નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
“ગુજરાતમાં અઠ્ઠાવન, ભારતમાં લગભગ બસો’ને સાઈઠ અને સમગ્ર વિશ્ર્વમાં લગભગ ત્રણ હજારની આસપાસ જાતિઓ નોંધાઈ છે . . . એક આધુનિક શાળામાં મારું પ્રવચન ચાલુ હતું. સર્પો વિષેની પ્રાથમિક વાતો કર્યા બાદ હું ઉપરના શબ્દો બોલ્યો કે તરત જ હાયર સેક્ધડરીનો એક વિદ્યાર્થી ઊભો થઈને મને કહે કે સર અઠ્ઠાવન નહીં, પરંતુ ઓગણસાઈઠ છે. આખા સભા હોલમાં સોંપો પડી ગયો, મને આમંત્રિત કરનાર ટ્રસ્ટીઓ, શાળાના શિક્ષકો એ વિદ્યાર્થીની સામે ડોળા કાઢવા માંડ્યા. એક શિક્ષકે તો ઊંચા અવાજે અને કહ્યું કે ‘તને ખબર પડે કે સાપના એક્સપર્ટ આ સાહેબને?’ મે એ શિક્ષકોને વાર્યા કે મને વાત કરવા દોને. મેં એ બાળકને પૂછ્યું તારી વાત સાચી હોઈ શકે, પરંતુ મને એ કહે કે તને કેવી રીતે ખબર પડી ? એણે તરત જવાબ આપ્યો કે અમારા ઘરે પ્રકૃતિના સમાચાર આપતું એક મેગેઝિન આવે છે તેમાં એક લેખ આવેલો કે ગુજરાતમાં સર્પની નવી જાતિની ઓળખ થઈ. એટલે મેં વાત આગળ વધારતા કહ્યું કે ‘અમે પણ સર્પ વિજ્ઞાનીઓ નથી, પરંતુ આ વિષય પર અમને રસ હોવાથી તેની માહિતી મેળવતા રહી છીએ.’ તેથી આ બાળકની વાત એકદમ સાચી છે કે સર્પની જાતિઓ વિશે કદી છાતી ઠોકીને આંકડો કહી શકાય નહીં, કારણ કે શક્ય છે કે તે વખતે જ એક નવી જાતિ-પ્રજાતિની ઓળખ થઈ હોય અને તેની નોંધણી પણ થઈ હોય.
વાત જાણે એમ છે કે ગુજરાતમાં સર્પોની ઝેરી-બિનઝેરી એમ મળીને લગભગ સાઈઠ જેટલી જાતિઓ જોવા મળે છે. આ ‘જેટલી’ શબ્દ સર્પોની જાતિની સંખ્યા સાથે વાપરવો જ પડે, કારણ કે ઘણી વાર એવું પણ બને કે એક નવી જાતિની ઓળખ થઈ હોય અને તેના પરનું સંશોધન પેપર માન્ય થઈને પ્રગટ થયું હોય એટલે આંકડો બદલાઈ જાય, પરંતુ ઘણીવાર આ સંશોધન પેપરને બીજા કોઈ સર્પ વૈજ્ઞાનિક એટલે કે હાર્પીટોલોજીસ્ટ પડકારે, અને પુન:વિચારણામાં માલૂમ પડે કે એ કોઈ નવી જાતિ-પ્રજાતિ નથી. તો આંકડો ફરી ઠેરનો ઠેર. હવે આપણે એ જોઈએ કે કેવી પદ્ધતિથી સર્પોની જાતિઓની ઓળખ કરવામાં આવે છે.
સાપોની અલગઅલગ પ્રજાતિઓની સચોટ ઓળખ કરવા માટે અલગઅલગ પદ્ધતિઓ છે જેમાં જરૂર જણાય એ મુજબ અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ સંશોધકો કે સરીસૃપ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે. એક પદ્ધતિ બાહ્ય દેખાવ અને તેના રંગ અને શરીર પરની ડિઝાઇન અને રીતભાતના આધારે ઓળખવાની છે. આ ઉપરાંત સાપના શરીર પર ચામડીના સ્વરૂપે નાના ભીંગડાઓનું આવરણ હોય છે એ ભીંગડાઓની વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસર ગણતરી કરવામાં આવે છે, અને એ ગણતરીના આધારે સાપની પ્રજાતિની ઓળખ કરી શકાય છે. દરેક પ્રજાતિના સાપના શરીર પરના ભીંગડાઓની સંખ્યા અને આકાર અને રંગ મહદ અંશે અલગ અલગ હોય છે એટલે ટૂંકમાં એમ કહી શકાય છે માણસમાં જેમ ફિંગરપ્રિન્ટ દ્વારા સચોટ ઓળખ થઈ શકે છે તે જ રીતે સાપોમાં ભીંગડાઓ ફિંગરપ્રિન્ટનું કામ કરે છે. આ ઉપરાંત વધારે ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે સાપના શરીરમાંથી જુદાજુદા ભાગોમાંથી DNA મેળવીને આ DNA ના વિશ્ર્લેષણ દ્વારા પણ સાપના કુળ અને પ્રજાતિનું વર્ગીકરણ કે ઓળખાણ કરવામાં આવે છે.
