Homeઉત્સવશાહરુખ ખાન: ધ બેસ્ટ રીવેન્જ ઈઝ મેસિવ સક્સેસ

શાહરુખ ખાન: ધ બેસ્ટ રીવેન્જ ઈઝ મેસિવ સક્સેસ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

૨૦મી સદીની પોપ (પોપ્યુલર) મ્યુઝિકની દુનિયામાં એક મશહૂર નામ ફ્રેંક સિનાત્રાનું હતું. જેની હરીફાઈમાં એલ્વિસ પ્રેસ્લી, બીટલ્સ અને માઈકલ જેક્શન જેવા ગાયકો જ ઊભા રહી શકે તેમ હતા તેવો સિનાત્રા અભણ મા-બાપના ખોળે મોટો થયો હતો. તેને નાનપણથી ગાવાનો શોખ હતો અને સંગીતની (અને પછી પાછળથી) હોલિવૂડની દુનિયામાં એવું નામ કમાયો હતું કે અમેરિકા અને બાકી દુનિયાની એક આખી પેઢીનો આદર્શ બની ગયો હતો.
તેનું એક પ્રસિદ્ધ વિધાન છે; ધ બેસ્ટ રીવેન્જ ઈઝ મેસિવ સકસેસ-સૌથી શ્રેષ્ઠ બદલો તોતિંગ સફળતા છે. આપણી સાથે અન્યાય થયો હોય તો આપણી અંદર રોષ પેદા થાય તે સ્વાભાવિક છે. જીવન આદર્શ નથી હોતું. આપણે આપણા સંજોગો અને આજુબાજુના માણસો પર નિર્ભર હોઈએ છીએ.
એ બધા જ આપણને અનુકૂળ હોય તે જરૂરી નથી. માણસો ખુદનાં હિતો માટે કામ કરતા હોય છે અને એમાં આપણને અન્યાય થાય તે શક્ય છે. આપણને એવું થાય કે મારી સાથે આવું કેમ થયું? આપણે મહેનત કરી હોય, નિષ્ઠાથી કામ કર્યું હોય અને છતાં આપણને ધાર્યું પરિણામ ન મળે. તેવા સમયે નિરાશ થઇ જવું કે ગુસ્સે થઇ જવું સહજ છે.
દુનિયામાં જેટલા પણ વિદ્રોહીઓ
છે તેમને કોઈને કોઈ સમયે અન્યાય અને નિષ્ફળતાનો અહેસાસ થયો હતો. વિદ્રોહ અન્યાયમાંથી જ આવે છે. અન્યાય તમને નિરાશાથી ભરી દે છે. નિરાશા સારી પણ છે અને ખરાબ પણ. એ તમને નકારાત્મકતાથી ભરી દે અને બધું તોડફોડ કરવા પ્રેરે અથવા એ તમને કંઇક કરવા માટે સકારાત્મક ધક્કો મારે.
એવી કોઈ સફળ વ્યક્તિ નથી જેણે જીવનમાં નિષ્ફળતાનો સામનો કર્યો ન હોય. ઇન ફેક્ટ, જે સૌથી સફળ અને લોકપ્રિય લોકો છે તેમણે વારંવાર નિષ્ફળતાઓનો સામનો કર્યો હોય છે. આપણી અને તેમની વચ્ચે ફરક એ છે કે તેમણે નિષ્ફળતા સામે હાર માની નહોતી. તેમણે નિષ્ફળતાનો બદલો સફળતાથી લીધો હતો.
આ વાતનું તાજું ઉદાહરણ એકટર શાહરુખ ખાન છે. છેલ્લા ઘણા સમયથી બોલિવૂડના આ બાદશાહનો સમય સારો ચાલતો નહતો. તેની છેલ્લી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ચેન્નાઈ એકપ્રેસ’ ૨૦૧૩માં આવી હતી. એ પછી ૨૦૧૪માં હેપ્પી ન્યૂયર, ૨૦૧૬માં ડીયર જિંદગી અને ૨૦૧૭માં રઈશ ઠીકઠાક ચાલી હતી. એ પછી જબ હેરી મેટ સેજલ અને ઝીરો તદ્દન ધોવાઇ ગઈ હતી.
