લો બોલો! રોમાન્સના બાદશાહને રોમાન્ટિક ફિલ્મો નથી કરવી

ફિલ્મી ફંડા

Mumbai: બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન એક રોમાન્ટિક આઈકોન તરીકે લોકપ્રિય છે. ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી અઢળક રોમાન્ટિક ફિલ્મોમાં કામ કરીને તે રોમાન્સનો બાદશાહ બન્યો છે. જોકે, હવે તે રોમાન્ટિક ફિલ્મોમાં કામ કરવાના મૂડમાં નથી. એક કાર્યક્રમ દરમિયાન કિંગ ખાને જણાવ્યું હતું કે, હવે રોમાન્ટિક ફિલ્મો કરવાના મૂડમાં નથી, હવે હું બૂઢો થઈ ગયો છું. ખૂબ જ નાની અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરવું એ મને અજીબ લાગે છે. ઘણા વર્ષો પહેલા હું એક ફિલ્મ કરી રહ્યો હતો અને મારી એક્ટ્રેસ ખૂબ જ નાની હતી. તેની સાથે રોમાન્ટિક સીન કરવો મને અજીબ લાગ્યું હતું, પરંતુ એક અભિનેતાને એ કલ્પના કરવી પડે કે હું તેની ઉંમરનો જ છું. એવું બની શકે કે રાહુલ કે રાજ જેવા પાત્રો નાની ઉંમરના લોકો માટે હોય. મને એવું લાગે છે કે હવે હું રોમાન્ટિક ફિલ્મો કરવા માટે ખૂબ જ બુઢો થઈ ગયો છું.
વાતના દોરને આગળ વધારતા શાહરુખ ખાને જણાવ્યું હતું કે, જ્યારે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું કે લોકો મને પાત્રોના ના નામથી ઓળખશે. મારી આગામી ફિલ્મ ‘પઠાન’માં તમને મારી ઝલક જોવા મળશે. કારણ કે હું પણ એ ફિલ્મમાં દેખાતા પઠાનની જેમ જ મહેસૂસ કરું છું.
SRKએ વધુમાં જણાવ્યું હતું કે, મારું માનવું છે કે જેટલું સંભવ હોય એટલું કામ કરવાની કોશિશ કરવી જોઈએ, કારણ કે પહેલી વાર જ્યારે મેં ‘ફૌજી’ સિરિયલમાં કામ કર્યું હતું ત્યારે હું રિક્ષામાં જતો હતો અને બે મહિલાએ મને જોઈને બૂમ પાડી અભિ (સિરિયલમાં તેના પાત્રનું નામ). તે સમયે મેં વિચાર્યું કે, મારું કામ લોકોના ચહેરા પર ખુશી લાવે છે. ત્યારબાદ મેં અભિનયને વધુ ગંભીરતાથી લઈને કામ કર્યું. ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકા થઈ ગયા એ જાણીને આશ્ચર્ય થાય છે કે સમય કેટલો જલદી પસાર થઈ જાય છે. હું વધુમાં વધુ 10 ફિલ્મો અને કેટલાક વર્ષો માટે કામ કરવાની આશાએ મુંબઈ આવ્યો હતો. જો અભિનયમાં મારું નસીબ ન ઝળક્યું તો ફિલ્મ લાઈનમાં કોઈપણ ક્ષેત્રે નોકરી મેળવવાની પણ તૈયારી રાખી હતી કારણ કે પહેલીથી જ મને ફિલ્મો બહુ પસંદ હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન ચાર વર્ષના લાંબા સમય બાદ કમબેક કરવા જઈ રહ્યો છે. તે ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ ફિલ્મમાં દમદાર પાત્રો ભજવતો જોવા મળશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.