(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ખાસ કરીને રોકાણકારોની બૅન્કિંગ, ઑટો અને એનર્જી સ્ટોક્સમાં લેવાલી નીકળતાં સતત બીજા સત્રમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૪૬૨.૨૬ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧૪૨.૬૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. એકંદરે સાપ્તાહિક ધોરણે સતત બે સપ્તાહ સુધી ઘટાડાતરફી વલણ જોવા મળ્યા બાદ વર્તમાન સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૨.૬૬ ટકા અથવા તો ૧૩૬૭ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૨.૬૪ ટકા અથવા તો ૪૦૫.૭૫ પૉઈન્ટનો સુધારો નોંધાયો છે.
આજે સત્રના આરંભે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૨,૨૬૫.૭૨ના બંધ સામે સુધારાના ટોને ૫૨,૬૫૪.૨૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૨,૪૪૭.૨૫ અને ઉપરમાં ૫૨,૯૦૯.૮૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૮૮ ટકા અથવા તો ૪૬૨.૨૬ પૉઈન્ટ વધીને ૫૨,૭૨૭.૯૮ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૫,૫૫૬.૬૫ના બંધ સામે સુધારાના ટોને ૧૫,૬૫૭.૪૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૫,૬૧૯.૪૫ અને ઉપરમાં ૧૫,૭૪૯.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૯૨ ટકા અથવા તો ૧૪૨.૬૦ પૉઈન્ટ વધીને ૧૫,૬૯૯.૨૫ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ આજે સત્ર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે ૬૪૪.૧૫ પૉઈન્ટ અને ૧૯૨.૬૦ પૉઈન્ટ સુધીનો ઉછાળો નોંધાયો હતો.
વૈશ્ર્વિક બજારોમાં સવારે કૉમોડિટીના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશો સાથે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક બજારમાં પણ માત્ર આઈટી અને ટેક્નોલોજી ક્ષેત્રના શૅરો સિવાય તમામ ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની લેવાલી રહેતાં સુધારાતરફી વલણ રહ્યું હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
તે જ પ્રમાણે રેલિગેર બ્રોકિંગ લિ.નાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે મુખ્યત્વે ફાઈનાન્સ, મેટલ્સ અને પીએસયુ ક્ષેત્રના શૅરોમાં લેવાલીને ટેકે સતત બીજા સત્રમાં બાઉન્સબૅક જોવા મળ્યું છે. હાલ બજાર તીવ્ર ઘટાડા બાદ કોન્સોલિડેશનના તબક્કામાંથી પસાર થઈ રહી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અત્યારે બજારને દિશા-નિર્દેશ આપે તેવા કોઈ સ્થાનિક પરિબળોનો અભાવ હોવાથી આગામી ચાલનો આધાર વૈશ્ર્વિક બજારો અને ક્રૂડતેલની વધઘટ પર અવલંબિત રહે તેમ જણાય છે.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૩ શૅરના ભાવ વધીને અને સાત શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૪.૨૮ ટકાનો ઉછાળો મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. આ સિવાય અન્ય વધનાર શૅરોમાં બજાજ ફાઈનાન્સમાં ૨.૫૮ ટકાનો, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૨.૪૯ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૨.૩૦ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૨.૦૨ ટકાનો અને ભારતી એરટેલમાં ૧.૬૭ ટકા વધી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય સેન્સેક્સ હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૧.૪૭ ટકાનો અને ટાટા સ્ટીલમાં ૧.૪૨ ટકાનો, સુધારો આવ્યો હતો, જ્યારે ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૦૩ ટકાનો ઘટાડો ટૅક મહિન્દ્રમાં જોવા મળ્યો હતો. આ સિવાય ઈન્ફોસિસમાં ૦.૭૭ ટકાનો, એચસીએલ ટેક્નોલોજીસમાં ૦.૫૦ ટકાન, ટીસીએસમાં ૦.૪૯ ટકાનો, વિપ્રોમાં ૦.૧૬ ટકાનો, સન ફાર્મામાં ૦.૦૭ ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૦.૦૪ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૬૦ ટકા અને મિડકેપ ઈન્ડેક્સમાં ૧.૫૩ ટકાનો સુધારો આવ્યો હતો. એકંદરે આજે બીએસઈ ખાતે ૨૪૦૧ શૅરના ભાવ વધીને ૯૦૬ શૅરના ભાવ ઘટીને અને ૧૪૧ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા.
વધુમાં આજે બીએસઈ ખાતેના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઈસીસ પૈકી માત્ર આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સમાં અનુક્રમે ૦.૫૯ ટકા અને ૦.૨૩ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જેમાં મુખ્યત્વે બીએસઈ ટેલિકોમ ઈન્ડેક્સમાં ૨.૫૩ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૧.૯૮ ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૭૬ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૧.૭૩ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૧.૬૮ ટકાનો અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૧.૪૭ ટકાનો સુધારો આવ્યો હતો. દરમિયાન આજે એશિયામાં ટોકિયો, સિઉલ, હૉંગકૉંગ અને શાંઘાઈની બજારોમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. તેમ જ મધ્ય સત્ર દરમિયાન યુરોપના બજારોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. આ સિવાય આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૧૧ ટકા વધીને બેરલદીઠ ૧૧૧.૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૩૧૯.૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