બાકી હોય તેમ, તે જમણેરી રાજકારણની નિશાન બન્યો હતો. સોશ્યલ મીડિયામાં લગાતાર તેને ટ્રોલ કરવામાં આવતો હતો. ગાયિકા લતા મંગેશકરના અંતિમ સંસ્કાર યાદ છે? તે વખતે શાહરૂખે તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે દુઆ માગી હતી અને દુષ્ટ આત્માના પ્રભાવથી સદગતને બચાવવાની રસમ મુજબ હથેળીમાં ફૂંક મારી હતી. જમણેરી ટ્રોલ્સે તેને તે થૂંક્યો છે કહીને જબ્બર ટ્રેન્ડ ચલાવ્યો હતો.
શાહરુખ ખાનના જીવનનું બીજું સૌથી મોટું સંકટ તેના દીકરા આર્યનની ડ્રગ્સ કેસમાં ધરપકડ હતી. મુંબઈના નારકોટીકસ બ્યુરોએ ઑક્ટોબર ૨૦૨૧માં એક ક્રુઝ પાર્ટી પર દરોડો પાડીને આર્યન અને અન્ય ૧૩ છોકરાઓને પકડ્યા હતા. આર્યનને ૨૦ દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો અને અંતે મુંબઈ હાઇ કોર્ટે સબૂતોના અભાવમાં આર્યનને છોડી મુક્યો.
એ પછી નારકોટીકસ બ્યુરોએ પણ પછી તેની સામે આરોપો પડતા મુક્યા હતા. એ કેસ મીડિયામાં બહુ ચગ્યો હતો. એ કેસમાં એટલા ઉતાર-ચઢાવ આવ્યાં હતા કે આખો મામલો સંદિગ્ધ બની ગયો હતો. ત્યાં સુધી કે નારકોટીકસ બ્યુરોના વડા સમીર વાનખેડેનું નામ બ્લેકમેઈલર તરીકે ઊછળ્યું હતું અને તેમની બદલી કરવામાં આવી હતી.
એક પિતા તરીકે શાહરુખ માટે સૌથી પીડાદાયક દિવસો હતા. તેણે કોઈને કોઈ જવાબ આપ્યા વગર અને કાનૂની લડાઈ લડીને એના દીકરાને છોડાવ્યો હતો. એ સમય કોરોનાની મહામારીનો પણ હતો. કામ બંધ હતું. શાહરૂખની એક ફિલ્મ ‘પઠાણ’ની ૨૦૨૦માં જાહેરાત થઇ હતી. યશ રાજ બેનર તળે બની રહેલી આ ફિલ્મને મહામારી નડી હતી, પણ અંગત, વ્યવસાયિક અને મહામારીના અવરોધો વચ્ચે ફિલ્મ માર્ચ ૨૦૨૨માં તૈયાર થઇ હતી.
એનું ટ્રેલર જારી થયું પછી શાહરૂખ સામે ફરી વિવાદ થયો. અમુક રાજકારણીઓએ ‘પઠાણ’ ફિલ્મના ‘બેશરમ’ ગીતમાં દીપિકાની ભગવા રંગની બિકિનીએ ભગવા રંગનું અપમાન કર્યું છે એમ કહીને ફિલ્મનો બહિષ્કાર કરવા એલાન કર્યું. થોડા જ વખતમાં ‘પઠાણ’ સામે એટલો મોટો વિવાદ ઊભો કરી દેવામાં આવ્યો કે શાહરૂખ ખાને જાતે સંબંધિત લોકોને ફોન કરીને શાંતિથી ફિલ્મ રિલીઝ થવા દેવાની વિનંતી કરવી પડી. ભગવા રંગને બિકિની સાથે જોડી દેવાનો પ્રયાસ પણ એટલો નિમ્ન કક્ષાનો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કરવી પડી કે દર વખતે ફિલ્મો પર ટીકા-ટિપ્પણી કરવી જરૂરી નથી.
