રિલાયન્સના ધબડકાને કારણે સેન્સેક્સ ૩૦૬ પોઇન્ટ ગબડ્યો

શેરબજાર

મુંબઇ: વિદેશી ફંડોની વેચવાલી ફરી શરૂ થવા સાથે ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ગબડવાને કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે સપ્તાહના પહેલા સત્રમાં છ સત્રની આગેકૂચને બ્રેક લાગી હતી અને સેન્સેક્સ ૩૦૬ પોઇન્ટ ગબડ્યો હતો.
સત્ર દરમિયાન ૫૩૫.૧૫ પોઇન્ટ અથવા તો ૦.૯૫ ટકાના ઘટાડા સાથે ૫૫,૫૩૭.૦૮ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૩૦૬.૦૧ પોઇન્ટ અથવા તો ૦.૫૫ ટકાના ઘટાડા સાથે ૫૫,૭૬૬.૨૨ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. નિફ્ટી ૮૮.૪૫ પોઇન્ટ અથવા તો ૦.૫૩ ટકાના ઘટાડા સાથે ૧૬,૬૩૧ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે અમેરિકાની ફેડરલ રિઝર્વની બુધવારની બેઠક અગાઉ બજારમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. રોકાણકારોએ ઓટોમોબાઇલ, ઓઇલ એન્ડ ગેસ અને ટેલિકોમ શેરોમાં પ્રોફિટ બુકિંગ કય્રું હોવાથી છ સત્રની આગેકૂચ બાદ તેજીવાળાઓએ હાથ હેઠાં મૂકવા પડ્યાં હતાં. સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ૩.૮૦ ટકાનો સૌથી મોટો કડાકો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ૩.૩૧ ટકાનો કડાકો હતો.
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જૂન કવાર્ટરના પરિણામ રોકાણકારોને પ્રોત્સાહિત ન કરી શક્યા હોવાથી તેનો શેર ૩.૩૧ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૪૨૦.૧૫ની સપાટીએ સ્થિર થયો હતો. કંપનીએ ચોખ્ખા નફામાં ૪૬ ટકાનો વધારો નોંધાવ્યો હતો. અનુક્રમિત ધોરણે ચોખ્ખા નફામાં ૧૧ ટકાનો વધારો થયો છે, જોકે બજારની ચર્ચા અનુસાર વિશ્ર્લેષકો માને છે કે રશિયન ક્રૂડના મસમોટા ડિસ્કાઉન્ટ અને ઇંધણના ઊંચા માર્જિનને જોતાં નફાનો આંકડો ઊંચો હોવો જોઇતો હતો. અન્ય ટોપ લૂઝર શેરોમાં મારુતિ સુઝુકી, કોટક મહિન્દ્રા બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા અને નેસ્લેનો સમાવેશ હતો. ટોપ ગેઇનર્સ શેરોમાં ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક, એશિયન પેઇન્ટ, એચસીએલ ટેકનોલોજીસ, વિપ્રો અને એનટીપીસીનો સમાવેશ હતો. એશિયાઇ બજારોમાં ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગ શેરબજારોમાં પીછેહઠ જોવા મળી હતી, જ્યારે સિઓલ સ્ટોક એક્સચેન્જમાં સુધારો નોંધાયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.