સેશન્સ કોર્ટે સામજીક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ DGP આરબી શ્રીકુમારની જામીન અરજી ફગવી

આપણું ગુજરાત

અમદાવાદની સેશન્સ કોર્ટે આજે 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે બનાવટી પુરાવાઓ ઉભા કરવાના આરોપસર ધરપકડ કરાયેલ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ DGP આરબી શ્રીકુમારની જામીન અરજીઓ ફગાવી દીધી હતી.
અગાઉ સુનાવણી દરમિયાન સરકાર પક્ષે આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરી સોગંધનામુ રજૂ કર્યું હતું, જેમાં તેમના પર ગુજરાત અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાના કાવતરાનો ઉલ્લેખ કરાયો હતો. જેના બાદ સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી 21 જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો હતો. એડિશનલ પ્રિન્સિપલ જજ ડી.ડી. ઠક્કરે ગયા અઠવાડિયામાં ત્રણ વખત મુલતવી રાખ્યા બાદ આજે જામીન અરજી પર ફેંસલો સંભળાવ્યો હતો.
નોંધનીય છે કે વર્ષ 2002ના ગુજરાત રમખાણો દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં ન્યાયની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ, પૂર્વ DGP શ્રીકુમાર અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.
સેશન કોર્ટમાં SITએ રજુ કરેલા સોગંદનામામાં આરોપ મૂક્યો હતો કે આરોપીઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની તત્કાલિન ભારતીય જનતા પાર્ટી(BJP) સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઇશારે કરવામાં આવેલા મોટા કાવતરાના ભાગીદાર હતા.
સરકારે આપેલા સોગંધનામામાં તિસ્તા સેતલવાડ પર ગુજરાત અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા સ્વ.અહેમદ પટેલે તિસ્તા સેતલવાડને તબક્કાવાર 30 લાખ રૂપિયા આપ્યા હોવાનું પણ સોગંદનામામાં જણાવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.