શાહરુખની એનર્જી અને ઉછળકૂદ અને ઉતાવળ જ એવી રહેતી કે તેને ગંભીર કિરદાર માટે વિચારી શકાય તેમ જ નહોતું
ફિલ્મનામા -નરેશ શાહ
ઉદંડ સ્વભાવ કે અભિમાની એટિટયૂડ વ્યક્તિને સડસડાટ આગળ ધપવાનો હાઈવે કંડારી આપે કે વિરોધી વાતાવરણની ઊંડી ખીણમાં ગરકાવ કરી દે ? ડિપેન્ડ કે તમે કોણ છો. શાહરુખ ખાનની લાઈફ અને કેરિયરને તો ઉંડ સ્વભાવ અને ઈગોઈસ્ટ એટિટયૂડે ફાયદો જ કરાવ્યો છે. તેના જોહુકમીવાળા પ્રેમથી થાકીહારીને, ચૂપચાપ મુંબઈ ચાલી ગયેલી ગૌરી છિબ્બા પછી તો તેની પત્ની (તેનું મુસ્લિમ નામ : આયેશા છે) બની અને જીતેન્કુમાર તુલી સાથેનું તેનું દામ્પત્ય એક આદર્શ તરીકે ઉભરી આવ્યું. વાચક બિરાદરને વિદિત થાય કે આર્ય સમાજ પ્રમાણે થયેલાં વિવાહમાં શાહરુખ ખાને પોતાનું નામ જીતેન્દ્રકુમાર તુલી (અભિનેતા જીતેન્દ્ર અને રાજેન્દ્રકુમાર તુલીના નામનું કોમ્બિનેશન) તરીકે દર્જ કરાવ્યું હતું.
એસઆરકેના પ્રેમ, વિરોધ, સહમતિ અને શાદીની વાતો ઈન્ટરેસ્ટિંગ છે પણ એ વાતો ક્ધટીન્યુટીમાં વાંચવાની મજા આવે તેમ હોવાથી આપણે ફરી ફૌજી સિરિયલવાળા, ૧૯૮૮ના ટે્રક પર આવી જઈએ. શાહરુખ ખાનને સૌથી મોટી ઓળખ અને પ્રશંસા ફૌજી સિરિયલે જ અપાવી હતી અને તેના કારણે જ અઝીઝ મિર્ઝા (રાજુ બન ગયા જેન્ટલ મેનના ડિરેકટર), સઈદ મિર્ઝા (સલીમ લંગડે પે મત રોના ડિરેકટર) અને કુંદન શાહે (કભી હા, કભી ના જેવી ફિલ્મોના ડિરેકટર) તેમની ટીવી સિરિયલ માટે ખાનને મુંબઈ તેડાવ્યો હતો. હકીકત એ છે કે ફૌજી સિરિયલ કિંગ ખાનને મળી તેમાં તેની માતા ફાતિમા લતીફ જ નિમિત્ત બની હતી. બાવન વરસની ઉંમરે પાનશોખીન મીર તાજ મૌહમ્મદનું જીભના કેન્સરને લીધે અવસાન થયું ત્યારે શાહરુખ ખાન માત્ર પંદર વરસનો (૧૯૮૦) હતો. મીર તાજ મૌહમ્મદ કંઈ ઝળહળતી કેરિયરના સર્જક નહોતા કે મોટો વારસો પણ છોડીને ગયા નહોતા. વકીલાત છોડયાં પછી તેણે ટ્રાન્સપોર્ટનો ધંધો કરેલો પરંતુ ભાગીદારોની દગાબાજી અને વેપારી અણઆવડતને કારણે મીર તાજ મૌહમ્મદ ખોટમાં જ રહ્યાં. એ પછી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં કેટલાય મહિના સુધી કેન્ટિન ચલાવી હતી. કહે છે કે, અભિનેતા રાજ બબ્બરે પોતાનું કેન્ટિન બીલ ચૂકવ્યું નહોતું. મીર તાજ મૌહમ્મદે એ પછી દિલ્હીના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પણ ચા અને છોલે-ભટુરે પીરસતી એક રેસ્ટોરાં શરૂ કરી હતી, જે તેમના અવસાન પછી ફાતિમા લતીફ ખુદ સંભાળતા હતા. ફાતિમા એક સાથે અનેક કામ (શાહરુખનો પણ એ જ સ્વભાવ છે ) કરતાં. બન્ને બાળકો, તેનું શિક્ષ્ાણ, ઘરની જવાબદારી, કેન્ટિનનો બિઝનેસ ઉપરાંત તેઓ સામાજીક કોર્ટના મેજિસ્ટ્રેટ તરીકે પણ કામ કરતા હતા.
