ફેડરલના ફફડાટ વચ્ચે ચાલુ રહેલા સતત બીજા સત્રમાં પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ ૪૯૮ પોઇન્ટ ગબડ્યો

શેરબજાર

મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ કડક નાણાં નીતિ અપનાવશે અને વ્યાજદરમાં મોટો વધારો કરશે એવી અટકળો વચ્ચે સતત બીજા દિવસે ચાલુ રહેલા પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકા જેટલું ગાબડું નોંધાયું હતું. આઇટી, બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ રહેતા સેન્સેક્સમાં ૪૯૮ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું અને નિફ્ટી ૧૬,૫૦૦ની અંદર ઉતરી ગયો હતો.
સત્ર દરમિયાન ૫૬૨.૭૯ પોઇન્ટ અથવા તો એક ટકાના ગાબડા સાથે ૫૫,૨૦૩.૪૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૪૯૭.૭૩ પોઇન્ટ અથવા તો ૦.૮૯ ટકાના ઘટાડા સાથે ૫૫,૨૬૮.૪૯ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૪૭.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૮૮ ટકાના ઘટાડા સાથે ૧૬,૪૮૩.૮૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. બજારનો અંડરટોન ઠંડો થઇ ગયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૨૨ શેરમાં પીછેહઠ જોવા મળી હતી. પાછલા શુક્રવાર સુધીના છ સત્રમાં પાંચ ટકા ઉછળેલા નિફ્ટીના ૫૦માંથી ૩૮ શેર રેડ ઝોનમાં સરક્યા હતા.
હેવીવેઇટ ટેક્નોલોજી શેરોમાં જોરદાર વેચવાલીનું દબાણ આવવાથી મંગળવારે ભારતના બ્લુ-ચિપ શેર ઇન્ડેક્સ નીચી સપાટીએ ગબડયા હતા. ઘણી લાર્જ કેપ કંપનીઓના કોર્પોરેટ રિઝલ્ટ અગાઉ રોકાણકારો આ અઠવાડિયે અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં થનારા સંભવિત વધારાની ભીતિ વચ્ચે સાવચેતીનું વલણ અપનાવી રહ્યાં છે.
વિશ્ર્વબજારમાં ફેડરલના વ્યાજદરના વધારાની જાહેરાત અગાુ સાવચેતીના માનસ વચ્ચે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ફેડરલના વ્યાજદર અગાઉ જ ૯.૧ ટકાના ચાર દાયકા ઊંચી સપાટીએ છે. એશિયામાં ટોકિયો સ્ટોક એક્સચેન્જમાં સાધારણ ઘટાડો હતો, જ્યારે શાંઘાઇ, સિઓલ અને હોંગકોંગ સ્ટોક એક્સચેન્જમાં સુધારો હતો. યુરોપના બજારોમાં મધ્ય સત્ર સુધી મોટેભાગે નરમાઇનો માહોલ રહ્યો હોવાના અહેવાલ હતા. અમેરિકાના શેરબજારોમાં સોમવારે મિશ્ર વલણ રહ્યું હતું. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧.૩૮ ટકાના ઉછાળા સાથે ૧૦૬.૬ ડોલર પ્રતિ બેરલ બોલાયા હતા. એફઆઇઆઇએ પાછલા સત્રમાં રૂ. ૮૪૪.૭૮કરોડના શેર વેચ્યા હતા.
રિસર્ચ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, રોકાણકારો થોભો અને જુઓના મોડમાં હોય તેવી શક્યતા છે કારણ કે તમામની નજર યુએસ ફેડરલ રિઝર્વના દરના નિર્ણય પર રહેશે. ફેડરલના સંભવિત ૭૫ બેઝિસ પોઇન્ટ વધારાની સંભાવના વચ્ચે એશિયન બજારોમાં પણ તનાવપૂર્ણ માહોલ રહ્યો હતો. અમેરિકાની જાયન્ટ કંપની રિટેલર વોલમાર્ટના નફાની ચેતવણીને કારણે સેન્ટિમેન્ટ ખરડાયું હતુ. ફુગાવા અને વૃદ્ધિ પર વોલમાર્ટની ટિપ્પણીઓ પછી, ફેડ પોલિસી મીટ પહેલા બજારની ચિંતા વધી છે, અને તે અપેક્ષા કરતાં વધુ સારી કમાણીની સિઝન હોવા છતાં સ્થાનિક બજારમાં તેની સેન્ટિમેન્ટલ અસર છવાઈ ગઈ છે. દરમિયાન, નવેમ્બરથી દર મહિને ભારે વિદેશી આઉટફ્લો પછી, ભારતીય ઇક્વિટીને સોમવાર સુધી આ મહિને ૫૨.૯૫ મિલિયનનો ચોખ્ખો ઇનફ્લો મળ્યો છે. અત્યાર સુધીના મહિના માટે નિફ્ટી અને સેન્સેક્સ લગભગ ૪.૫ ટકા ઉપર છે. એનાલિસ્ટ જણાવે છે કે, વૈશ્ર્વિક આર્થિક ક્ષિતિજ પર ઘેરા વાદળ એ વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિને અસર કરતી નિકટવર્તી યુએસ મંદીનો ખતરો છે. અમેરિકા મંદીમાં સરકી જાય છે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટ ચિત્ર નથી, પરંતુ વૈશ્ર્વિક વૃદ્ધિ મંદી અનિવાર્ય દેખાય છે. વોલ માર્ટની નફા દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે, જે કોર્પોરેટ કમાણી માટે આવનારા મુશ્કેલ દિવસોનો સંકેત છે. બજારના પીઢ નિરિક્ષકે કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા અત્યારે સ્થિતિસ્થાપક હોવા છતાં, વૈશ્ર્વિક વૃદ્ધિની મંદી ભારતને પણ અસર કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.