મુંબઇ: ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા અને સપ્તાહના અંતિમ દિવસે વૈશ્ર્વિક રાહે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક લેવાલીથી મજબૂત તેજી જોવા મળી હતી. આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ, ઓઈલ-ગેસ, એનર્જી, રિયલ્ટી. મેટલ, કેપિટલ ગૂડ્ઝ અને ઓટો શેરોમાં ભારે લેવાલીથી સેનસેક્સ ૧૦૩૧ પોઈન્ટ્સ ઊછળ્યો હતો. જ્યારે, નિફ્ટી ૧૭૩૫૦ની ઉપર બંધ રહ્યો હતો.
વૈશ્ર્વિક સ્તરે બેન્ક સંકટનો ભય ઓછો થતાં તેમજ ઘરઆંગણે એફઆઆઈની ફરી શરૂ થયેલી લેવાલીથી શુક્રવારના સત્રમાં રિલાયન્સ, ટીસીએસ, ઈન્ફોસિસ, ટાટા મોટર્સ સહિતના ટોચના શેર્સની આગેવાની હેઠળ જોવા મળેલી ઓલરાઉન્ડ લેવાલીથી ઘેરલૂ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૯,૦૬૮.૪૭ અને નીચામાં ૫૮,૨૭૩.૮૬ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૧૦૩૧.૪૩ પોઈન્ટ્સ અથવા ૧.૭૮ ટકા ઉછળીને ૫૮,૯૯૧.૫૨ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૩૮૧.૬૦ અને નીચામાં ૧૭,૨૦૪.૬૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૨૭૯.૦૫ પોઈન્ટ્સ અથવા ૧.૬૩ ટકાના ઉછાળા સાથે ૧૭,૩૫૯.૭૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
આઈટી, ટેકનો, બેન્ક, ફાઈનાન્શિયલ, ઓઈલ-ગેસ, એનર્જી, રિયલ્ટી. મેટલ, કેપિટલ ગૂડ્ઝ અને ઓટો શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા અને બજારનો અંડરટોન ખૂબ જ મજબૂત જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૯૬ ટકા અને ૧.૩૫ ટકા વધીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં સૌથી વધુ રિલાયન્સના શેરોમાં સૌથી વધુ ૪.૧૯ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ, ટાટા મોટર્સ, ટીસીએસ, એચસીએલ ટેકનો, વિપ્રો, ટેક મહિન્દ્રા અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે.
સેન્સેક્સ પેકમાં સન ફાર્માના શેરોમાં સૌથી વધુ ૦.૮૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ અને ટાઈટનનો સમાવેશ થાય છે.
રિલાયન્સે તેના ફાઇનાન્શિયલ બિઝનેસના ડિમર્જરની પ્રક્રિયા શરૂ કરી હોવાની ચર્ચા વચ્ચે લેવાલી નીકળતા તેનો શેર ૪.૨૯ ટકા ઊચળ્યો હતો. કંપનીએ બીજી મે, ૨૦૨૩ના રોજ ડીમર્જર માટે શેરધારકો અને ધિરાણદારોની મંજૂરી મેળવવા બેઠક બોલાવી છે. ટાટા પાવરના બોર્ડે પ્રવીર સિંઙની તેની સીએમડી તરીકે પુન:નિમણુંક કરી છે, જે પહેલી મે, ૨૦૨૩થી ચાર વર્ષ માટે લાગુ રહેશે.
જેએસડબલ્યુ સ્ટીલ કંપનીને કોલસા મંત્રાલયે છત્તીસગઢ અને ઝારખંડની કોલ માઇન માટે પસંદગીના બિડર તરીકે જાહેર કરી છે. ભારત ઇકલેક્ટ્રેનિક્સે સંરક્ષણ મંત્રાલય પાસેથી રૂ. ૮૧૯૪ કરોડના ૧૨ કોન્ટ્રેક્ટ મેળવ્યા છે.
પ્રીમિયમ ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક ઓડિસી ઇલેક્ટ્રિક વ્હિકલ્સે નવી ઇલેક્ટ્રિક મોટરબાઇક વાડેર બજારમાં મૂકી છે. ઓડિસી વાડેર ૭ ઇંચ એન્ડ્રોઇડ ડિસ્પ્લે દ્વારા ચાલિત ભારતની પ્રથમ મોટરબાઇક છે તથા તેને એપ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી દ્વારા નિયંત્રિત કરી શકાશે. વાડેર મોટરસાયકલ ઇકો મોડ પર ૧૨૫ કિલોમીટરની રેન્જ સાથે આવે છે. કંપની ચાલુ નાણાં વર્ષમાં ઇલેક્ટ્રિક સ્કૂટર સહિતના વિસ્તરણની યોજના ધરાવે છે.
નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ રિલાયન્સના શેરોમાં સૌથી વધુ ૪.૩૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં નેસ્લે ઈન્ડિયા, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અપોલો હોસ્પિટલના શેરમાં ૧.૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટ,સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.