‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન આખા દેશમાં દોડાવવાનો ડ્રીમ પ્રોજેક્ટ ભારત સરકાર જ નહીં, રેલવે મંત્રાલયનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના તમામ રાજ્યોમાં સેમી હાઈ સ્પીડ ટ્રેન (વંદે ભારત એક્સપ્રેસ) દોડાવવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત શુક્રવારે કોલકાતામાં વડા પ્રધાન નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.
રેલવે મંત્રાલયે આપેલી માહિતી અનુસાર 30મી ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન કોલકાતાના હાવડા સ્ટેશનથી જલપાઈગુડ્ડી માટે રવાના કરવામાં આવશે. આ પહેલા વડા પ્રધાને છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપીને અગિયારમી ડિસેમ્બરે ચાલુ કરી હતી. છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ નાગપુરથી બિલાસપુર વચ્ચે ચાલુ કરવામાં આવી હતી અને એને નાગપુરથી વડા પ્રધાન મોદીએ લીલી ઝંડી આપી હતી.
રેલવે મંત્રાલયના અહેવાલ અનુસાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ કલાકના 115 કિલોમીટરની સ્પીડ છે અને આગામી દિવસોમાં ટ્રેનોની સ્પીડ વધારાશે. આગામી દિવસોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કલાકના 160 કિલોમીટરની ઝડપથી દોડાવી શકાશે, જેમાં ઈર્મજન્સી બ્રેકિંગ ડિસ્ટન્સ અને બ્રેકિંગ સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, રેલવે સેફ્ટી કમિશનર (સીઆરએસ) દ્વારા પણ નવી સ્પીડના વર્ઝનનું ટેસ્ટિંગની ચકાસણી કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.