(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરની વૃદ્ધિને પરિણામે વૈશ્ર્વિક બજારમાં આવેલી નબળાઇની અસરે સ્થાનિક બજારમાં પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં મસમોટા ગાબડાં જોવા મળ્યા હતા. સત્ર દરમિયાન ૯૬૨.૩૦ પોઇન્ટ અથવા તો ૧.૫૩ ટકા ગબડીને ૬૧,૭૧૫.૬૧ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ અંતે ૮૭૮.૮૮ પોઇન્ટ અથવા તો ૧.૪૦ ટકાના ઘટાડા સાથે ૬૧,૭૯૯.૦૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૨૪૫.૪૦ પોઇન્ટ અથવા તો ૧.૩૨ ટકાના સુધારા સાથે ૧૮,૪૧૪.૯૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
અમેરિકામાં ફેડ રિઝર્વે વ્યાજદરમાં ૫૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવા સાથે કહ્યું છે કે, આગામી વર્ષે વ્યાજદર વધીને ૫.૧ ટકા પર પહોંચી શકે છે. અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરી દીધો છે. ફેડરલના આ વલણને કારણે અમેરિકાના બજારો ગગડ્યા હતા અને તેની પાછળ એશિયાના બજારો પણ નરમ હતા, જેની અસર સ્થાનિક બજાર પર જોવા મળી હતી. સેન્સેક્સના શેરોમાં ટેક મહિન્દ્રા, ટાઇટન, ઇન્ફોસિસ, એચડીએફસી, આઇટીસી, ટાટા સ્ટીલ, એચડીએફસી બનેક, ટીસીએસ અને સ્ટેટ બેન્ક ટોપ લૂઝર રહ્યાં હતા અને માત્ર એમટીપીસી અને સન ફાર્માના શેરમાં સુધારો હતો.
કોટક મ્યુચ્યુઅલ ફંડે માર્કેટ આઉટલુક ૨૦૨૩ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, આગામી કેલેન્ડર વર્ષથી ભારતીય ઇક્વિટી બજારોમાં અસ્થિરતા જોવા મળે તેવી શક્યતા છે અને તે ઇક્વિટી માટે રોલર કોસ્ટર રાઇડ જેવું હશે. ત્રિમાસિક એસેટ અંડર મેનેજમેન્ટના ધોરણે દેશનું ચોથું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને ડેટ, ઇક્વિટી, રિયલ એસ્ટેટ અને કોમોડિટીઝ વચ્ચે ફંડ ફાળવવાની સલાહ આપે છે.
કોટક મ્યુચ્યુઅલ ફંડે જણાવ્યું હતું કે, આ ઇક્વિટીમાં લાભ લેવાનો સમય નથી. ઇક્વિટીમાં તટસ્થ ફાળવણી જાળવવાનો અને પ્રવેશની તક તરીકે કોઈપણ કરેક્શનનો ઉપયોગ કરવાનો આ સમય છે. અમે માર્જિનલ ઓવરવેઇટથી લાર્જ કેપ અને સ્મોલ અને મિડ-કેપ્સ પર માર્જિનલ અંડરવેઇટ સૂચવીએ છીએ.
મૂડીબજારમાં હલચલ ચાલુ છે. સુલા વાઈનયાર્ડ્સના આઈપીઓ અંતિમ દિવસે તે ૧૦૦ ટકા સબ્સક્રાઈબ થવામાં સફળ રહ્યો હતો. એલિન ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ૨૦ ડિસેમ્બરે ખૂલી રહી છે અને તેની પ્રાઇસ બેન્ડ ઈક્વિટી શેર દીઠ રૂ. ૨૩૪ થી રૂ. ૨૪૭ નક્કી થઇ છે. કંપની લાઇટિંગ, પંખા અને કિચન એપ્લાયન્સીસની મુખ્ય બ્રાન્ડ્સ માટે એન્ડ-ટુ-એન્ડ પ્રોડક્ટ સોલ્યુશન્સની ઉત્પાદક છે. લઘુત્તમ બિડ ૬૦ શેરની છે.
કેફિન ટેકનોલોજિસ લિમિટેડ ૧૯મી ડિસેમ્બરે પ્રારંભિક જાહેર ભરણા સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીના રૂ. ૧૦ પ્રત્યેકની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. ૩૪૭ થી રૂ. ૩૬૬ પર પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. ઑફર બુધવાર, ૨૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ બંધ થશે. બિડ ઓછામાં ઓછા ૪૦ ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ ૪૦ ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. કંપનીના શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે.
ડોલેક્સ એગ્રોટેક એનએસઈ ઇમર્જ પર મૂકાશે કેપ્ટિવ પાવર સહઉત્પાદન ક્ષમતાઓ સાથે ખાંડના ઉત્પાદન અને વેપારના વ્યવસાયમાં ડોલેક્સ એગ્રોટેક ૨,૪૩૮.૮૦ લાખનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યુ ૬,૯૬૮,૦૦૦ શેરનો છે અને શેર દીઠ રૂ. ૧૦ની ફેસ વેલ્યુ સાથે રૂ. ૩૫ની કિંમત છે, લોટ સાઈઝ ૪૦૦૦ શેર છે. ઇશ્યૂ ૧૫મી ડિસેમ્બરે ખુલે છે અને ૨૦મી ડિસેમ્બરે બંધ થાય છે. કંપનીના શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. એક્સપર્ટ ગ્લોબલ ક્ધસલ્ટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ ઇશ્યૂના લીડ મેનેજર છે અને સ્કાઈલાઈન ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
ગ્રાહકને ધિરાણ આપનાર ડિજિટલ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપે ક્રેડિટ ફેરે સ્ટેટ બેંક પાસેથી રૂ. ૧૫ કરોડનું કરજ ભંડોળ મેળવ્યું છે. આ ભંડોળ ક્રેડિટ ફેરને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર કસ્ટમર સર્વિસ વધારવા તેમજ ઉત્પાદન નાવિન્યને પ્રોત્સાહિત કરવાની તેની વૃદ્ધિ વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.
ફેડરલના કડક વલણથી સેન્સેક્સ ગબડ્યો, નિફ્ટી ૧૮,૪૫૦ની નીચે
RELATED ARTICLES