ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં નાસભાગ, અચાનક ટીન શેડ તૂટી પડતા ગભરાટ, અનેક ભક્તો ઘાયલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉજ્જૈનના રૂદ્રસાગર વિસ્તારમાં આવેલા મહાકાલ મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોમાં આજે નાસભાગ મચી ગઈ હતી. શ્રાવણનો સોમવાર હોવાથી હજારો ભક્તો અહીં બાબા મહાકાલના દર્શન કરવા આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે શ્રદ્ધાળુઓ ટીન શેડ નીચે ઉભા હતા. એકાએક ભક્તોની સંખ્યામાં વધારો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે ભીડને કારણે ટીન શેડ તૂટી પડ્યો હતો અને કેટલાક ભક્તો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી હતી. પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મોરચો સંભાળી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનો હોવાથી દેશ-વિદેશમાંથી હજારો લોકો મહાકાલેશ્વર મંદિરે દર્શન માટે આવતા રહે છે. (ઉત્તર ભારતમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં શ્રાવણ મહિનો 15 દિવસ વહેલો શરૂ થાય છે) જેને કારણે અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ હતી. ભીડને કારણે અનેક લોકો બેભાન થયા હોવાના સમાચાર પણ જાણવા મળ્યા છે. ભારે ભીડમાં સામાજિક અંતર જાળવવાના અને કોરોનાના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે.
મધ્ય પ્રદેશ રાજ્યના પ્રાચીન શહેર ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર મંદિર એ ભગવાન શિવને સમર્પિત એક હિંદુ મંદિર છે અને તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે, જે ભગવાન શિવનું સૌથી પવિત્ર નિવાસસ્થાન છે. અહીં લિંગ સ્વરૂપમાં ભગવાન શિવ સ્વયંભુ હોવાનું માનવામાં આવે છે. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર 80 દિવસના અંતરાલ પછી આ વર્ષે 28 જૂને ભક્તો માટે ફરી ખુલ્યું હતું. 9 એપ્રિલના રોજ મંદિરને જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું. આ મંદિર પવિત્ર શિપ્રા નદીની બાજુમાં આવેલું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.