પહેલી જાન્યુઆરીની નવા વર્ષના પ્રથમ દિવસની વહેલી સવારે રાજધાની દિલ્હીમાં હિટ એન્ડ રન કેસમાં 20 વર્ષીય મહિલા અંજલિ સિંહનું દુઃખદાયક મૃત્યુ થયું હતું. અંજલિ તેની માતા અને ભાઈ-બહેનોના પરિવારની એકમાત્ર કમાણી કરનાર હતી. બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનું એનજીઓ મીર ફાઉન્ડેશને દિલ્હી અકસ્માત પીડિતા અંજલિ સિંહના પરિવારને કેટલીક રકમ દાન કરીને ટેકો આપ્યો છે.
એક અહેવાલ મુજબ શાહરૂખ ખાનના મીર ફાઉન્ડેશને અંજલિ સિંહના પરિવારને એક નિશ્ચિત રકમનું દાન કર્યું છે. 20 વર્ષીય અંજલિએ દિલ્હીના કાંઝાવાલામાં એક ક્રૂર હિટ એન્ડ રનમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. મીર ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતી સહાયનો ઉદ્દેશ્ય પરિવારને મદદ કરવાનો અને ખાસ કરીને અંજલિની માતાને તેની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરવાનો છે.
મીર ફાઉન્ડેશન એ એક એનજીઓ છે, જેનું નામ શાહરૂખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મહિલાઓને સશક્ત બનાવવા માટે સમાજમાં જમીની સ્તરે પરિવર્તન લાવવાનું કામ કરે છે. ભૂતકાળમાં, મીર ફાઉન્ડેશને વંચિત મહિલાઓ અને બાળકોને સહાય પૂરી પાડી છે.
ઉલ્લેખનીય છે કે નવા વર્ષની મધરાતે અંજલિના સ્કૂટરને એક કારે ટક્કર મારી હતી અને તેને શહેરના રસ્તાઓ પર વાહનની નીચે 12 કિલોમીટરથી વધુ સુધી ખેંચવામાં આવી હતી. જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ કેસના સાત આરોપીઓ હવે દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે.
શાહરૂખ ખાનની એનજીઓએ કાંઝાવાલા કેસની મૃતક અંજલિ સિંહના પરિવારને આર્થિક મદદ કરી
RELATED ARTICLES