સેન્સેક્સ ૯૦૫ પોઇન્ટ નીચે જઇને ૫૫૪ પોઇન્ટ પાછો ફર્યો અને ૩૬૧ પોઇન્ટ નીચી સપાટીએ સ્થિર થયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારને સપ્તાહના પહેલા દિવસે પણ રાહત મળી નથી. રોકાણકારો અમેરિકાના બેન્કિંગ સંકટને કારણે હજુ પણ ભયભીત જણાઈ રહ્યા છે. શેરબજારમાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ ૯૦૫ પોઇન્ટ નીચે જઇને ૫૫૪ પોઇન્ટ પાછો ફર્યો અને ૩૬૧ પોઇન્ટ નીચી સપાટીએ સ્થિર થયો છે. સોમવારે પણ ભારતીય શેરબજાર નેગેટિવ ઝોનમાં અટવાયેલું રહ્યું છે, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ વૈશ્વિક બેંકિંગ સિસ્ટમને કારણે સર્જાયેલા જોખમો વિશે ચિંતિત રહ્યાં છે. યુબીએસ ગ્રૂપ દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી ક્રેડિટ સુઈસના ઐતિહાસિક સ્વિસ સમર્થિત એક્વિઝિશનમના અહેવાલથી રોકાણકારોને થોડી રાહત મળી હતી, પણ તે રોકાણકારોના મતે પર્યાપ્ત નથી. ફાઇનાન્શિયલ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરોમાં જોરદાર ધોવાણ જોવા મળ્યું હતું. નિફ્ટીના ૫૦ શેરોમાંના ૪૫માં પીછેહઠ જોવા મળી છે. અદાણી જૂથે ગુજરાતમાં મુન્દ્રા ખાતે ૪.૨ બિલિયન પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ પર કામ સ્થગિત કર્યું હોવાના અહેવાલ વચ્ચે અદાણી ગ્રૂપના તમામ શેરો એવા અહેવાલથી ગબડ્યા હતા.