આ એ દિવસોની વાત છે જયારે શાહરુખ ફેમિલી દિલ્હીમાં ભાડાનું ઘર બદલવા માટેની વેતરણમાં હતું. નેચરલી, આ કામ પ્રોપર્ટી એજન્ટ કમલ દીવાન કરતાં હતા. શાહરૂખના માતા ફાતિમાને એ અલગ અલગ મકાન જોવા લઈ જતાં ત્યારે માતાથી હરખ થઈ ગયો કે તેનો દીકરો તો અભિનેતા છે અને દિલ દરિયા નામની દૂરદર્શન પરની સિરિયલમાં કામ કરી રહ્યો છે. પ્રોપર્ટી એજન્ટ કમલ દીવાનના સસરા કર્નલ રાજકપૂર (રિટાયર્ડ થઈને) પોતાના કર્મક્ષ્ોત્રને શ્રધ્ધાંજલિ આપતી સિરિયલ ફૌજીની તૈયારી કરતા હતા. જમાઈએ શાહરુખની મુલાકાત સસરા સાથે કરાવી અને આપણા એસઆરકેને એવી સિરિયલ મળી, જેણે તેની અંગત લાઈફ અને કેરિયરમાં ચાર ચાંદ લગાવી દીધા.
આ સિરિયલના પફોર્મન્સે શાહરુખને ટેલિવિઝન ફર્ટીનિટીમાં લાઈમ લાઈટમાં તો મૂકી જ દીધો પણ ૩૦ વરસ પહેલાં સેના સાથે જોડાયેલાં એક બીજા શખ્સ પણ તેને સિરિયલને કારણે ઓળખતાં થઈ ગયા. તેમનું નામ રમેશકુમાર છિબ્બા. નેશનલ ડિફેન્સ એકેડેમીમાં સ્નાતક થઈને મેજર બનેલાં રમેશ છિબ્બા પછીથી વોલન્ટરી રિટાયરમેન્ટ લઈને વસ્ત્રો એક્સપોર્ટ કરવાનો બિઝનેશ કરતા હતા. સંયુક્ત કુટુંબ હતું. રમેશ છિબ્બા કે તેમના પત્ની અત્યંત ધાર્મિક નહોતા પણ દીકરીને એક મુસ્લિમ યુવક સાથે અફેર હોવાની વાતે તેમને ખળભળાવી મૂક્યા હતા. શાહરુખ -ગૌરી ૧૯૮પથી એકબીજાના પરિચયમાં આવ્યાં પછી પ્રેમમાં પડયા હતા પણ લફરું છાનેખૂણે ચાલતું હતું. ફૌજી સિરિયલ છિબ્બા પરિવારમાં પણ જોવાતી હતી. શરૂઆતમાં તો રમેશ છિબ્બાનો સ્પષ્ટ મત હતો કે, આ છોકરો દિલીપકુમારનો નકલચી જ છે. (લતિફા પણ માનતી કે શાહરૂખ દિલીપકુમાર જેવો જ લાગે છે અને આ બાબતમાં માતા ખોટી નહોતી ) જો કે તેર એપિસોડની આ સિરિયલ પૂરી થઈ ત્યાં સુધીમાં રમેશ છિબ્બા મનોમન સ્વીકારી ચૂક્યા હતા કે, છોકરો (શાહરુખ) ફૌજીનું પાત્ર સરસ રીતે ભજવે છે.