હવે આવે છે મૂળ વાત, ગુજરાતમાં મને ખોટો પાડીને અઠ્ઠાવનમાંથી ઓગણસાઈઠ થયેલી સર્પોની જાતિઓનું લિસ્ટ આજે પણ હમણાં છેલ્લા બે ચાર વર્ષોમાં સાઈઠ અને તાજેતરમાં જ એકસઠ થયું છે. અને આ આંકડો વધવા માટે આપણો એક ગુજરાતી બંદો જ જવાબદાર છે. આ તો એ મિત્ર છે, પરંતુ તેને જ્યારે એક સાવ નવીજ પ્રજાતિ શોધીને આઈડેન્ટીફાઈ કરી ત્યારે મેં તેને ફોન કરીને અભિનંદન આપવાને બદલે ગાળો આપી હતી! એને મારા સ્વભાવની ખબર એટલે એણે મારા અભિનંદનની ધીરજપૂર્વક રાહ જોયેલી. એનું નામ છે જયદીપ મહેતા. અમરેલીના મેઘાણીના વતન એવા બગસરામાં જન્મેલો જયદીપ નાની વયથી જ સર્પો પ્રત્યે આકર્ષાયેલો અને ધીમે ધીમે વન વિભાગ સાથે જોડાઈને સર્પો બચાવવાની અને અન્ય સંશોધન પ્રવૃત્તિમાં સક્રિય બનેલો. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં રહેતા અજગરો (Python) પરના અભ્યાસ અને અજગર સંરક્ષણની કામગીરી પાછળ જીવનનો એક આખો દસકો સમર્પિત કર્યો છે અને જેના પરિણામે અત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ અને સાણંદનો વિસ્તાર અને એમાં પણ ખાસ કરીને વિરમગામ કે જે પહેલા વાયા વિરમગામ તરીકે જ ઓળખાતું હતું તે અત્યારે અજગરોનું શહેર એટલે કે PYTHON TOWN તરીકે ખ્યાતિ પામ્યું છે.
આ સંશોધનો દરમિયાન જયદીપે સાપની એક સાવ નવી જાતિની શોધ કરી. આ જાતિ ગુજરાતમાં અસ્તિત્વમાં તો હતી જ, પરંતુ તેની એક એવા સાપ તરીકે ઓળખ થઈ. ૨૦૧૬માં એક નવા કુળ(genus) સાથે સાપની એક નવી પ્રજાતિની શોધ કરવામાં આવી હતી એ પ્રજાતિ સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળી હતી. સાપની આ જાતિ માત્ર ગુજરાતમાં જ જોવા મળતી હોવાથી તેનું નામ ગુજરાતેન્સીસી રાખવામાં આવ્યું હતું જેનું કુળ સાથેનું પૂરું નામ Wallaceophis Gujaratensis છે અને ગુજરાતી નામ ‘વોલેસનો પટ્ટીત સાપ’ છે, આ સાપ મધ્ય ગુજરાતમાંથી મળી આવ્યો હતો અને ત્યાર બાદ તેના પર વૈજ્ઞાનિક પદ્ધતિથી જરૂરી સંશોધન કરીને ઓળખ કરવામાં આવી હતી જેમાં એ અભ્યાસમાં સામેલ બીજા સંશોધકોનો પણ ફાળો હતો. જેમ સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળતા હોવાથી ગૌરવની વાત છે તેમ જ આ સાપ Wallace’s striped race પણ હજુ સુધી માત્ર ગુજરાત પૂરતો જ સીમિત હોવાથી એ પણ ગૌરવપૂર્ણ બાબત જ છે.
આ સિવાય જયદીપનાં સંશોધનોના પરિણામે અગાઉ ઓળખાયેલા સર્પોની અમુક જાતિઓ જે ઉત્તર ગુજરાતમાં નોંધાયેલી તે
જાતિઓને પણ જયદીપે શોધી કાઢી છે. ઉત્તર ગુજરાતમાં જોવા મળતા સાપોની પ્રજાતિની સંખ્યા હવે ૨૫માં થી ૬ પ્રજાતિના વધારા સાથે ૩૧ થઈ છે.
૧.Red spotted royal snake (Spalerosophis arenarius).
– ટપકીલોરજવાડી
૨.Laudankia’s vine snake (Ahaetulla laudankia)
– ભુરીમાળણ .
૩ ..Common bronzeback tree snake (Dendralaphis tristis).
-તામ્રપીઠ
૪.Green vine snake /Long-nose vine snake (Ahaetulla oxyrhyncha).
– લીલીમાળણ.
૫. Bamboo pit viper (Craspedocephalus graminus)
– વાંસનોખડચિતળ.
૬.Dumeril’s black headed snake (Sibynophis subpunctatus)