મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
અરબી ભાષાનો એક શબ્દ છે ‘સબઈપ્પહ’ જેનો આપણી ગુજરાતી ભાષામાં સરળ અર્થ થાય છે – ‘સાતનો આંકડો’. જેને પવિત્ર કુરાનની આયતો (વાક્યો)થી અત્રે રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે:
* અલ્લાહતઆલાએ સાત આકાશ બનાવ્યાં છે. તેના શણગાર માટે સાત ગ્રહો બનાવ્યાં છે. ધરતી પર સાત સમુદ્ર બનાવ્યાં છે.
* જહન્નમ (દોઝખ)માં સાત ખંડ બનાવ્યા છે, તેના નામ આ મુજબ છે: ૧. જહન્નમ, ૨. સઈર, ૩. સકર, ૪. જહીમ, પ્ર-હુતમાહ, ૬. લઝા અને ૭. હાવિયહ.
* જહન્નમના જુદા જુદા દરવાજા બનાવ્યા છે.
* કુરાન મજીદ પઢવા માટે સાત કિરઅતો (ઉચ્ચાર અદા કરવાની પદ્ધતિ) નક્કી છે.
* સુરએ ફાતેહાની આયતો સાત છે.
* મનુષ્યનાં સાત અવયવો મહત્ત્વના છે- બે હાથ, બે પગ, બે ગોઠણ અને એક મોઢું. (મોઢાં પર આંખ, કાન, નાક વિગેરે છે, તેનો સમાવેશ મોઢાના ભાગમાં આવી જાય છે.)
* સાત અવયવોને સાત પ્રકારની ફરજ માટે નક્કી કર્યાં છે: બંને હાથ દુઆ માટે, બંને પગ ખિદમત (સેવા) માટે, બંને ગોઠણ નમાઝમાં બેસવા માટે, અને મોઢું સિજદા (નમન, ઝૂકવા) માટે.
* મનુષ્યની ઉમરને સાત વિભાગમાં વહેંચી નાખી છે: ૧. રઝીઅ (તરતનું જન્મેલ બાળક), ૨. ફતમ (બે વરસનું ઘુંટણીએ ચાલતું બાળક). ૩. સિબી (માતાનું ધાવણ છોડાવ્યું હોય તે બાળક), ૪. ગુલામ (કિશોર અવસ્થાનું બાળક), ૫. શાબ (યુવાન વ્યક્તિ), ૬. કહલ (આધેડ ઉંમરની વ્યક્તિ) અને ૭. વૃદ્ધ વયની વ્યક્તિ.
* ઈમાન (સચ્ચાઈ)ની દૌલત સાત શબ્દોથી મળી છે તે સાત શબ્દો આ મુજબ છે: ‘લા ઈલા-હ ઈલ્લલ્લાહુ મુહમ્મદ દુર્રરસુલ્લાહ.’ અર્થાત અલ્લાહ એક માત્ર ઈબાદત પાત્ર છે અને તેના આખરી પયગંબર (સંદેશવાહક) હઝરત મુહમ્મદ છે.
* ધરતીના સાત ખંડ બનાવ્યાં છે, તેને ‘હફત ઈકલીમ’ કહેવામાં આવે છે. તે જુદા જુદા ખંડોમાં જુદા જુદા દેશો અને વિસ્તારો આવી જાય છે.
* સાત દિવસો બનાવ્યાં છે. તેમાં શનિવારને પયગંબર હઝરત મુસા અલયહિસ્સલામથી મહત્ત્વ મળ્યું. રવિવારને પયગંબર હઝરત ઈસા અલયહિસ્સલામથી, સોમવારને પયગંબર હઝરત દાઉદ અલયહિસ્સલામથી, મંગળવારને પયગંબર હઝરત સુલેમાન અલયહિસ્સાલમથી, બુધવારને પયગંબર હઝરત યાકુબ અલયહિસ્સ્સાલમથી, ગુરુવારને પયગંબર હઝરત આદમ અલયહિસ્સલામથી અને શુક્રવારના દિવસને પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના તુફેલ (દ્વારા) ફઝીલત (મહાનતા) મળી છે.
