સેન્સેક્સ સત્રની ઊંચી સપાટી સામે ૭૧૦ પોઇન્ટ ગબડ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયા અને યુરોપના શેરબજારોમાં સુધારો રહ્યો હોવા છતાં સત્રના પાછલા ભાગમાં સેન્સેક્સ સંપૂર્ણ સુધારો ખંખેરીને દિવસની ઊંચી સપાટી સામે ૭૧૦ પોઇન્ટ ગબડ્યો હતો અને નિફ્ટી ૧૭,૫૫૦ની નીચે ખાબક્યો હતો. ખાસ કરીને આઇટી અને બેન્ક શેરોમાં સારી વેચવાલી જોવા મળી હતી. ગુરુવારના સત્રની સારી શરૂઆત બાદ મોટેભાગે સતત આગેકૂચ નોંધાવનાર સેન્સેક્સ અને નિફ્ટીમાં સત્રના અંતિમ તબક્કામાં એકાએક ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. તેજીના ટોન સાથે એકધારી આગેકૂચમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૭ ટકા જેવો સુધારો જોવા મળ્યો હતો.
પરંતુ ત્રણ વાગે શરૂ થયેલી વેચવાલીમાં સંપૂર્ણ સુધારો ગુમાવીને સેન્સેક્સ ૦.૧ ટકા અને નિફ્ટી ૦.૦૫ ટકા નીચી સપાટીએ ગબડ્યા હતા. એક તબક્કે સેન્સેક્સ ૫૯,૪૮૪.૩૫ પોઇન્ટ સુધી અને નિફ્ટી ૧૭,૭૨૬.૫૦ની ઊંચી સપાટી સુધી પહોંચ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૩૧૦.૭૧ પોઇન્ટ અથવા તો ૦.૫૩ ટકાના ઘટાડા સાથે ૫૮,૭૭૪.૭૨ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો, જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૮૨.૫૦ પોઇન્ટ અથવા તો ૦.૪૭ ટકાના ઘટાડા સાથે ૧૭,૫૨૨.૪૫ પોઇન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફોસિસ, ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ, એનટીપીસી, લાર્સન એન્ડ ટૂબ્રો તથા એચડીએફસીનો સમાવેશ ટોપ લૂઝર્સ શેરોમાં થયો હતો. જ્યારે મારુતિ સુઝુકી ઇન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ડો. રેડ્ડૂીઝ લેબ અને ટાઇટન ટોપ ગેઇનર્સ શેર બન્યા હતા. બજારના નિષ્ણાતો અનુસાર અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા થનારી વ્યાજ વૃદ્ધિની જાહેરાતની આગોતરી અસર બજારમાં જોવા મળી હતી. આ ઉપરાંત માસિક એફએન્ડઓની એક્સપાઇરીને કારણે પણ અફડાતફડી વધું રહી છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની લેવાલીનો ટેકો હોવા છતાં સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)ની વેચવાલીને કારણે શેરબજાર સુધારો ટકાવવામાં નિષ્ફળ રહ્યું હતું. ડીઆઇઆઇએ ચાલુ મહિનામાં માત્ર બે જ સત્રમાં લેવાલી નોંધાવી હતી. જોકે પોઝિટીવ બાબત એ રહી હતી કે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં લેવાલી જળવાિ રહેતા સુધારો જોવા મળ્યો હતો. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૨૦ ટકા વધીને બંધ થયો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૦૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭ ટકા વધારા સાથે બંધ થયો છે.
આ સત્રમાં બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર, એફએમસીજી, આઈટી અને ઑયલ એન્ડ ગેસ ૦.૨૦-૦.૬૦ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૦.૪૯ ટકાના ઘટાડાની સાથે ૩૮,૮૪૭ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં વધારો છે.અગ્રણી શેરોમાં અદાણી પોર્ટ્સ, બજાજ ફાઈનાન્સ, સિપ્લા, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક અને ટીસીએસ ૧.૧૫-૨.૪૬ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે શ્રી સિમેન્ટ, હિંડાલ્કો, ડિવિઝ લેબ, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ અને ગ્રાસિમ ૦.૫૭-૧.૩૨ ટકા સુધી વધીને બંધ
થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.