પરંતુ પરદા પર લાજવાબ લાગતાં કલાકારો અંગત જીવનમાં સાવ જુદા પણ હોય છે. શાહરુખાની પઝેસિવનેશથી કંટાળીને ગૌરી એક વખત તેને કહ્યા વગર મુંબઈ આવી ગઈ ત્યારે એસઆરકે રઘવાયો થયો હતો. મા લતિફાએ ત્યારે દશ હજાર રૂપિયા આપીને દીકરાને મુંબઈ મોકલેલો કે, મુંબઈ જાઓ ઔર ઉસે (ગૌરીને) વાપસ લે આઓ… શાહરુખ પોતાના મિત્ર બેની થોમસ સાથે મુંબઈ આવ્યો. બે દિવસ મિત્રના મિત્ર રમન મુખરજીના એપાર્ટમેન્ટમાં રહ્યાં પણ રમણના માતા-પિતા આવ્યા એટલે હોટેલમાં જવું પડયું. પૈસા ખૂટી ગયા એટલે એક રાત વી. ટી. સ્ટેશન પર જ જાગતા સુતાં. છેલ્લે દિવસે શાહરુખે પોતાનો કેમેરો વેચવો પડયો પણ હજુ સુધી ગૌરી મળી નહોતી. એ દિવસે એક શીખ ટેક્સી ડ્રાયવરે સૂચવ્યું કે મલાડ પાસે અક્સા નામનો પણ જાણીતો બીચ છે. શાહરુખ અને બેની લાસ્ટ ચાન્સ તરીકે ત્યાં ગયા અને… શાહરૂખ ખાન લેખક મુસ્તાક શેખને કહે છે કે, એ ત્યાં હતી. એક ટિ-શર્ટ પહેરીને પાણીમાં ઊભી હતી. (મને જોઈને) એ મારી પાસે આવી. અમે ભેટી પડયા અને ખૂબ રડયા… એ ક્ષ્ાણે મેં વધુ તીવ્રતાથી અનુભવ્યું કે હું ગૌરીને કેટલો પ્રેમ કરું છું.
એક તરફ દિલ કા મામલા થા તો બીજી તરફ બેરી જહોનનું થિએટર એકશન ગ્રૂપ (ટેગ) હતું. શાહરુખે ટેગ સાથે લગભગ પાંચ વરસ કામ ર્ક્યું પણ ખુદ બેરી જહોનના કહેવા પ્રમાણે, તેણે ખાસ કશું ઉકાળ્યું નહોતું. દરઅસલ શાહરુખની એનર્જી અને ઉછળકૂદ અને ઉતાવળ જ એવી રહેતી કે તેને ગંભીર કિરદાર માટે વિચારી શકાય તેમ જ નહોતું. શાહરુખને મોટાભાગે બાળકો માટેના ડ્રામામાં જ લેવામાં આવતો. ઓલ્ડ કિંગ કોલ અને ધ ઈન્ક્રેડિબલ વેનિશિંગ જેવા હાસ્ય નાટકમાં તેને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યો હતો. કદાચ,
એથી જ બેરી જહોને શાહરુખ ખાનને કહેલું કે, તારે તો ફિલ્મોમાં કામ કરવું જોઈએ અને…
દિલ્હીમાં જ એક તક શાહરુખ ખાનને મળી. ૧૯૮૮માં સુપ્રસિદ્ધ લેખિકા અને ચળવળકાર અરુંધતી રોયએ ઈન વિચ એની ગિવ્સ ઈટ વોઝ વન્સ નામની ફિલ્મ બનાવેલી, જેનું નિદર્શન પ્રદીપ કૃષ્ણએ કરેલું. ૧૯૭૭ની પુષ્ઠ ભૂમિવાળી આ ફિલ્મની ભાષ્ાા હિંગ્લીશ હતી. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ફાયનાન્સથી બનેલી આ ફિલ્મના મુખ્ય અભિનેતા અર્જુન રૈના અને ખુદ અરુધંતી રોય હતા. શાહરુખને એમ કે તેને બીજું મહત્વનું પાત્ર અપાશે પણ એ ૠતુરાજને અપાયું અને એસઆરકેને મળ્યું કોલેજના સિનિયર વિદ્યાર્થીનું કેરેકટર. જેના માત્ર ચાર જ સીન હતા. બે સીનમાં તો તેણે બેકગ્રાઉન્ડમાં માત્ર ઊભું રહેવાનું જ હતું. દૂરદર્શન પર દેખાડવામાં આવેલી આ ફિલ્મથી શાહરુખ ખાન અપસેટ થઈ ગયો હતો કારણ કે તેને સિનિયર આર્ટિસ્ટ તરીકે આમંત્રવામાં આવેલો પણ જૂનિયર આર્ટિસ્ટ જેવું કામ અપાયું હતું… શાહરુખ ખાન એટલો હર્ટ થયેલો હતો કે ૧૯૯૭માં અરુંધતી રોયને (ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે) બુકર પ્રાઈઝ મળ્યું ત્યારે તેને સન્માન સમારોહના પ્રમુખ બનવાનું કહેવામાં આવ્યું હતું. શાહરુખે ના પાડી દીધી હતી.