વ્હાલા વાચક મિત્રો! અલ્લાહતઆલાએ પોતાની પવિત્ર કિતાબ કુરાનમાં ફરમાવ્યું છે કે, ‘અલ્હમ્દો લીલ્લાહિ રબ્બિલ આલમીન! તેનો અર્થ એવો છે કે તમામ તારીફ (સર્વ પ્રશંસા) માત્ર અલ્લાહને માટે જ છે, જે દુનિયાઓનો માલિક છે. શબ્દ ‘આલમ’ (જગત) નહીં પણ ‘આલમીન’ વપરાયો છે. ‘આલમીન’ એટલે એક દુનિયા નહીં, પરંતુ ઘણી દુનિયાઓ. આપણી ગુજરાતી ભાષામાં ‘બ્રહ્માંડ’ શબ્દ છે, તે શબ્દ ‘આલમીન’ના અર્થને કંઈક સ્પષ્ટ કરે છે.
અત્યાર પહેલા આ ઘણી બધી દુનિયાઓ એટલે ‘બ્રહ્માંડ’ વિશે આપણને કોઈ માહિતી ન હતી. મુસલમાનોએ આ તમામ ‘બ્રહ્માંડ’ના હોવા વિશે કયામત (ન્યાયનો દિવસ) વિશે, ફરિશ્તાઓ (દેવદૂતો) વિશે પયગંબરો (અલ્લાહના સંદેશવાહકો) વિશે, અલ્લાહની આસ્માની કિતાબો, જેમ કે પયગંબરો હઝરત મુસા અલયહિ સ્સલામ પર નાઝીલ (આવેલી) ‘તૌરાત’, હઝરત દાઉદ અલયહિસ્સલામ પર આવેલી ‘ઝબૂર’, હઝરત ઈસા અલયહિરસલામ પર આવેલી ‘ઈંજલ’ (બાઈબલ) તથા સૌથી છેલ્લે આવેલ અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ પર નાઝિલ થયેલ ‘કુરાન મજીદ’ વિશે, જોયા વગર ઈમાન (આસ્થા) લાવવાનું છે અને એજ ખરું ઈમાન (સચ્ચાઈ) છે.
બોધ: * અલ્લાહતઆલાએ તુચ્છ દેખાતા ઈન્સાનને ઘણી ઝબરદસ્ત શક્તિઓ આપીને ‘અશરફુલ મખ્લુકાત’ (તમામ જીવોમાં સર્વશ્રેષ્ઠ) બનાવ્યો છે.
* અલ્લાહની ‘મખ્લુક’ (સૃષ્ટિ)માં હવા, આકાશ, દરિયા, પહાડ, ચંદ્ર, સૂરજ, તારાઓ બધું જ આવી ગયું.
* અલ્લાહે માનવીને આ તમામ મખ્લુકનો ‘અશરફ’ સજજન બનાવ્યો છે અને સર્વે મખ્લુકની ઉપર તેને શક્તિમાન બનાવ્યો છે. તેથી આપણે જોઈ શકીએ છીએ કે-
* હવા તેના કબ્જામાં છે અને એરોપ્લેેનો ઊડી રહ્યાં છે.
* દરિયો તેના કબ્જામાં છે અને
* સબમરીનો, સ્ટીમરો, હજારો ટનની આગબોટો, યુદ્ધજહાજો દરિયામાં ઘૂમી રહ્યાં છે અને એટલે જ આપણે આજના યુગને ‘વિજ્ઞાનનો યુગ’ કહી રહ્યા છે.
– હવે ‘માનવી’ જો વિજ્ઞાનની વધુ શોધો કરે અને ‘બ્રહ્માંડ’ની વધુ માહિતી શોધી કાઢે તો અલ્લાહે બક્ષેલી શક્તિથી માનવી કરી રહ્યો છે, તેમાં નવાઈ પામવા જેવું કશું નથી.
સનાતન સત્ય:
* આ દુનિયાના ચરખાને ચલાવનારો કોઈ છે અને તેજ અલ્લાહ (ઈશ્ર્વર, પ્રભુ, ગોડ, રબ) છે. આમીન.
(અલ્લાહની વહેદાનીયત – ખુદા માત્ર એક જ હોવાની કુરાન, હદીસ, શરીઅતની રોશનીમાં તૈયાર કરેલ આ માહિતીપ્રદ લેખનો બીજો ભાગ ઈન્શાહ અલ્લાહ (ઈશ્ર્વર ઈચ્છાધીન) આવતા અંકમાં વાંચી બોધ ગ્રહણ કરીશું.
– કબીર સી. લાલાણી
***
આજનો બોધ
દીકરીઓ જ્યારે મોટી, ઉંમરલાયક થઈ જાય ત્યારે શકની દીવાલ ઊંચી કરવાને બદલેે મોહબ્બતની રસ્સીને મજબૂત કરજો, કેમ કે મોહબ્બતની લગામ તરબિયત (સારી તાલીમ, સભ્યતા, સંસ્કાર) પર આંચ આવવા દેતી નથી. – અલ હદીસ