અને અસલ રામાયણ તો મહર્ષિ વાલ્મીકિનું જ ગણાય છે.
એમ. એસ. યુનિવર્સિટી (વડોદરા)ની ઓરિયેન્ટલ ઈન્સ્ટિટ્યૂટે સમગ્ર વિશ્ર્વના સંસ્કૃત અને રામાયણ વિષયના નિષ્ણાતોને વર્ષો પહેલાં એકત્રિત કર્યા એટલું જ નહીં, રામાયણની હસ્તપ્રતો પણ ખૂણે ખૂણેથી મેળવી. નિષ્ણાતોએ એ તમામ હસ્તપ્રતોનો વર્ષો સુધી ખૂબ જ ઝીણવટથી અભ્યાસ કર્યો. તર્કની એરણ પર દરેક શ્ર્લોકને-ઘટનાને ચકાસ્યાં. કુલ ૨૪,૦૦૦ શ્ર્લોકોમાંથી નિષ્ણાતોએ આશરે ૫,૫૦૦ શ્ર્લોકોને રદ કર્યા. એટલે કે સાત કાંડવાળું, ૧૮,૬૦૫ શ્ર્લોકવાળું અસલ, મૂળ, ઈ. સ. પૂર્વે ૮૦૦ વર્ષ પહેલાં મહર્ષિ વાલ્મીકિ દ્વારા લખાયેલું રામાયણ આપણને સમીક્ષિત આવૃત્તિ (અંગ્રેજીમાં જેને ક્રિટિકલ આવૃત્તિ કહે છે) સ્વરૂપે સુલભ થયું.
આ ક્રિટિકલ આવૃત્તિનો અંગ્રેજીમાં અનુવાદ તો તરત જ, અમેરિકાની યુનિવર્સિટીએ કરી લીધો. તેમાં તો સાત વ્યક્તિની ટીમ હતી. બધા એક એકથી ચડિયાતા અનુવાદકો
અને નિષ્ણાતો. વળી, અમેરિકાની યુનિવર્સિટીને તો સંશોધનો કે પૈસાની પણ કોઈ ખોટ ન હોય.
આપણા દેશમાં તો એનો અભાવ. અભાવ એમ તો ન કહેવાય, પણ વાતાવરણ સંશોધનને અનુરૂપ ઓછું. પ્રો, વિજયભાઈએ વિચાર કર્યો કે મહર્ષિ વાલ્મીકિ દ્વારા લખાયેલા રામાયણની સમીક્ષિત આવૃત્તિનો અંગ્રેજીમાં અનુવાદ થાય અને મારી માતૃભાષા ગુજરાતીમાં ન થાય એ તો કેમ ચાલે? બસ, એ તો પલાંઠી વાળીને બેસી જ ગયા. ૧૬ વર્ષની અખંડ સાધનાના પરિપાકરૂપે આપણને મહર્ષિ વાલ્મીકિની સમીક્ષિત એટલે કે ખરી રામાયણ ગુજરાતી ભાષામાં મળી. તેમના આ કાર્ય માટે તેમને હેમચંદ્રાચાર્ય સહિત અનેક એવોર્ડ પણ
મળ્યા છે.
પૂના (હવે પુણે)ની ભાંડરકર ઓરિયેન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવાનું કામ શરૂ કર્યું અને આ કામ કુશળતાથી પાર પણ પાડ્યું. એ રીતે ૧૯૫૧માં વડોદરાસ્થિત પ્રાચ્ય વિદ્યામંદિરમાં રામાયણનું કામ શરૂ થયું અને આશરે ૨૫ વર્ષ દરમિયાન એટલે કે ૧૯૭૫ સુધી જુદા જુદા કાંડ ૭ (કુલ સાત કાંડ) પ્રકાશિત થયા.
વિજયભાઈની નમ્રતા, વિદ્વત્તા, મહાનતા, અભ્યાસ, ખંત અને ખાંખત, તપસ્યા, વિદ્યાપ્રેમ, રામાયણ અને રામ માટેની ભક્તિ, પલાંઠી મારીને સતત ૧૬ વર્ષ કાર્ય કરવાની નિષ્ઠા… આ બધાને વ્યક્ત કરવા કોઈ જ શબ્દો નથી મળતા. માત્ર બે હાથથી વંદન થઈ જાય છે અને માથું ઝૂકી જાય છે.
——————–
છાંયડો
ભારતમાંથી બે જ સાચા રાજા થયા: શ્રીરામ અને શ્રીકૃષ્ણ
– રવીન્દ્રનાથ ટાગોર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.