રોજ એક મુઠ્ઠી કિસમિસ ખાવાના સાત ફાયદા

પુરુષ

વિશેષ-મેધા રાજ્યગુરુ

આપણે બધાએ કિસમિસ (કાળી દ્રાક્ષ)નો સ્વાદ તો માણ્યો જ હોય છે. કિસમિસ મૂળ સ્વરૂપે દ્રાક્ષ હોય છે જેને તડકામાં અથવા ફૂડ ડિહાઈડ્રેટરમાં સુકાવવામાં આવે છે. કિસમિસનો અંગ્રેજી શબ્દ રેજન વાસ્તવમાં લેટિન શબ્દ રેસમેસમાંથી આવ્યો છે. તેનો અર્થ થાય છે દ્રાક્ષ અથવા જાંબુનો સમૂહ. એક ટન કિસમિસ પેદા કરવામાં ચાર ટનથી પણ વધારે દ્રાક્ષની જરૂર પડે છે. કિસમિસને લઈને ઘણી માન્યતાઓ છે, પરંતુ તેના ફાયદા દ્રાક્ષ જેટલા જ છે, કારણ કે બન્ને એક જ ફળ છે, કિસમિસ ડિહાઈડ્રેટેડ હોય છે.
જો તમે હાઈ કેલરી ચોકલેટ અને મીઠાઈ ખાવાના શોખીન છો તો કિસમિસ તમારા માટે સારો વિકલ્પ છે. તે તમારી ગળ્યું કે ખાંડ ખાવાની ઈચ્છાને પૂરી કરે છે એટલું જ નહીં, આકારમાં ઘણી નાની કિસમિસના ઘણા મોટા લાભ આરોગ્ય માટે છે. તો આવો જાણીએ કે રોજ મુઠ્ઠીભર કિસમિસ શા માટે ખાવી જોઈએ.
————————-
કબજિયાત દૂર કરવામાં મદદ કરે
આપણા પેટ માટે કિસમિસના એક નહીં અનેક ફાયદા છે. કિસમિસ ફાઇબરથી ભરેલી હોય છે, જે તમારા પેટ માટે ફાયદાકારક છે. કિસમિસ તમારા પેટને ભરેલું રાખવામા પણ મદદરૂપ થાય છે, જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
આ સાથે તે શરીરમાં ખરાબ કોલસ્ટરોલને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. રાતભર એક મુઠ્ઠી કિસમિસ પાણીમાં પલાળીને રાખવાની. સવારે ખાલી પેટ તે ખાઈ જવાની અને કિસમિસનું પાણી પણ પી જવાનું. કિસમિસનું પાણી પીવાથી પેટ સાફ રહે છે. કિસમિસનું સેવન કરવાથી અપચો, પેટમાં દુખાવો જેવા રોગથી રાહત મળે છે.
——————–
તમને ઊર્જા આપે છે
કિસમિસ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝથી ભરપૂર હોય છે અને આપણને ઊર્જા-તાકાત આપવાનું કામ કરે છે. વાસ્તવમાં આ એથ્લિટ્સ માટે ખાસ એવા કાર્બોહાઈડ્રેટ મેળવવાનો એક ક્વિક સોર્સ પણ છે. આને લીધે તે ખૂબ જ સારો એવો પ્રી-વર્કઆઉટ સ્નેક્સ પણ છે. કિસમિસ એ લોકો માટે પણ ફાયદાકરક છે, જેમની એનર્જી ઓછી રહે છે. તે શરીરને એનર્જી આપવાની સાથે હાડકાંઓને પણ મજબૂત બનાવે છે. કિસમિસમાં ફાઇબર, પ્રોટીન, આયર્ન, પોટેશિયમ, કોપર અને વિટામિન બી-૬ જેવાં પોષક તત્ત્વો જોવા મળે છે.
——————-
એનિમિયાને રોકે છે
કિસમિસ આયર્નનો સારો એવો સોર્સ છે. તે આયર્નની ઊણપથી થતી બીમારી એનિમિયાને રોકવાનું કામ કરે છે. આયર્ન રેડ બ્લડ સેલ્સને બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે અને તેને આખા શરીરના કોષોમાં ઓક્સિજન લઈ જવામાં
મદદરૂપ બને છે. હિમોગ્લોબિન બનાવવામાં કિસમિસ મહત્ત્વનો ભાગ ભજવે છે. એનિમિયાની ફરિયાદ દૂર કરવા માટે કિસમિસનું સેવન ફાયદાકારક થાય છે.
—————–
હાડકાં માટે લાભદાયી
કિસમિસમાં થોડા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. એમાં મિનરલ બોરોન પણ હોય છે. બન્ને હાડકાં અને ઘૂંટણને સ્વસ્થ રાખવા અને ઓસ્ટિયોપોરોસિસને રોકવા માટે મદદ કરે છે.
—————-
બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે
કિસમિસમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે, જે એક નેચરલ વાસોડિલેટર છે. આનો અર્થ એ છે કે કિસમિસ આપણી રક્તવાહિનીને આરામ આપે છે, લોહીનું ભ્રમણ
સુધારે છે અને બ્લડપ્રેશરને સ્થિર રાખે છે.
—————-
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
કિસમિસમાં વિટામિન અને મિનરલ્સ સાથે એન્ટિ-ઓક્સિડન્ટ અને પોલિફેનોલ જેવાં ઘણાં આવશ્યક તત્ત્વ હોય છે, જે આપણી સિસ્ટમમાં ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદરૂપ થાય છે.
—————-
ઓરલ હેલ્થ માટે ફાયદાકારક
ઓલેનોલિક એસિડ, લિનોલિક એસિડ અને લિનોલેનિક એસિડ – કિસમિસમાં આ ત્રણ મુખ્ય ફાઇટોકેમિકલ્સ હોય છે, જે મોઢામાં કેવિટીનું કારણ બનતા બેક્ટેરિયા સામે લડવા માટે જાણીતાં છે. એટલે જ શુગરવાળા સ્નેક્સફૂડના સ્થાને કિસમિસનું સેવન વાસ્તવમાં તમારા સ્મિતને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. કિસમિસ વિટામિન સી, સેલેનિયમ અને ઝિંક જેવાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે, જે તમારી ચામડી માટે પણ ફાયદાકારક છે. પોટેશિયમ સિવાય કિસમિસમાં મેગ્નેશિયમની પણ સારી માત્રા હોય છે. આ બન્ને આલ્કલાઈન મિનરલ્સ છે, જે શરીરમાં એસિડિટી ઓછી કરવામાં મદદ કરે છે. કિસમિસનું સેવન સલાડના ટોપિંગ તરીકે, પાસ્તમાં, ગ્રેનોલા, મોર્નિંગ ઓટ્સ અને દલિયામાં ભેળવીને, દહીં સાથે, કૂકીઝ, બ્રેડ અને મફિનમાં બેક કરીને પણ થઈ શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.