તાત્કાલિક મદદ: ભારતીય વાયુદળના જવાનો પૂરગ્રસ્ત વિસ્તારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી રહ્યા છે. ભારતીય વાયુદળે ગુવાહાટી અને જોરહટ ઍરપોર્ટથી સુપર હરક્યુલીશ અને એમઆઈ-૧૭ હેલિકૉપ્ટર દ્વારા રાહત સામગ્રી મોકલી હતી.
ગુવાહાટી: આસામમાં શનિવારે પણ પૂરની પરિસ્થિતિ ગંભીર રહી હતી અને કુલ મરણાંક ૧૧૮ પર પહોંચ્યો હતો, એમ અધિકારીઓએ કહ્યું હતું.
કાચર જિલ્લાનું સિલચર નગર સતત છઠ્ઠે દિવસે પણ પૂરના પાણીમાં ડૂબેલું રહ્યું હતું.
ભારે વરસાદને કારણે નિર્માણ પામેલી પૂરની પરિસ્થિતિ અને ભેખડો ધસી પડવાની બનેલી ઘટનાઓમાં છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૧૦ જણનાં મોત નીપજ્યાં હતાં.
બારપેટા, ધુબ્રી, કરીમગંજ અને અડાલગુડી પ્રત્યેક જિલ્લામાં બે, કાચર અને મોરીગામ પ્રત્યેકમાં એક વ્યક્તિ એમ કુલ ૧૦ જણનાં મોત થયાં હતાં.
રાજ્યના ૨૮ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને કારણે અસર પામેલા લોકોની સંખ્યાનો આંક ઘટીને ૩૩.૦૩ લાખ થયો હતો. (એજન્સી)