ઘાટકોપરના ગુજરાતી વેપારીએ વીડિયો કૉલ સામે નિર્વસ્ત્ર થવાની કિંમત ચૂકવી છ લાખ રૂપિયા!

આમચી મુંબઈ

યોગેશ સી. પટેલ

મુંબઈ: ઘાટકોપરના ૬૭ વર્ષના ગુજરાતી વેપારીએ વીડિયો કૉલ પર ફૂટડી સામે નિર્વસ્ત્ર થવાની કિંમત છ લાખ રૂપિયા ચૂકવવી પડી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. દિલ્હી પોલીસના સ્વાંગમાં આરોપીએ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો રોકવા સહિત વિવિધ કારણો રજૂ કરી વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આટલેથી ન અટકતાં વીડિયો કૉલ કરનારી યુવતીએ આત્મહત્યા કરી હોવાથી તેના પરિવારજનોને આર્થિક મદદ કરવાને બહાને પણ વેપારી પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર છ લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા પછી પોતે સેક્સ્ટોર્શનનો ભોગ બન્યા હોવાની જાણ વેપારીને થતાં તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ઘાટકોપર પૂર્વમાં રહેતા અને કપડાંની દુકાન ધરાવતા સિનિયર સિટીઝન વેપારીએ નોંધાવેલી ફરિયાદને આધારે ટિળક નગર પોલીસે સોમવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ૧૧ જુલાઈની રાતે ફરિયાદીના વ્હૉટ્સઍપ પર એક મેસેજ આવ્યો હતો, જેનો ફરિયાદીએ રિપ્લાય પણ આપ્યો હતો. બીજા મેસેજમાં ફરિયાદીને બાથરૂમમાં જવાનું કહેવામાં આવ્યું હતું. મેસેજને અનુસરનારા ફરિયાદીને વીડિયો કૉલ આવ્યો હતો, જે રિસીવ કરતાં સામે છેડે યુવતી નિર્વસ્ત્ર હોવાનું નજરે પડ્યું હતું. યુવતીના કહેવાથી ફરિયાદી પણ નિર્વસ્ત્ર થઈ ગયા હતા, જેનું રેકોર્ડિંગ આરોપીએ કરી લીધું હતું.

બે દિવસ પછી દિલ્હી પોલીસના સ્વાંગમાં આરોપીએ ફરિયાદીને ફોન કર્યો હતો અને સંબંધિત અશ્ર્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો રોકવા રૂપિયાની માગણી કરી હતી. વિવિધ કારણો રજૂ કરી ફરિયાદી પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. અંતે વીડિયો કૉલ કરનારી યુવતીએ આત્મહત્યા કરી હોવાથી તેના મોબાઈલમાંથી બે અશ્ર્લીલ વીડિયો મળ્યા છે, જેમાંથી એક ફરિયાદીનો અને બીજો ગુજરાતના એક શખસનો હોવાનું આરોપીએ કહ્યું હતું.

ફરિયાદીનો વીડિયો ડિલીટ કરી ગુજરાતના શખસ પર દોષનો ટોપલો ઢોળવાને બહાને રૂપિયા માગવામાં આવ્યા હતા. એ સિવાય યુવતીના પરિવારજનોને આર્થિક મદદ આપવાની વાત કરી હતી. ડરી ગયેલા વેપારીએ ઑનલાઈન પેમેન્ટ ઍપ્લિકેશનથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તો અમુક રૂપિયા આરોપીએ જણાવેલા ખાતામાં બૅન્કમાં જઈને જમા કરાવ્યા હતા. આ રીતે છ લાખથી વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.