(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં વિશ્ર્વબજાર પાછળ ફરી એક વખત તેજીનો સંચાર જોવા મળ્યો હતો અને ત્રણ દિવસની મંદીને બ્રેક લાગી હતી. એક તબક્કે લગભગ ૧૦૦૦ પોઇન્ટની નજીક પહોંચીને અંતે બેન્ચમાર્ક ૮૪૭ પોઇન્ટના સુધારા સાથે સ્થિર થયો હતો અને રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૨૫ લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
સત્રને અંતે સેન્સેક્સ ૮૪૬.૯૪ પોઇન્ટ અથવા તો ૧.૪૧ ટકા વધીને ૬૦,૭૪૭.૩૧ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૨૪૧.૭૫ પોઇન્ટ અથવા તો ૧.૩૫ ટકાના ઉછાળા સાથે ૧૮,૧૦૧.૨૦ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
શેરબજારમાં ત્રણ દિવસના બ્રેક બાદ આવેલી તેજીમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩.૨૫ લાખ કરોડનો વધારો થયો હતો. માર્કેટ કેપ રૂ. ૨૮૩.૦૦ લાખ કરોડ રહ્યું હતું. જે શુક્રવારે રૂ. ૨૭૯.૭૫ લાખ કરોડના સ્તરે હતું. સેન્સેક્સની ૨૭ કંપનીઓ વધી અને માત્ર ત્રણ કંપનીઓ ઘટી હતી.
અમેરિકાના જોબ ડેટા અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના ડેટા સહેજ નબળા આવવાને કારણે ફુગાવાનું દબાણ ઘટવાની સંભાવના જોતા વ્યાજદ વધારવા બાબતે ફેડરલ રિઝર્વનું વલણ કૂણું પડશે એવી અટકળો પાછળ વોલ સ્ટ્રીટમાં ઉછાળો આવતા એશિયાઇ બજારોમાં પણ તેજી જોવા મળી હતી.
સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૫૬ ટકા, એચસીએલ ટેક ૩.૦૭ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૦૬ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ ૩.૦૫ ટકા અને ભારતી એરટેલ ૨.૬૯ ટકા વધ્યા હતા, જ્યારે ટાઈટન ૧.૯૭ ટકા, બજાજ ફિનસર્વ ૧.૨૪ ટકા અને મારૂતી ૦.૦૮ ટકા ઘટ્યા હતા.
આ સત્રમાં એ ગ્રૂપની એક કંપનીને ઉપલી સર્કિટ લાગી હતી અને બી ગ્રુપની ૨૧ કંપનીઓને ઉપલી અને ૧૭ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધાં ગ્રૂપની કુલ ૪૭૧ કંપનીઓમાંથી ૨૮૦ કંપનીઓને ઉપલી અને ૧૯૧ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.