‘પઠાણ’ શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ હતી. ફિલ્મ બોક્સ ઑફિસ પર સફળ જાય તે ફિલ્મ સાથે જોડાયેલા લોકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જરૂરી તો હતું જ, પણ શાહરૂખ ખાન અંગત રીતે જે પરિસ્થિતિમાંથી પસાર થયો હતો તેના જવાબ રૂપે પણ તે સફળ થાય તે જરૂરી હતું. અને એવું જ થયું. ફિલ્મ રિલીઝ થવાના થોડા જ દિવસો પહેલાં તેણે તેના ચાહકોની ટ્વિટર પર કહ્યું હતું, અપની કુર્સી કી પેટી બાંધ લીજીએ.
એ તેનો અતિઆત્મવિશ્ર્વાસ નહોતો. એ ફિલ્મની તોતિંગ સફળતા અંગેની આગોતરી ચેતવણી હતી. તેણે ૩૨ વર્ષની તેની રોમેન્ટિક હીરોની કારકિર્દીમાં એક્શન હિરો તરીકે વાપસી કરી હતી. એ વાપસી રેકોર્ડ બ્રેકિંગ હતી. પહેલા જ દિવસથી શરૂ કરીને, ‘પઠાણે’ બોક્સ ઓફિસ પર તમામ હિન્દી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. ૨૫૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મે પહેલા ૧૦ દિવસમાં ૭૦૦ કરોડની કમાણી કરી હતી.
આ માત્ર ફિલ્મની વાત નથી. ફિલ્મની દૃષ્ટિએ ‘પઠાણ’ કોઈ મહાન ફિલ્મ પણ નથી, પરંતુ તેની સફળતાના બીજા અનેક સૂચિતાર્થો છે. એક તો ઘણા વખતથી બોયકોટ ‘બોલિવૂડ’નો એક ટ્રેડ ચાલ્યો છે તેની બોલતી બંધ થઇ છે. ‘પઠાણ’ની સફળતા પછી માહિતી-પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહેવું પડ્યું કે ફિલ્મો સામેનું આ બોયકોટ ચલણ ભારતના સોફ્ટ પાવરને નુકસાન કરે છે.
બીજું, શાહરુખ સામે જે નફરતની ફસલ વાવવામાં હતી તે કાયમ માટે સુકાઈ ગઈ. ‘પઠાણ’ની વિશ્ર્વવ્યાપી સફળતાએ શાહરુખને એટલી ઊંચાઈ પર મૂકી દીધો હતો કે તેને હવે આ અમુક લોકોની નફરત અડવાની નહોતી. શાહરૂખે તેની સામેના વિરોધનો બોલીને કે નારાજ થઇને નહીં, પરંતુ એક તોતિંગ ફિલ્મ આપીને જવાબ આપ્યો હતો.
ફિલ્મની સફળતા પછી મીડિયા સાથે વાત કરતા શાહરૂખ ખાને કહ્યું હતું, ચાર વર્ષ ખરાબ હતાં. મહામારી હતી. મારી પાસે કામ નહોતું. હું મારાં સંતાનો સાથે હતો. મેં એમને મોટાં થતાં જોયાં. મારી છેલ્લી ફિલ્મ ચાલી નહોતી. લોકો કહેતા હતા કે મારી ફિલ્મો હવે નહીં ચાલે, પણ આ ચાર દિવસમાં એ ચાર વર્ષ ભુલાઈ ગયાં છે.
આમાંથી એક જ વાત ગાંઠે બાંધવા જેવી છે; ધ બેસ્ટ રીવેન્જ ઈઝ મેસિવ સકસેસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular